- 14 રાજ્યોના મુખ્યમંત્રી પાસે 457 કરોડની સંપત્તિ હોવાનો ADRનો રિપોર્ટ
- ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ 8 કરોડની સંપત્તિ સાથે દેશમાં 15માં ક્રમે
- આંધ્ર પ્રદેશના ચંદ્રાબાબુ નાયડુ 931 કરોડ સંપત્તિ સાથે દેશમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી
- સૌથી ઓછી સંપત્તિ ધરાવતા CM તરીકે 15 લાખની સંપત્તિ સાથે પશ્ચિમ બંગાળના મમતા બેનરજી
શું તમે જાણો છો કે ભારતના કયા રાજ્યના મુખ્યમંત્રી પાસે સૌથી વધુ પૈસા છે? તેમજ સવાલ એ પણ છે કે ભારતમાં કયા રાજ્યના મુખ્યમંત્રી પાસે સૌથી ઓછી સંપત્તિ છે? આ સંબંધમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મુખ્યમંત્રીની સંપત્તિનો ડેટા આપવામાં આવ્યો છે.
દેશની સરેરાશ રાષ્ટ્રીય માથાદીઠ આવક 2023-24માં 1.85 લાખ રૂપિયા છે. જ્યારે દેશના 31 મુખ્યમંત્રીઓની સરેરાશ વાર્ષિક આવક તેનાથી 7.5 ગણી એટલે કે 13.64 લાખ રૂપિયા છે. તેમજ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 કરોડની સંપત્તિ સાથે 15મા ક્રમે છે. તેમજ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સંપત્તિ સૌથી વધુ 931 કરોડ છે. જ્યારે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની સંપત્તિ સૌથી ઓછી 15 લાખ રૂપિયા છે. દેશના તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1630 કરોડ છે. જ્યારે મુખ્યમંત્રીઓની સરેરાશ સંપત્તિ 52.59 કરોડ છે.
સૌથી વધુ સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ દેશના સૌથી અમીર મુખ્યમંત્રી છે. તેમજ તેમની પાસે 931 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ બીજા સ્થાને છે. તેમની પાસે 332 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. ત્રીજા નંબરે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે. તેમની પાસે 51 કરોડથી વધુની સંપત્તિ છે.
સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી
જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માત્ર 15 લાખ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી છે. તેમજ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા 55 લાખની સંપત્તિ સાથે યાદીમાં બીજા સૌથી ગરીબ મુખ્યમંત્રી છે. જ્યારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન 1.18 કરોડની સંપત્તિ સાથે ત્રીજા સૌથી ઓછા અમીર મુખ્યમંત્રી છે.
રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી દીઠ સરેરાશ સંપત્તિ 52.59 કરોડ રૂપિયા છે. 2023-2024 માટે ભારતની માથાદીઠ ચોખ્ખી રાષ્ટ્રીય આવક અથવા NNI લગભગ રૂ. 1,85,854 હતી, જ્યારે મુખ્ય પ્રધાનની સરેરાશ સ્વ-આવક રૂ. 13,64,310 છે, જે ભારતની માથાદીઠ સરેરાશ આવક કરતાં લગભગ 7.3 ગણી છે.
દેશના 31 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ કેટલી છે?
દેશના 31 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1,630 કરોડ રૂપિયા છે. ખાંડુ પર 180 કરોડ રૂપિયાની જવાબદારી પણ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે સિદ્ધારમૈયા રૂ. 23 કરોડ અને નાયડુ રૂ. 10 કરોડથી વધુની જવાબદારીઓ ધરાવે છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 13 (42 ટકા) મુખ્યમંત્રીઓએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે, જ્યારે 10 (32 ટકા)એ ગંભીર ફોજદારી કેસો જાહેર કર્યા છે.