આગામી ૫ વર્ષમાં ટોલ પ્લાઝાથી રૂા.૧ લાખ કરોડની આવક થાય તેવી માર્ગ અને પરિવહન મંત્રાલયની અપેક્ષા
ભારતમાં નેશનલ હાઈવે ઓર્થોરીટી ઓફ ઈન્ડિયા હેઠળના તમામ ટોલ પ્લાઝા આગામી તા.૧લી ડિસેમ્બરથી સંપૂર્ણ ઈલેકટ્રોનિક થવા જઈ રહી છે. તમામ ટોલ પેમેન્ટ આગામી તા.૧લી ડિસેમ્બરથી ફાસ્ટટેગ યોજના હેઠળ આવરી લેવાશે. નેશનલ ઈલેકટ્રોનિક ટોલ કલેકશન પ્રોગ્રામ હેઠળ સરકારે ટોલ પ્લાઝા પર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે, આ માટેની કામગીરી ગુજરાતની કંપનીઓને સોંપવામાં આવે તેવી ધારણા છે.
ફાસ્ટટેગના માધ્યમથી આગામી સમયમાં તમામ વાહનોનો ટોલ ઉઘરાવવામાં આવશે. જેનાથી કોઈ કૌભાંડની દહેશત રહેશે નહીં તેવું સરકારનું માનવું છે. માર્ગ અને પરિવહન મંત્રાલયે આ કામગીરી માટે ગત મહિનાી જ તૈયારીઓ કરી હતી. ટોટલ ૧.૪ લાખ કિ.મી. હેઠળનો નેશનલ હાઈવે આ સ્કીમ હેઠળ આવરી લેવાશે. જે પૈકીનો ૧૪૯૯૬ કિ.મી.ના હાઈવે પર અત્યારે મેન્યુઅલી ટોલ ટેક્ષ ઉઘરાવવા આવી રહ્યો છે. ગત મહિને માર્ગ પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે, આગામી ૫ વર્ષમાં ઈલેકટ્રોનિક ટોલ કલેકશનના કારણે રૂા.૧ લાખ કરોડની તોતીંગ આવક થશે. ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં તમામ નેશનલ હાઈવેને ઈ-ટોલ હેઠળ આવરી લેવામાં આવશે.
દેશમાં નેશનલ ઈલેકટ્રોનિક ટોલ કલેકશન પ્રોગ્રામ હેઠળ માર્ગ અને પરિવહન મંત્રાલયે ધીમે ધીમે જવાબદાર અધિકારીઓની નિમણૂંક કરવાનું શરૂ કર્યું છે. આ માટે સેન્ટ્રલ પ્રભારી ઓફિસર્સની નિમણૂંક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અહીં નોંધનીય છે કે, માર્ગ અને પરિવહન મંત્રાલયને ઈલેકટ્રોનિક ટોલ કલેકશનથી ફાયદો થશે. આ ઉપરાંત વાહનોને ટ્રક કરવાનું પણ સરળ થશે. ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોને ટ્રેક કરવા એસએમએસ એલર્ટ પણ મળશે.