તમામ બિન-કોર્પોરેટ એકમો માટે કરનો દર ઘટાડીને 25% સુધી કરવા ચેમ્બરની કેન્દ્રીય નાણામંત્રીને રજુઆત
અબતક, ગાંધીનગર :કેન્દ્રીય બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ નાણા મંત્રી પાસે આગામી બજેટમાં કોર્પોરેટ સિવાયના કરવેરામાં રાહત આપવાની માંગ કરી છે. આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર ટેક્સ બોજ ઓછો કરવાની પણ માંગ કરી છે.
જીસીસીઆઈ ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન, સીએ જૈનિક વકીલે નાણા મંત્રીને પ્રિ-બજેટ મેમોરેન્ડમ મોકલ્યું છે. જે જણાવે છે કે, “કરના દરો અથવા ટેક્સેશન લૉઝ એમેન્ડમેન્ટ એક્ટ, 2019ના અમલીકરણ પછી કૉર્પોરેટ માટે લઘુત્તમ વૈકલ્પિક કર દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
જો કે, એલએલપી જેવા નોન-કોર્પોરેટ અને ઊંચી આવક મેળવનાર વ્યક્તિઓ માટે કરના દરો અત્યંત ઊંચા રહેવાનું ચાલુ રાખે છે. કલમ 111એ, 112એ અથવા 115એડી હેઠળના મૂડીગત લાભો પણ વ્યક્તિઓને લાગુ પડતા ઊંચા સરચાર્જને પાત્ર છે.તેથી એવું સૂચન કરવામાં આવે છે કે તમામ બિન-કોર્પોરેટ એકમો (એલએલપી અને એઓપી સહિત) માટે કરનો દર (સરચાર્જ અને સેસ સહિત) 25% સુધી લાવવો જોઈએ.”
જીસીસીઆઈએ તેના મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે વ્યક્તિઓ માટેના કર દરો ઘટાડીને મહત્તમ 30% (સરચાર્જ અને સેસ સહિત) કરવા જોઈએ. ઉપરાંત, સરચાર્જ સિવાયનો મહત્તમ દર, જે હાલમાં રૂ. 10 લાખથી વધુની આવક માટે લાગુ પડે છે તેને રૂ. 25 લાખ કરવામાં આવે. તેણે એવું પણ સૂચન કર્યું છે કે એમ્પ્લોયર તરફથી કપાતમાં નિષ્ફળતાના કારણે કર્મચારીઓ પાસેથી ટૂંકી કપાત અથવા ચુકવણીમાં વિલંબ માટે કલમ 234બી અને 234સી હેઠળ વ્યાજ વસૂલવું જોઈએ નહીં.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ કરવેરા ઘટાડવાની માંગ
વધુમાં જણાવ્યું હતું કે, “ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે અને નાણામંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે થોડી રાહતની જાહેરાત કરવી જોઈએ. એવું સૂચન કરવામાં આવે છે કે રિયલ એસ્ટેટ ઉદ્યોગની કંપનીઓ અને એલએલપી માટે 22% વત્તા લાગુ પડતા સરચાર્જ અને સેસના દરમાં ઘટાડો કરવામાં આવે. કોર્પોરેટ ટેક્સ રેટમાં ઘટાડો થવાથી ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.”