મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ લોકસભાની આગામી ચૂંટણીમાં રકાસને ખાળવા કોંગ્રેસ હતાશા ખંખેરી ઉભી થઇ રહી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રાજધાની દિલ્હીમાં ધામા નાંખ્યા છે. બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.
નવુ સંગઠન માળખુ, લોકસભાની ચૂંટણી, ભારત જોડો યાત્રાનો રૂટ નક્કી કરવા સહિતની ચર્ચાઓ
ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો.મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને સિનિયર કોંગી નેતા અર્જુનભાઇ મોઢવાડિયા આજે રાજધાની દિલ્હીમાં છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રાના બીજા તબક્કાનો આરંભ ગુજરાતથી કરવામાં આવનાર છે ત્યારે ભારત જોડો યાત્રાનો રૂટ નક્કી કરવા ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું નવું સંગઠન માળખુ નક્કી કરવા લોકસભાની આગામી ચૂંટણીની તૈયારી સહિતના મુદ્ાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો શર્મનાક પરાજય થયો હતો. રાજ્યની 182 બેઠકો પૈકી માત્ર 17 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની જીત થઇ હતી. આ ઉપરાંત વર્ષ-2014 અને વર્ષ-2019 લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં સમ ખાવા પુરતી એકપણ બેઠક મળી ન હતી. લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વખત રકાસ ખાળવા કોંગ્રેસ ગંભીર બની છે. અત્યારથી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા નવું સંગઠન માળખુ પણ જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.