૮૦૦ ટન ખાંડ ભરી ડીજુબુટ્ટી બંદર જઈ રહેલા સલાયાના માલવાહક જહાજની જળસમાધિ
ગુજરાત કોસ્ટગાર્ડના જવાનો દેવદૂત સમાન સાબિત થયા છે. મુન્દ્રા બંદરથી ૮૦૦ ટન ખાંડનો જથ્થો ભરીને ડીજુબુટ્ટી બંદર જઈ રહેલા સલાયાના માલવાહક જહાજે ખરાબ વાતાવરણને લીધે એકાએક જળ સમાધિ લીધી હતી પરંતુ કોસ્ટગાર્ડના જવાનોની સતર્કતાને લીધે જહાજમાં હાજર ૧૨ ખલાસીઓનો આબાદ બચાવ કરી લેવાયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક માલવાહક જહાજ ડુબી ગયુ છે. દ્વારકા પાસે અરબ સાગરમાં સલાયાના માલવાહક જહાજની જળસમાધિ થઇ છે. ‘નિગાહે કરમ’ નામનું જહાજ મુન્દ્રાથી ૮૦૦ ટન ખાંડ ભરીને ડીજુબુટ્ટી બંદર તરફ જઇ રહ્યું હતુ. ત્યારે ખરાબ હવામાનના કારણે જહાજ અરબ સાગરમાં ડૂબી ગયુ હતુ. અકસ્માતની જાણ થતા જ ભારતીય કોસ્ટગાર્ડે જહાજમાં રહેલા તમામ ૧૨ ખલાસીઓનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્ય હતુ અને આ તમામને બચાવી લીધા હતા.
સલાયાનું “નીગાહે કરમ” જહાજ જેનો રજીસ્ટ્રેશન નંબર બી.ડી.આઈ. ૧૩૯૮ છે. તે સુલતાન ઇસ્માઇલ સુંભનીયાની માલિકીનું હતું. ૨૭ ડિસેમ્બરના રોજ આ જહાજ મુન્દ્રા બંદરેથી ૮૦૦ ટન ખાંડ ભરી ડીજુબુટ્ટી બંદરે જવા રવાના થયુ હતું. આ જહાજમાં ૧૨ ખલાસીઓ સવાર હતા. જો કે ખરાબ હવામાનના લીધે આ જહાજ અરેબિયન સમુદ્રની હદમાં જ અચાનક ડુબવા લાગ્યુ હતુ. બોટમાં રહેલા ૧૨ ખલાસીઓ પણ આ બોટની સાથે ડુબી જવાનો ડર હતો. જો કે ૧૨ ખલાસીઓને ઇન્ડીયન કોસ્ટગાર્ડ તેમજ નજીકમાં રહેલ મોટર ટેન્કર સી રેન્જર દ્વારા બચાવી લીધા હતા.
આ બચાવ કામગીરી માટે સલાયા ઇન્ડીયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી આદમ ભાયા દ્વારા કોસ્ટ ગાર્ડને સમયસર ઈમેલ દ્વારા જાણ કરી અને આ ખલાસીઓને બચાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેથી આ તમામ ખલાસીઓનો બચાવ થયો છે. આ વહાણ ડૂબતા સલાયામાં વહાણવટી ભાઈઓમાં શોકની લાગણી પ્રસરી હતી. તો બીજી તરફ આ ખલાસીઓનો બચાવ કરીને વાડીનાર બંદરે લઈ આવવામાં આવ્યા હતા.