દેવભૂમિ-દ્વારકા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમને મળી મોટી સફળતા: દ્રગ્સ માફિયા સુધી પહોંચવા જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસના આદેશો
૧૬ કિલો હેરોઇન અને ૫૦ કિલો એમ.ડી. દ્રગ્સ સાથે મુંબઇનો શખ્સ આરાધના ધામ પાસેથી ઝડપાયો
અબતક-દેવભૂમિ-દ્વારકા
દેવભૂમિ દ્વારકાના સલાયા પાસેથી આજ રોજ એલસીબી અને એસઓજીના સ્ટાફે રૂ.૩૫૦ કરોડના દ્રગ્સના જથ્થા સાથે એક પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી છે. જેથી ગુજરાતમાં વધુ એક દુષણ ઘુસેડવાનું કાવતરું નિષ્ફળ કર્યું છે. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસવડા સુનિલ જોષી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને દ્રગ્સ માફિયા સુધી પહોંચવા તપાસના આદેશ આપ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દેવભૂમિ-દ્વારકાના એલ.સી.બી. અને એસ.ઓ.જીની ટીમે ખંભાળિયાના આરાધના ધામ નજીકથી અંદાજીત રૂ.૩૫૦ કરોડની કિંમતનો દ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં પોલીસે પરપ્રાંતીય પક્કડસિંઘ નામના શખ્સને ઝડપી પાડ્યો છે.
પોલીસે આરોપી પક્કડસિંઘને ઝડપી તેની પાસેથી રૂ.૩૫૦ કરોડની કિંમતનો કુલ ૬૬ કિલો દ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં ૧૬ કિલોગ્રામ હેરોઇન અને ૫૦ કિલોગ્રામ એમ.ડી. દ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ પોલીસની સુચકતાના પગલે ગુજરાતમાં વધુ એક દુષણ નાખવાનું દ્રગ્સ માફિયાઓનું કાવતરું નિષ્ફળ રહ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી દ્રગ્સ પેડલર પક્કડસિંઘને દબોચી જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તે અંગે જાણવા આરોપીના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથધરી છે.
થોડા સમય પહેલા જ મુન્દ્રા બંદર પાસેથી વોશિંગ પાવડરની આડમાં ધુસેલા ૩૦૦૦ કીલોથી પણ વધુ કિંમતનો દ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ત્યાર બાદ હવે ફરી એકવાર દ્વારકા પાસે વધુ દ્રગ્સનો જથ્થો ઝડપાતા ગુજરાતમાં દ્રગ્સ માફિયા બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં અન્ય એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. માહિતી મળી રહી છે કે દ્વારકા પોલીસે ૬૬ કિલો ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે આ ડ્રગ્સની કિંમત હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સાડા ત્રણસો કરોડ ગણવામાં આવી રહી છે. ત્યારે સમુદ્રના રસ્તે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. ત્યાર દ્વારકા પોલીસે તેને ઝડપી પાડ્યું છે.
જો કે ૬૬ કિલો ડ્રગ્સના જથ્થાની કિંમત અંદાજે રૂ.૪૦ કરોડ જેટલી આકવામાં આવી રહી છે. ત્યારે આંતરાષ્ટ્રીય કીમત રૂ.૩૫૦કરોડની હોવાની વાત જાણવા મળી રહી છે. આ કિંમતને લઈને હજુ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. ત્યારે એલ.સી.બી. અને એસ.ઓ.જી. પોલીસની ટીમોએ આ મામલે તપાસ હાથ ધરી છે. આ બહોળા પ્રમાણમાં મળેલો દ્રગ્સનો જથ્થો દેવભૂમિ-દ્વારકા જિલ્લાના વાડીનાર અને સલાયા વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસ વડા સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ ઓપરેશન હાથ ધરાયું હતું.