વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના, જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે શરૂ કરવામાં આવી છે, તે આજે ઘણી રીતે ગરીબ પરિવારો માટે વરદાન સાબિત થઈ રહી છે.
વિશ્વ હૃદય દિવસ નિમિત્તે ગુજરાત સરકારની માહિતી અનુસાર, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ 95 હજારથી વધુ હૃદયરોગના દર્દીઓએ એબી પીએમજેએવાય એમ.એ.(આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ) અંતર્ગત મફત સારવાર મેળવી છે. આ લાભાર્થીઓ દ્વારા જમા કરાયેલા ક્લેમ કાઉન્ટની વાત કરીએ તો આ આંકડો 2 લાખ 99 હજારથી વધુ છે.
છેલ્લા પાંચ વર્ષમાં રાજય સરકાર દ્વારા હૃદય રોગના દર્દીઓની તપાસ અને સારવાર માટે રૂ. 1614 કરોડ ખર્ચ્યા
અમે તમને જણાવી દઈએ કે એબી પીએમજેએવાય એમ.એ. હેઠળ, ડાયગ્નોસ્ટિક એન્જીયોગ્રામ, કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફિ્ંટગ , વાલ્વ પ્રોસીજર, પેસમેકર ઇમ્પ્લાન્ટેશન, એઆઇસીડી – ઓટોમેટિક ઇમ્પ્લાન્ટેબલ કાર્ડિયાક ડિફિબ્રિલેટર, ડિવાઇસ ક્લોઝર, ફેમોરલ બાયપાસ અને વેન્ટ્રિક્યુલર પેસિંગ જેવી તમામ પ્રકારની હૃદયરોગની સારવારની સુવિધા આપવામાં આવે છે.
ગુજરાત સરકારે છેલ્લા 5 વર્ષમાં હૃદયરોગની તપાસ અને સારવાર માટે ₹1614 કરોડ ખર્ચ કર્યો છે. સૌ કોઈ જાણે છે કે, હૃદય સંબંધિત રોગોનું નિદાન અને સારવાર ખૂબ ખર્ચાળ છે. આવા સંજોગોમાં ગુજરાત સરકારે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના રાજ્યમાં એટલી અસરકારક રીતે લાગુ કરી છે કે રાજ્યના ગરીબ પરિવારોને હવે હૃદય સંબંધિત તપાસ અને સારવાર માટે વધુ ફરવાની જરૂર નહીં પડે અને તેમની સારવાર થઈ શકે. એબી પીએમજેએવાય એમ.એ. દ્વારા સરળતાથી નિ:શુલ્ક સારવાર મેળવી શકાય છે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વર્ષ 2018 થી સપ્ટેમ્બર 2023 વચ્ચે રાજ્ય સરકારે એબી પીએમજેએવાયએ એમ.એ. હેઠળ હૃદય રોગની સારવાર માટે રૂ. 1614 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ગંભીર હૃદયરોગના દર્દીઓને બીજી મોટી સુવિધા પૂરી પાડતા, ગુજરાત સરકારે એબી પીએમજેએવાય એમ.એ. હેઠળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાનો પણ સમાવેશ કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય બન્યું છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન માત્ર એક જટિલ પ્રક્રિયા નથી પરંતુ તેના માટે અત્યંત કુશળતાની પણ જરૂર છે. વધુમાં, તે હૃદય રોગ સંબંધિત અન્ય સારવાર પ્રક્રિયાઓની તુલનામાં સૌથી મોંઘી પ્રક્રિયા પણ છે. તેથી, એબી પીએમજેએવાય એમએમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાનો સમાવેશ ભૂપેન્દ્ર પટેલ સરકારનો ખૂબ જ સંવેદનશીલ નિર્ણય માનવામાં આવે છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારે જુલાઈ 2023માં આવો જ બીજો સંવેદનશીલ નિર્ણય લીધો હતો, જેમાં એબી પીએમજેએવાય એમએ હેઠળ ઉપલબ્ધ હેલ્થ કવરની રકમ રૂ. 5 લાખથી વધારીને રૂ. 10 લાખ કરી હતી.
ગુજરાતની સાથે સાથે દેશના અન્ય રાજ્યોમાંથી પણ લોકો પીએમજેએવાય એમ.એ. અંતર્ગત હૃદયરોગની તપાસ અને સારવારની સુવિધાનો લાભ લેવા ગુજરાતમાં આવી રહ્યા છે. છેલ્લા 5 વર્ષના આંકડાની વાત કરીએ તો, હૃદયરોગની સારવાર માટે ગુજરાતમાં આવેલા 9800 થી વધુ લાભાર્થીઓ એવા હતા કે જેઓ દેશના અન્ય રાજ્યોમાંથી સારવાર માટે ગુજરાતમાં આવ્યા હતા. મધ્યપ્રદેશના જ 6800 હૃદયરોગના દર્દીઓ છે જેમણે ગુજરાતમાં એબી પીએમજેએવાય એમ.એ. હેઠળ હૃદયરોગની મફત સારવાર મેળવી છે.