રાજ્ય સરકારે ગુજરાતમાં ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી 15મી મે થી 30 મે સુધી યોજાનાર હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી હાલ પુરતી સ્થગીત કરવાનો મુખ્યમંત્રી રૂપાણી સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે આગામી તા.15મી મે ના રોજ કોરોના સંક્રમણની સ્થિતિની પુન: સમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ નવી તારીખો જાહેર થવાના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારે એક એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધો.1 થી 9 અને ધો.11ના વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.
અગાઉ ધો.10 બોર્ડના વિદ્યાર્થીઓને થીયરી પરીક્ષા પાછળ ધકેલવામાં આવી અને હવે મુખ્ય પરીક્ષા પૂર્ણ થયાના ત્રણ દિવસમાં સ્કૂલોએ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની રહેશે. આ પહેલા 15 એપ્રીલથી 30 એપ્રીલ વચ્ચે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું આયોજન હતું.
દેશભરમાં કોરોના વાયરસની બીજી રહેર શરૂ થઈ છે. જેમાં કોરોનાના કેસો અને મૃત્યુદરમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મેં મહિનામાં ગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા યોજાનાર હતી પરંતુ કેસ વધતા પરીક્ષા જૂન મહિનામાં યોજાવાની શકયતા છે. બીજી તરફ શાળા કક્ષાએ લેવાતા વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા સંદર્ભે પણ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે જે મુજબ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના ત્રણ દિવસમાં શાળા કક્ષાની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની રહેશે.
કોરોના કેસ વધતા અત્યારે શાળા-કોલેજોમાં 30 એપ્રીલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઈન બંધ કરવામાં આવ્યા છે. આગામી મે મહિનામાં ધો.10 અને 12ની પરીક્ષા યોજાનાર હતી. આ વખતે સ્કૂલો દ્વારા એસએસસી માટે લેવાતી શાળા કક્ષાના વિષયની પ્રેક્ટિકલ પરીક્ષાને લઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે કે આ પરીક્ષા મુખ્ય પરીક્ષાના ત્રણ દિવસની અંદર લેવાની રહેશે અને આજે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે બોર્ડની મુખ્ય પરીક્ષાઓ પર સ્થગીત કરવામાં આવી છે અને આગામી 15મી મેના રોજ કોરોનાની સ્થિતિનો તાગ મેળવી નવી તારીખો જાહેર કરવામાં આવશે.
ગઈકાલે જ કોરોનાના કેસ વધતા સીબીએસઈ બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો જ્યારે ધો.12ની પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પણ વાલીઓની માગ હતી કે ગુજરાત બોર્ડની પરીક્ષા હાલની સ્થિતિને જોતા સ્થગીત રાખવામાં આવે અને સરકાર દ્વારા વિદ્યાર્થીના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે અને ધો.10-12 બન્નેની પરીક્ષા મોકુફ રાખવામાં આવી અને ધો.1 થી 9 અને ધો.11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે.