નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું વર્ષ 2022-23નું રૂ. 2,43,965 કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું. તેમણે બજેટના શરૂઆતી ભાષણમાં કહ્યુ કે, 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ. 1 વર્ષમાં 1,63,000 કરોડની એફડીઆઈ ગુજરાતમાં આવી છે. 2 લાખ 43 હજાર અને 965 કરોડ રૂપિયાનુ બજેટ વર્ષ 2022-23ના વર્ષ માટે રજૂ કરવામાં આવ્યુ છે. બજેટ 2022 ની સૌથી મોટી વાત તો એ છે કે, રાજ્યમાં કોઈ નવા વેરા ઝીંકાયા નથી. મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપતુ આ બજેટ છે. રાજ્યમાં ઈતિહાસનું સૌથી મોટુ બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યુ છે. લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સૌથી વધુ કૃષિ, આરોગ્ય અને જળ વિભાગ માટે ફાળવણી કરાઈ છે. ખેડૂતોને વ્યાજ સહાય માટે નવી યોજના જાહેર કરવામા આવી છે. સાથે જ રાજ્યમાં કરવેરામાં કોઈ ફેરફાર કરાયો નથી. રાજ્યમાં 12000 સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહિ લાગે.
વર્ષ 2022-23ના અંદાજપત્રમાં 560.09 કરોડની પુરાંત રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હયાત વેરામા કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. સરકારની આવકમા 108 કરોડનો ઘટાડો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.
* હાલના 50 અને નવા 51 કોર્સ મળી 101 કોર્સ મારફત તાલીમ આપવા માટે જોગવાઇ 521 કરોડ.
* સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે માળખાકીય સુવિધા તેમજ બાંધકામ માટે જોગવાઇ 190 કરોડ
* ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત 50 હજાર યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવા માટે જોગવાઇ 150 કરોડ
* મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત 1 લાખ જેટલા યુવાનોને તાલીમબદ્ધ કરવા માટે જોગવાઇ 52 કરોડ
* કૌશલ્યા-ધી સ્કીલ યુનિવર્સિટીના બાંધકામ તથા આનુષંગિક સવલતો માટે જોગવાઇ 43 કરોડ
* ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટીટયૂટની સ્થાપના કરી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરને ટ્રેનિંગ ઓફ ટ્રેઇનરના માધ્યમથી તાલીમબદ્ધ કરવા જોગવાઇ 36 કરોડ
* ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના અપગ્રેડેશન માટે જોગવાઇ 25 કરોડ
* ડ્રોન સ્કીલ ઇન્સ્ટીટયૂટની સ્થાપના માટે જોગવાઈ 20 કરોડ
* તાલીમાર્થીઓને અનુભવ આધારિત શિક્ષણ માટે 50 આઇ.ટી.આઇ. ખાતે ઓગમેન્ટેડ રિયાલીટી અને વર્ચ્યૂઅલ રિયાલીટી લેબોરેટરી માટે જોગવાઇ 15 કરોડ
* શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજનનો દર ‘10 થી ઘટાડીને 5 કરવાનો અને ગુજરાતના તમામ જિલ્લાઓનો આ યોજનામાં સમાવેશ કરવાનો નિર્ણય સરકારે કરેલ છે. આ યોજના માટે જોગવાઇ 34 કરોડ
* પ્રધાનમંત્રી શ્રમિક માનધન યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને પેન્શન આપવા જોગવાઇ 50 કરોડ
* ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા શ્રમિકોની આરોગ્ય સારવાર માટે નવા 100 રથ માટે જોગવાઇ 40 કરોડ
* પ્રધાનમંત્રી જીવનજ્યોતિ બીમા યોજના હેઠળ બાંધકામ શ્રમિકોને 2 લાખનું વીમા કવચ આપવા માટે જોગવાઇ 23 કરોડ
* મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનનું નવીનીકરણ કરવા જોગવાઇ 15 કરોડ
* નોંધાયેલાં બાંધકામ શ્રમિકોના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવાં માંગતાં તેજસ્વી અને જરૂરિયાતમંદ બાળકોની કારકિર્દીના ઘડતર માટે અંદાજે 30 હજાર બાળકો માટે શિક્ષણ સહાય યોજના અંતર્ગત જોગવાઇ 12 કરોડ
* તાલુકાકક્ષાએ કૌશલ્ય વર્ધનની તાલીમ માટે સક્ષમ યોજના માટે જોગવાઇ 10 કરોડ
* શ્રમનિકેતન યોજના હેઠળ 5 જગ્યાએ શ્રમયોગી હોસ્ટેલના નિર્માણ માટે જોગવાઇ 9 કરોડ
* નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિકોને પ્રસૂતિ સહાય યોજના માટે જોગવાઈ 7 કરોડ
* નોંધાયેલા બાંધકામ શ્રમયોગીને હેલ્થ-ચેક અપ માટે સહાય આપવા જોગવાઇ 3 કરોડ
* શ્રમયોગી કલ્યાણ બોર્ડ મારફત વધુ આઠ નવી મોબાઈલ મેડિકલ વાન દ્વારા શ્રમયોગીઓને વિનામૂલ્યે તબીબી સારવાર આપવા જોગવાઇ 3 કરોડ
* ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ અસંગઠિત શ્રમિકો માટે 2 કરોડના સામાજિક સુરક્ષા ફંડની જોગવાઇ