અબતક, રાજકોટ
રાજ્યના તમામ મહાનગરોને ઇલેક્ટ્રિક બસથી જોડવા માટે સરકાર કાર્ય કરી રહી છે. જેના પરિણામે આગામી ડિસેમ્બર માસ સુધીમાં મહાનગરો વચ્ચે ઇ-બસ સેવા શરૂ કરવામા આવશે. આ સાથે પર્યાવરણની જાળવણી માટે પણ ૫૦ જેટલી ઇલેક્ટ્રિક બસને દોડાવામાં આવશે. જ્યારે કેવડિયા માટે અલગથી ઇ-બસનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં વધતા જતા પેટ્રોલ-ડિઝલના ભાવ સામે તમામ મહાનગરોને ઇલેક્ટ્રિક બસને જોડવા માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. જેના માટે એસ.ટી. વિભાગને ૫૦ ઇલેક્ટ્રિક બસ સોંપવામાં આવશે. બીજી તરફ પ્રદુષણ ઘટાડવા માટે અને પર્યાવરણના જતન માટે પણ ઇલેક્ટ્રિક બસ પરિવહન માટે ઉત્તમ વિકલ્પ બની રહેશે. આ માટે અમદાવાદ સહિત પાંચ મહાનગરોમાં સ્ટેશન પણ બનાવવામાં આવશે. રાજ્યના તમામ મહાનગરોને ઇલેક્ટ્રિક બસ સાથે જોડવા માટે હવે ડિસેમ્બર સુધીમાં ઇ-બસના પ્રોજેકટને અનુસરવામાં આવશે. જેની તૈયારીના ભાવરૂ પે રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સ્ટેશન બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ પાંચ મહાનગરો વચ્ચે કુલ ૫૦ ઇલેક્ટ્રિક બસ દોડશે અને કેવડિયા માટે ખાસ રાજ્ય સરકારે અલગ ૫૦ ઇલેક્ટ્રિક બસ ફાળવી છે. જેના કારણે આગામી ડિસેમ્બર સુધીમાં કુલ ૧૦૦ ઇલેક્ટ્રિક બસ રાજમાર્ગો પર દોડતી નજરે પડશે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે બજેટમાં બંદરો અને વાહન પરિવહન માટે ૧૪૭૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેના આધારે આગામી સમયમાં એસ.ટી.વિભાગમાં વધુ ૧૦૦૦ નવી બસનું આગમન કરવામાં આવશે. જેમાં ૮૦૦ ડિલક્ષ બસ, ૨૦૦ સિલ્વર કોચ જ્યારે આરામદાયક લાંબી મુસાફરી માટે વધુ ૫૦૦ વોલ્વો બસ દોડાવવામાં આવશે. આ તમામ બસનું રૂ .૨૭૦ કરોડના ખર્ચે જોગવાઈ કરવામાં આવી છે.
બસ ૩ કલાકમાં ચાર્જ થશે અને ૨૦૦ કિમી સુધીનું અંતર કાપશે
ઇલેક્ટ્રિક બસને ચાર્જ કર્યા બાદ તે ૨૦૦થી ૨૨૦ કિમી સુધી ચાલશે. જોકે બસ બેટરીથી ચાલતી હોવાથી તેમાં ૧૮૦ કિલો વોટની લિથીયમ પ્રકારની બેટરીની સુવિધા ઇલેક્ટ્રિક બસમાં છે. આથી એક બસને ફાસ્ટ ચાર્જિંગ ત્રણ કલાક જેટલો સમય લાગતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
એક બસની કિંમત રૂ પિયા ૧.૩૦ કરોડ
નગરના ડેપોને ફાળવવામાં આવનાર ઇલેક્ટ્રિક બસથી પ્રદૂષણ થતું અટકાવશે પરંતુ એક બસની કિંમત રૂ પિયા ૧.૩૦ કરોડની છે. ઉપરાંત ઇલેક્ટ્રિક બસમાં ભાડાના દરમાં વધારો કરવો કે નહી તે અંગે એસ ટી નિગમ દ્વારા આગામી સમયમાં નિર્ણય લેશે.