કૃષિ ક્રાંતિ આણવા ઇઝરાયલની ટેકનોલોજી અને નિષ્ણાંત પણાનો સક્રિય ઉપયોગ કરાશે: પરિણામલક્ષી ફલક્ષૃતિ માટે મુખ્યમંત્રી દ્વારા તત્કાલ હાઇ લેવલ કમીટીની રચના કરશે
દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન, ગુજરાતને વિકાસના રાહ પર દોડતું કરી દીધું હતું; હવે તેમના જ પગલે પગલે ચાલીને લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં વિકાસ ક્રાંતિ લાવવાની હામ ભીડી છે. આ હકીકતની પ્રતીતિ વિજયભાઈ રૂપાણીની તાજેતરની ઇઝરાયેલ મુલાકાતની ફળશ્રુતિ દ્વારા થઈ છે. રાજ્યમાં જળ ક્રાંતિ લાવવા માટે અભૂતપૂર્વ સુજલામ સુફલામ જળસંચય અભિયાન સંપન્ન કર્યા બાદ તેના અનુસંધાને મુખ્યમંત્રીએ તુરત જ ઇઝરાયેલનો પ્રવાસ ખેડી ગુજરાતની પ્રજાની સુખાકારી માટે તેઓ સતત ચિંતિત અને પ્રયત્નશીલ હોવાનો વધુ એક દાખલો બેસાડ્યો છે. તેમ ભાજપના અગ્રણી, પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ-ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.
એક નિવેદનમાં ધ્રુવે જણાવ્યું છે કે, કોઈપણ દેશ કે રાજ્યના વિકાસમાં ઔદ્યોગિક ક્ષેત્રની સાથે કૃષિક્ષેત્ર પણ અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે એ હકીકત સુપેરે જાણતા, સમજતા મુખ્યમંત્રી વિજયભાઈએ પોતાની છ દિવસની સમગ્ર ઇઝરાયેલ યાત્રાના કેન્દ્રસ્થાને ગુજરાતના કૃષિક્ષેત્રને રાખ્યું હતું એટલું જ નહીં, ઇઝરાયેલ પ્રવાસ પૂર્ણ કરીને સ્વદેશ પરત આવતાંની સાથે જ ગુજરાતના કૃષિક્ષેત્રને ઇઝરાયેલ જેવો વેગ આપવાની દિશામાં વિવિધ પગલાં અમલમાં મૂકી દીધા છે તે નિહાળતાં એવું લાગે છે કે, મુખ્યમંત્રીએ રાજ્યમાં કૃષિ, પશુપાલન અને જળ-વ્યવસ્થાપનને ખરા અર્થમાં ફાસ્ટ-ટ્રેક પર મૂકવા કમર કસી છે.
ઈઝરાયેલની લેટેસ્ટ ટેકનોલોજી અને નિષ્ણાતપણાના ઉપયોગ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટનો અમલ કરવાની સ્તુત્ય જાહેરાત કરી દીધી છે. આ પાયલોટ પ્રોજેક્ટ દ્વારા કૃષિ, બાગાયત, જળ-વ્યવસ્થાપન અને પશુપાલન ક્ષેત્રે અત્યાધુનિક ટેકનોલોજીની આયાત કરાશે અને ઈઝરાયેલના નિષ્ણાતોના સહકારથી ગુજરાતમાં તેનો અમલ કરવામાં આવશે. કૃષિક્રાંતિને વેગ આપવા માટે વિવિધ શોધ-સંશોધન દ્વારા યુવાનોને રોજગારી અને ખેડૂતોને ખાતર, પાણી તેમજ તાલીમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખારેક, કેરી અને મસાલાનાં પાકો માટે કચ્છ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનની ફળદ્રુપતા, ઉત્પાદકતા વધારવાના પ્રયાસો હાથ ધરાશે.
મુખ્યમંત્રીએ વિજયભાઈ રૂપાણીએ ઇઝરાયેલની ટેકનોલોજી તેમજ બેસ્ટ પ્રેકટીસીસની મદદથી કૃષિ-પશુપાલન ક્ષેત્રે ૯ જેટલા વિષયોમાં સત્વરે પાયલોટ પ્રોજેકટસ હાથ ધરાવાની કામગીરીનો શુભારંભ કરી દીધો છે જેમાં, એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન એન્ડ ટ્રેઇનીંગ ઇન્સ્ટીટયુટ, રાજ્યની ખેતીલાયક પડતર જમીનને ખેતીમાં સાંકળી લેવા ઇઝરાયેલની કંપનીઓ સાથે ભાગીદારી, શેરડીની ઉત્પાદકતા વધારવા માટે ટેક્નોલોજી એડોપ્શન, ડિઝીટલ ફાર્મિંગ સોલ્યુશન નેટ બીટ યુનિટ્નો ઉપયોગ, નવીન ટેક્નોલોજી આધારિત ફ્રુટ ફ્લાય ટ્રેપ, એચ.એફ. ગાય માટે ઇઝરાયલથી સિમેન ડોઝ, ડેરીફાર્મમાં સેન્સરનો ઉપયોગ અને ઇઝરાયલ મુજબ તબેલાની ડિઝાઇન તથા મત્સ્યોદ્યોગ વિકાસના વિવિધ પગલાંનો સમાવેશ થાય છે.
ઇઝરાયેલ પ્રવાસથી પરત આવતાની સાથે જ ઇઝરાયેલ-ગુજરાત વચ્ચે કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહભાગીતાના નક્કર કાર્યઆયોજન માટે મુખ્યમંત્રી વિજયભાઈએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હાઇ લેવલ કમિટી રચવાનો નિર્ણય લીધો છે. જેમાં ઉચ્ચસ્તરીય મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, જે તે વિષયના તજજ્ઞો, નેતાઓ, આગેવાનો અને કર્મઠ કાર્યકર્તાઓનો સહયોગ લઇ ૯ જેટલા વિવિધ સેકટરમાં પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, યુવા રોજગારી જેવા ક્ષેત્રોમાં ઇઝરાયેલી ટેકનોલોજીનાં ઉપયોગ દ્વારા ગુજરાતને સુખી, સમૃદ્ધ અને સંપન્ન બનાવવા રાજ્યની ફાસ્ટટ્રેક સરકાર ઝડપી બની છે.
આ સિવાય ડિજીટલ ફાર્મિંગ માટે ૧૦૦ જેટલા યુનિટ ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ડેરી ફાર્મિંગ અને મત્સ્યોદ્યોગ માટે પણ વિવિધ ટેક્નોલોજી વિકસાવવાની કવાયત શરૂ કરી દેવાઈ છે.
કૃષિ, મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રે વધુ ઉત્પાદન અને નિકાસનાં ઉજળા સંકેતોની તક ઝડપી લેવા અને તેને સમયબદ્ધ રીતે સાર્થક બનાવવા મુખ્યમંત્રી અને તેમનીસરકારે અસરકારક આયોજન હાથ ધર્યું છે એટલું જ નહીં, પરિણામલક્ષી કાર્ય-અમલ માટે તંત્રને તૈયાર કરી દીધું છે. ગુજરાત સરકાર અને તેના મંત્રીઓ ગુજરાતનાં વિકાસ, શિક્ષણ, યુવા રોજગારી, કૃષિ, નવીનત્તમ ટેક્નોલોજી વગેરે પ્રશ્નો પર અતિ ગંભીરપણે કામ કરી રહ્યાં છે ત્યારે મુખ્યમંત્રીની ઇઝરાયેલ યાત્રાનાં મીઠાં ફળ ગુજરાતની પ્રજાને અને ખાસ કરીને ખેડૂત વર્ગને બારેમાસ મળવાના શરૂ થઈ જશે તેમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. તેમ નિવેદનના અંતમાં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.