બિયારણ ખરીદી, દવા-ખાતર સહિતના ખર્ચમાં રાજ્ય સરકાર કરે છે મદદ: રાજકોટ જિલ્લામાં ફૂલોની ખેતી બદલ બે વર્ષમાં 4.32 લાખની આર્થિક સહાય અપાઈ
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના દેવગામ ખાતે રહેતા ખેડૂત અરવિંદભાઈ ડોબરિયા 15 વર્ષથી ફૂલોની ખેતી કરે છે. ફૂલોની ખેતીમાં ગુજરાત સરકાર તરફથી મળતી સહાય બદલ તેઓ આભારની લાગણી વ્યક્ત કરે છે. અરવિંદભાઈ કહે છે કે, ગામના જાગૃત નાગરિક પાસેથી બાગાયત યોજનાની જાણકારી મળતા તેમણે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી હતી. જે મંજૂર થતાં ગલગોટાની ખેતી માટે ખાતર, બિયારણ અને પાકમાં છાંટવાની દવાના બિલ ઉપર તેમને રૂ. 17,600ની સહાય મળી હતી. જેને લીધે ખર્ચમાં બચત થતાં નફાનું પ્રમાણ વધ્યું છે અને પરિવારને આર્થિક રાહત મળી છે. તેમણે અન્ય ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની સરકારમાં કૃષિ કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી છે. રાજ્ય સરકારનો બાગાયત વિભાગ ફૂલોની ખેતીને ઉત્તેજન આપવા માટે ખેડૂતોને વિવિધ સહાય આપે છે. જેમાં ફૂલોના બિયારણની ખરીદી, વાવણી, નિંદામણ, કાપણી, ખાતર ખરીદી, દવાના છંટકાવ, પ્લાન્ટિંગ મટીરીયલ વગેરે માટે આર્થિક સહાય અપાય છે.
ફૂલોની ખેતીમાં અપાતી સહાય અંગે, રાજકોટ જિલ્લા બાગાયત વિભાગના નાયબ નિયામક રસિકભાઈ બોઘરા જણાવે છે કે, દાંડી ફૂલો (કટ ફ્લાવર્સ)નાં વાવેતર માટે નાના અને સીમાંત ખેડૂતોને ખર્ચના 40 ટકા, અથવા મહત્તમ રૂ. 40 હજાર પ્રતિ હેક્ટર આર્થિક સહાય અપાય છે. જ્યારે અન્ય ખેડૂતો માટે ખર્ચના 25 ટકા અથવા મહત્તમ રૂ. 25 હજાર પ્રતિ હેક્ટર આર્થિક સહાય અપાય છે.
રાજકોટ જિલ્લામાં ફૂલોની ખેતી અંગે મદદનીશ બાગાયત અધિકારીશ્રી જી. જે. કાતરિયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં મહદ્ અંશે ગુલાબ, ગલગોટા, ગેલાડિયા, સેવંતી, લીલી, બટન ફ્લાવર જેવાં ફૂલોની ખેતી થાય છે. જિલ્લામાં વર્ષ 2021-’22માં 124 હેક્ટર જમીનમાં 975 મેટ્રિક ટન ફૂલોનું ઉત્પાદન થયું હતું. વર્ષ 2021-22માં 17 લાભાર્થીઓને કુલ 14 હેક્ટર માટે રૂ. 1.64 લાખ સહાય અપાઈ હતી. જ્યારે વર્ષ 2022-’23માં 21 લાભાર્થીઓને કુલ 14 હેક્ટર માટે રૂ. 2.68 લાખની સહાય આપવામાં આવી છે. વર્તમાન સમયમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણને કારણે ખેડૂતો સામે હવા, પાણી અને જમીનના પ્રશ્નો ઊભા થયા છે. જેના કારણે ખેડૂતો નેટહાઉસ અને ગ્રીનહાઉસ પદ્ધતિથી ફૂલોની ખેતી કરવા તરફ વળ્યા છે. આ રક્ષિત ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે પણ રાજ્ય સરકાર ખેડૂતો સહયોગ આપે છે. વસંતમાં ઊગતાં ફૂલોના પમરાટથી પ્રકૃતિ રંગબેરંગી અને આહલાદક બને, તે વસંતનો વૈભવ છે. તેવી જ રીતે ગુજરાત સરકારની વિવિધ કૃષિ કલ્યાણ યોજનાઓ ધરતીપુત્રોના જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસંતી વૈભવ લાવે છે.