ગુજરાતમાં બજેટસત્રની શરૂઆત થઈ ગઈ છે જેમાં 20 ફેબ્રુઆરી, ગુરુવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળનું ત્રીજું બજેટ રજૂ કરશે.
પહેલી મે, 1960ના રોજ ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારે તે સમયના મુખ્યમંત્રીની સાથે સાથે નાણા મંત્રાલય સંભાળતા ડૉ. જીવરાજ મહેતાએ રાજ્યનું પહેલું બજેટ રજૂ કર્યું હતું.
ભાજપના પીઢ નેતા વજુભાઈ વાળાએ અત્યાર સુધીમાં 18 વખત બજેટ રજૂ કર્યા છે જે એક રેકૉર્ડ છે. બીજા નંબરે નીતીન પટેલે આઠ વખત બજેટ રજૂ કર્યા છે.
ગયા વર્ષે કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ રજૂ કર્યું ત્યારે તે 3.32 લાખ કરોડનું હતું. ફેબ્રુઆરી 2024માં રજૂ થયેલા બજેટમાં 2047 માટે રોડમૅપ તૈયાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
તે વખતે નાણામંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી સ્ટાર્ટ-અપ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે.
રાજ્ય સરકાર ટેક્સ્ટાઇલ, કેમિકલ, ફાર્મા, ઑટોમોબાઇલ જેવા પરંપરગાત ઉપરાંત સેમિકન્ડક્ટર, ગ્રીન ઍનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને ઈ-વાહન જેવા આધુનિક ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રો દ્વારા ગુજરાતના યુવાનોને રોજગાર મળે તે માટે પ્રયત્નશીલ એમ તેમણે કહ્યું હતું.
આ ઉપરાંત સરકાર આઈટી, બીટી, ફિનટેક, નાણાકીય અને પ્રવસનક્ષેત્રે રોજગાર વધારવા પ્રયાસ કરશે.
કયા મુદ્દાઓ પર ભાર મૂકાશે
આ વખતે બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઇ હતી. રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.
આ વખતનું બજેટ 11 ટકા વધુ હોવાનો અંદાજ
નાણા મંત્રી કનુભાઈ આ વખતે બજેટમાં લગભગ 11 ટકાનો વધારી શકે છે. જેથી આ વખતનું બજેટ લગભગ પોણા ચાર લાખ કરોડની રકમને આંબી શકે છે. જ્યારે બીજી બાજુ થોડા દિવસ પહેલા જ રાજ્યમાં 9 મહાનગરપાલિકાઓ અને 1 નવા જિલ્લા અંગે જાહેરાત કરવામાં આવી હતી જેને લઇને પણ બજેટમાં મહત્ત્વની જાહેરાત કરવામાં આવી શકે છે.
ગત વર્ષનું બજેટ 3,32,465 કરોડનું હતું
ગયા વર્ષે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે જે બજેટ 2024-25 રજૂ કર્યું હતું એ ઐતિહાસિક કુલ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ હતું. ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમનું ત્રીજુ બજેટ રજૂ કર્યું હતું.
ગુજરાતનું પહેલું બજેટ કોણે રજૂ કર્યું હતું
1 મે 1960ના રોજ મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું. ત્યારપછી ગુજરાતનું પહેલું બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. તે સમયે ડૉ. જીવરાજ મહેતા મુખ્યમંત્રી પણ હતા અને નાણાંમંત્રીનો હોદ્દો પણ તેમની પાસે જ હતો. ગુજરાતનું પહેલું બજેટ 22 ઓગસ્ટ 1960 ના રોજ અમદાવાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
પેપરલેસ બજેટ કરાશે રજૂ
ગુજરાત વિધાનસભામાં આજે નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે. આ બજેટમાં કુલ 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે છે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ થશે.
12 કલાકથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો બીજો દિવસે બપોરે 12 કલાકથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. પ્રશ્નોતરી કાળથી બેઠકની શરૂઆત થશે. CM હસ્તકના વિભાગોના પ્રશ્નો પર ચર્ચા થશે. સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને મહેસુલ વિભાગોની ચર્ચા થશે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના પ્રશ્નોની ચર્ચા થશે. પ્રશ્નોતરી કાળ બાદ વિવિધ વિભાગોના કાગળ મેજ પર મુકાશે. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આરંભ ગઇકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થયો હતો. તેમણે 37 મિનિટના ભાષણ દરમિયાન રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.
વિકસિત ભારત 2047નો રોડમેપ દર્શાવતું હશે બજેટ
આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ટુરિઝમ પર ભાર મુકાશે અને સિંચાઇની બાબતો પર ભાર મુકવામાં આવશે. વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું ટેગલાઈન સાથે ગુજરાતનું બજેટ રજૂ થશે. આ સિવાય રોડ-રસ્તા અને કૃષિ અને માળખાકિયા સુવિધાઓ પર ભાર મુકાશે. ઓલિમ્પિકને લઈને વિશેષ જોગવાઈ હોઈ શકે છે. વિકસિત ભારત 2047નો રોડમેપ દર્શાવતું બજેટ રજૂ કરશે.