સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન સંપન્ન થઇ ગયું છે. એક-બે ઘટનાને બાદ કરતાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાયું છે. મતદાનની ફાઇનલ ટકાવારીની વાત કરીએ તો નગર પાલિકામાં સરેરાશ 53 ટકા, જિલ્લા પંચાયતમાં સરેરાશ 58 ટકા મતદાન, તાલુકા પંચાયતમાં સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું છે. તો કુલ સરેરાશ મતદાન 58 ટકા નોંધાયું છે.
રાજ્યમાં 5.30 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતમાં સરેરાશ 53.05 ટકા મતદાન થયું છે, જ્યારે તાલુકા પંચાયતમાં સરેરાશ 55.76 ટકા મતદાન થયું છે. નગરપાલિકામાં અત્યાર સુધીમાં સરેરાશ 50.31 ટકા મતદાન થયું છે.
5 વાગ્યા સુધી ગુજરાતમાં 31 જિલ્લા પંચાયતમાં 50.56 ટકા, જ્યારે 231 તાલુકામાં 52.27 ટકા અને 81 નગરપાલિકામાં 44.79 ટકા મતદાન નોંધાયુ છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના મતદાન પ્રક્રિયામાં સાંજે 4.30 વાગ્યા સુધીમાં રાજ્યની 231 તાલુકા પંચાયતમાં 51.73 ટકા, 31 જિલ્લા પંચાયતમાં 49.92 ટકા અને 81 નગરપાલિકામાં 34.81 ટકા મતદાન નોંધાયું છે.
મોરબીની ત્રણ નગરપાલિકાઓમાં 5 વાગ્યા સુધીના મતદાનની વાત કરીએ તો નગરપાલિકામાં 49.66 ટકા, માળિયા નગરપાલિકામાં 53.63, વાંકાનેર નગરપાલિકામાં 57.43 મતદાન નોંધાયું છે. અરવલ્લીના બાયડ નગરપાલિકાનું રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે. પાંચ વાગ્યા સુધીમાં 75.37 ટકા મતદાન નોંધાયું છે. એટલું જ નહીં અહીં વોર્ડ નંબર 5માં સૌથી વધુ 82.09 ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે ગતટર્મમાં 82 ટકા નોંધાયું હતું. મહેસાણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અત્યાર સુધી 55.38% મતદાન નોંધાયું છે. જેમાંથી સૌથી વધારે કડી તાલુકામાં 59.51% મતદાન નોંધાયું છે.
સુરતના કામરેજના રૂંઢવાડા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સવારથી એક પણ મત નથી પડ્યો ઇવીએમમાં. વિકાસના કામોના અભાવને કારણે મતદાનનો બહિષ્કાર કર્યો છે.
ગુજરાતમાં સવારથી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે ભરુચના હિંગલ્લા ખાતે EVM હેકિંગના આક્ષેપ સાથે AIMIM ઉમેદવાર નઝીર વલી તકરાર કરી હતી. આ તકરાર પછી પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.
3 વાગ્યા સુધીમાં શહેર કરતા ગ્રામ્યમાં વધુ મતદાન નોંધાયું છે. બપોર બાદ શહેરોના મતદારો મતદાન મથકે પહોંચી રહ્યાં હોય એમ લાગી રહ્યું છે. ટકાવારી પ્રમાણે વાત કરવામાં આવે તો બપોરના 3.30 વાગ્યા સુધીમાં રાજ્યની નગરપાલિકાઓનું 39.95% મતદાન નોંધાયું છે જ્યારે રાજ્યની જિલ્લા પંચાયતોમાં 40.38% મતદાન અને તાલુકા પંચાયતોમાં 42.93% મતદાન નોંધાયું છે.
મતદાન કરવા મોટી સંખ્યામાં મતદારો વતન ઉમટી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જેમાં સુરતથી 900થી વધુ બસો ભરાઇને માદરેવતન કાઠિયાવાડ આવી રહ્યાં છે મતદારો.
નગરપાલિકા ચૂંટણીના 4 વાગ્યા સુધીના મતદાનના આંકડા
સુરેન્દ્રનગર 41
રાજકોટ 32
જામનગર 54
પોરબંદર 34
જૂનાગઢ 41
અમરેલી 41
ભાવનગર 45
દેવભૂમિ દ્વારકા 48
ગીર સોમનાથ 46
આણંદ 46
ખેડા 46
પંચમહાલ 48
દાહોદ 44
વડોદરા 53
નર્મદા 50
ભરૂચ 45
નવસારી 45
વલસાડ 52
સુરત 50
તાપી 56
બનાસકાંઠા 38
કચ્છ 36
સાબરકાંઠા 46
ગાંધીનગર 49
અમદાવાદ 44
બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ભરૂચ જિલ્લા પંચાયતમાં 33.98 ટકા, જિલ્લાની તાલુકા પંચાયતોમાં સરેરાશ 39.43 ટકા મતદાન નોંધાયું છે. તો ભરૂચ નગરપાલિકામાં 42.46 ટકા મતદાન નોંધાયું છે.
મતદાન દરમિયાન દાહોદના ધોડિયામાં મતદાન મથકમાં મોટી બબાલ થઇ હોવાનું સામે આવ્યું છે. અહીં કેટલાક શખ્સો દ્વારા EVMમાં તોડફોડ અને બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે.
ગોધરાના શ્વેતામ્બર જૈન સમાજની 22 કાંચી શાહે દીક્ષા ગ્રહણ કર્યા પહેલા મતદાન કરી અન્ય લોકોને મતદાન કરવા અપીલ કરી છે. ગોધરાના અદુમ્બર કુવા વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે વેપારી મયુરભાઈ શાહના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. જે પૈકી તેમની એક દીકરી કાંચી જેણે સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે. કાંચીએ પોતાના જીવનને ધર્મના માર્ગે વાળી દેવાનો સ્વંય કઠોર નિર્ણય કર્યો હતો.
શહેરોની સરખામણીએ ગામડાના લોકો મતદાન પ્રત્યે વધુ જાગૃત હોય એમ લાગી રહ્યું છે. રાજ્યની જિલ્લા- તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઇ રહેલા મતદાનના લેટેસ્ટ આંકડા આવ્યા છે જેમાં બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 29 ટકા મતદાન થયું છે. ડાંગ જિલ્લા પંચાયતમાં 35.44 ટકા, ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 26.61 ટકા, મોરબી જિલ્લા પંચાયતમાં 26.45 ટકા, ગીર સોમનાથ જિલ્લા પંચાયત માટે 25.06 ટકા, નવસારી જિલ્લા પંચાયત માટે 24.41 ટકા મતદાન થયું છે.
રાજ્યમાં યોજાઇ રહેલા તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં બપોરે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 22 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ પાલીતાણા નગરપાલિકામાં 23 ટકા મતદાન નોંધાયું છે. આ સિવાય દ્વારકાની જામરાવલ નગરપાલિકામાં 23 ટકા, રાજકોટની ગોંડલ નગરપાલિકામાં 23 ટકા, સુરતની તરસાડી નગરપાલિકામાં 24 ટકા મતદાન નોંધાયું છે.
કોંગ્રેસના નેતા અર્જુનભાઇ મોઢવાડિયાએ પોરબંદરમાં આવેલા પોતાના વતન મોઢવાડામાં મતદાન કર્યું હતું. અમરેલીના માળીલામાં ભાજપ નેતા દિલીપ સંઘાણીએ પત્ની સાથે મતદાન કર્યું હતું.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે યોજાઇ રહેલા તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટેના મતદાનનું લેટેસ્ટ અપડેટ આવ્યું છે. જેમાં સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 17 ટકા મતદાન નોંધાયું છે.
તો વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વોર્ડ નંબર 3ના બૂથ નંબર 1માં પત્ની અને ભાભી સાથે મતદાન કર્યું હતું. સાથે જ વલસાડના કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ કપરાડા તાલુકાના કાકડ કોપર ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. તો પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ દેડરડા ખાતે કર્યું મતદાન.
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હજુ સુધી શાંતીપૂર્ણ રીતે યોજાઇ રહ્યું છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે પ્રથમ ત્રણ કલાકમાં તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સરેરાશ 12 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સાવરકુંડલા નગરપાલિકામાં 13 ટકા, નવસારીની ગણદેવી નગરપાલિકામાં 12 ટકા, ભરૂચ નગરપાલિકામાં 10 ટકા મતદાન નોંધાયું છે.
હાલ મળી રહેલા મતદાનના લેટેસ્ટ આંકડા પ્રમાણે સવારે 10 વાગ્યા સુધીમાં જિલ્લા-તાલુકા પંચાયતમાં 10.1 ટકા, નગરપાલિકાઓમાં 9 ટકા જેટલું મતદાન નોંધાયું છે. મતદાનની ગતિ જોતા એવું લાગી રહ્યું છે આ વખતે રેકોર્ડબ્રેક મતદાન નોંધાઇ શકે છે.
વિરમગામ ખાતે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મતદાન તો કર્યું પરંતુ તેઓ કોંગ્રેસને આપી શક્યા નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2માં ભાજપ-અપક્ષની પેનલ વચ્ચે જ ખરાખરીનો જંગ છે. અહીં કોગ્રેસે પોતાનો કોઇ મેદવાર ઉભો રાખ્યો નથી. મત આપ્યા બાદ હાર્દિક પટેલે કહ્યું કે અપક્ષ ઉમેદવારને કોંગ્રેસ પ્રેરિત છે.
વાત કરીએ પ્રથમ બે કલાકની તો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારસુધીમાં સૌથી વધુ તાપીમાં 8.73 ટકા મતદાન નોંધાયું છે. જેમાં નર્મદામાં 8.6, ગાંધીનગરમાં 8.18 અને વડોદરામાં 8.3 ટકા મતદાન નોંધાયું છે. આ સિવાય સૌથી ઓછું મતદાન ખેડા જિલ્લાની નગરપાલિકામાં 2.36 અને બનાસકાંઠામાં 3.53 ટકા મતદાન નોંધાયું છે. આ સિવાય પોરબંદરમાં 4.7 અને અમરેલીમાં 3.76 મતદાન થયું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવારે 9 વાગ્યા સુધીમાં જિલ્લા અને તાલુકા પંચાયતની કુલ 7 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ 8.9 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં 6.7 ટકા નોંધાયું છે. તો નગરપાલિકાના મતદાનની વાત કરીએ તો બે કલાકમાં 8.5 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ કડીમાં 9.8 ટકા મતદાન નોંધાયું છે.
જીવનમાં લગ્નની જેમ સામાજિક ફરજો પણ મહત્વની છે, જેનું ઉત્તમ ઉદાહરણ વડોદરાના પાદરમાં જોવા મળ્યું અહીં પાદરામાં નગરપાલિકા મતદાનમાં પીઠી ચોળીને કન્યા મતદાન કરવા પહોંચી હતી. મતદાન કરી આ કન્યાએ અન્ય લોકોને મતદાન કરવા અપીલ પણ કરી હતી
નસવાડી તાલુકાકાના હરિપુરા ગામમાં એક આદિવાસી વરરાજાએ પોતાની મતદાનની ફરજને નિભાવતા પ્રથમ મતદાન કર્યું છે. જોકે, તેની ખાસ વાત એ છે કે, આજે જ તેના લગ્ન છે અને આજે તેના જીવનનું પહેલુ મતદાન છે. ત્યારે તેણે લગ્ન ટાંણે પણ મતદાન કરવાની ફરજ બજાવી હતી. આજે લગ્ન હોવા છતાં જીવનના ફેરા ફરતા પહેલા લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા છે. ઉલ્લેખનીય છે કે, જીવનમાં પ્રથમ વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. કુલ 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે પોતાના મતનો ઉપયોગ કરવા વહેલી સવારથી જ લોકોની લાઇનો લાગી હતી. વાત કરીએ મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતની તો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઠેર ઠેર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. વહેલી સવારથી ચાલુ થયેલી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી છે.
ગોધરા અને ગોંડલમાં EVM બંધ થયાની સમાન્ય ફરિયાદ મળી હતી, જો કે ઓફિસરો દ્વારા યોગ્ય ઉકેલ લાવી ફરી રાબેતા મુજબ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વલસાડ, બારડોલી, તરસાડી, કડોદરા,નવસારી, ભરૂચ અને માંડવી નગરપાલિકામાં મતદાન શરૂ થયું છે. બારડોલી પાલિકાની 9 વોર્ડની 36 બેઠક, કડોદરા નગરપાલિકાની 7 વોર્ડની 28, માંડવી પાલિકાની 6 વોર્ડની 24 અને તરસાડી પાલિકાની 7 વોર્ડની 28 બેઠકો મળી કુલ 116 બેઠકોની ચૂંટણીમાં 1,01,916 મતદારો મતદાન કરશે. સાથે જ તાપી જિલ્લા પંચાયતમાં 26 બેઠકો છે જ્યારે સાત તાલુકા પંચાયતમાં 124 બેઠકો માટે પણ મતદાન શરૂ થયું છે.
વડોદરા સહિત દાહોદ, પંચમહાલ, મહીસાગર, નસવાડી અને નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ ગયું છે. વડોદરા જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની 290 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. જેમાં કુલ 10.56 લાખ મતદારો 770 મતદારોનું ભાવિ નક્કી કરશે. આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. નસવાડીમાં વરરાજાએ લગ્નના સાત ફેરા કરતા પહેલા લોક સાહિના પર્વમાં ભાગીદાર બની મતદાન કર્યું છે. દાહોદમાં રાજ્યસરકારના પ્રધાન બચુભાઈ ખાબડએ મતદાન કર્યું.
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. જિલ્લાના 16,37,155 મતદારોને મતાધિકાર મળ્યો છે. આજે મહેસાણા, ઊંઝા, કડી અને વિસનગર પાલિકાની ચૂંટણીમાં 923 ઉમેદવારોનું ભાવિ 16,37,155 મતદારો નક્કી કરશે.ચૂંટણી પહેલાં જ 38 બેઠકો બિનહરીફ થતાં હવે 410 બેઠકો પર ચૂંટણી જંગ જોવા મળશે. તેમજ 425 સંવેદનશીલ, 118 અતિ સંવેદનશીલ મળી 1814 મતદાન મથકો પર 4561 પોલીસ જવાનો તૈનાત કરાયા છે. મહેસાણામાં રાજ્યસભ્યાના સાંસદ જુગલજી ઠાકોરે મતદાન કર્યું.