પ્રભારી ડો.રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા સહિતના નેતાઓ સાથે હાઇકમાન્ડની મહત્વપૂર્ણ બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજ્યનાં તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીલક્ષી વ્યૂહરચના ગોઠવવામાં જોતરાય ગઇ છે. આજે ગુજરાતની મૂલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાંજે પ્રદેશ ભાજપના હોદ્ેદારો સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજવાના છે.
દરમિયાન ગઇકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાત દરમિયાન સંગઠાત્મક બેઠક યોજી હતી. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ગઇકાલ રાતથી દિલ્હીમાં ધામા નાખ્યા છે. આજે તેઓ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાશે.
ગુજરાતના પ્રભારી ડો.રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, અર્જુનભાઇ મોરવાડિયા સહિતના નેતાઓ દિલ્હીમાં પહોંચી ગયા છે. આજે તેઓ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક કરશે. જેમાં ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવશે.રાજ્યમાં છેલ્લા અઢી દાયકાથી સત્તા વિહોણી કોંગ્રેસ હવે ગુજરાતમાં સત્તા સુખ હાંસલ કરવા માટે ગંભીર બની છે.