ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મોડીરાત્રે ગુજરાતના ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા: આજે નામોની જાહેરાતની સંભાવના

ભાજપે લોકસભાની ચુંટણી માટે ઉમેદવારો માટે બીજી યાદીમાં ઓડિસા, મેઘાલય, મહારાષ્ટ્ર, આસામ, આંધ્રપ્રદેશ માટે ૩૬ ઉમેદવારોના નામો જાહેર કર્યા

લોકસભાની ૫૪૩ બેઠકો માટે સાત તબકકામાં યોજાનારા મતદાન માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી અંગેની પ્રક્રિયા શ‚ કરી દીધી છે. ગુરુવારે ભાજપે પોતાની પ્રથમ યાદીમાં ૧૮૪ ઉમેદવારો જાહેર કર્યા બાદ ગઈકાલે વધુ ૩૬ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં ગઈકાલે મોડીરાત્રે ગુજરાતની બાકી રહેતી ૨૫ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી. મોટાભાગની બેઠકો માટે નામો ફાઈનલ થઈ ગયા છે. આજે મોડી સાંજે ભાજપ દ્વારા નામોની ઘોષણા કરી દેવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.

ગઈકાલે રાજધાની નવીદિલ્હી ખાતે સવારે ભાજપ કોર કમિટીની બેઠક મળી હતી જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી પુરુષોતમ ‚પાલા, મનસુખ માંડવીયા અને સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા. સાંજે ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જેમાં ઓડિસા, મેઘાલય, મહારાષ્ટ્ર, આસામ અને આંધ્રપ્રદેશની ૩૬ લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી. ગઈકાલે એવું માનવામાં આવતું હતું કે, ભાજપ ગુજરાતની ૨૬ પૈકી બાકી રહેતી ૨૫ બેઠકો માટે શુક્રવારે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેશે જોકે ભાજપે ગઈકાલે માત્ર ૩૬ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પાર્લામેન્ટરી બોર્ડમાં મોડીરાત્રે ગુજરાતની ૨૫ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી પરંતુ નામ જાહેર કરવામાં આવ્યા ન હતા. રાજયની મોટાભાગની બેઠકો માટે ભાજપે ઉમેદવારો નકકી કરી લીધા હોવાનું મનાઈ રહ્યું છે. સંભવત: આજે મોડી સાંજે અથવા સોમવારે ભાજપ ગુજરાતની બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દે તેવી શકયતા જણાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની ૨૬ બેઠકો પૈકી ભાજપે એકમાત્ર ગાંધીનગર લોકસભા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરી છે. આ બેઠક પરથી ભાજપના વરીષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીનું પતુ કાપી નાખવામાં આવ્યું છે અને તેઓના સ્થાને ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારતીય રાજનીતિના ચાણકય ગણાતા અમિત શાહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ગાંધીનગરના ઉમેદવાર બન્યાં બાદ અમિત શાહ ૨૮મીએ પ્રથમવાર ગુજરાત આવશે

ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પૈકી ભાજપે એક માત્ર ગાંધીનગર બેઠક માટે પોતાના ઉમેદવાર તરીકે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામની સતાવાર ઘોષણા ગુરુવારે સાંજે કરી હતી. ગાંધીનગર બેઠકના ઉમેદવાર બન્યા બાદ અમિત શાહ આગામી ૨૮મી માર્ચના રોજ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાંથી લોકસભાની ચુંટણી લડી રહ્યા હોય ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્રીજા તબકકામાં ગુજરાતની ૨૬ બેઠકો માટે ૨૩મી એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે અને આગામી ૨૮મી માર્ચથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે ત્યારે એવું મનાઈ રહ્યું છે કે અમિતભાઈ શાહ ૨૮મી માર્ચના રોજ ગુજરાતની મુલાકાત દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરી દેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.