અબતક,રાજકોટ
વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપનો સૂર્ય હાલ મધ્યાહને તપી રહ્યો છે. ગુજરાતને ભાજપનો અડિખમ ગઢ માનવામાં આવે છે. ગુજરાતમાં રાજકોટ શહેર ભાજપનું પાવર હાઉસ મનાય છે આજે દેશમાં ભાજપની જે મજબૂત સ્થિતિ છે તેમાં રાજકોટના કાર્યકરોએ લોહી રેડયું છે. ભાજપના પાવર હાઉસ ગણાતા રાજકોટમાં હાલ શોર્ટ સર્કિટના તણખા જરી રહ્યા છે. રાજયમાં સત્તા પરિવર્તન બાદ એક ચોકકસ જૂથ જે કાયમી અસંતોષ અને પોતાને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી અનુભવી રહ્યો છે તે ફરી એકવાર જોર-શોરથી સક્રિય થઈ રહ્યું છે. પક્ષ માટે કોઈપણ પ્રકારનું તપ ન હોવા છતા જેને નેતા બનવાની લોટરી લાગી ગઈ છે.તે કહેવાતા નેતાઓ પણ હવે છેલ્લા ચાર દાયકાથી પક્ષને મજબૂત બનાવવા લોહી રેડી દેનારાઓ સામે વાંયો ચઢાવી રહ્યા છે. બીજી તરફ વર્તમાન સરકાર અને સંગઠનને પણ રાજકોટ પ્રત્યે થોડી ઘણી અરૂચી જોવા મળી રહી છે. જેના કારણે આકાઓ રાજકોટ ભાજપનું ઘર સતત સળગતુ રાખવા માંગે છે.
ભારતમાં 1951માં જન સંઘથી ભાજપની સ્થાપના થઈ હતી. ગુજરાતમાં 1952મા રાજકોટ ખાતે વાલજી નથવાણીના ડેલામાં જનસંઘ અર્થાંત ભાજપની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે જે સત્તા સુખ ભોગવી રહ્યું છે. તેની પાછળ રાજકોટના નેતાઓ અને કાર્યકરોએ પોતાના લોહી પાણી એક કરી દીધા છે. ચિમનભાઈ શૂકલ જેવા નેતાની કોઠાસુઝ અને દિર્ધદ્રષ્ટિના કારણે આજે માત્ર ગુજરાત જ નહી દેશભરમાં ભાજપનો સૂરજ તપી રહ્યો છે. ગુજરાત ભાજપના એપી સેન્ટર મનાતા રાજકોટમાં સતત ચાર દાયકા સુધી શાંતી રહ્યા બાદ પ્રથમવાર 1992માં પ્રથમવાર અસંતોષની આગના તણખા જર્યા હતા.
ગુજરાતમાં ભાજપ (જનસંઘ)ની સ્થાપના રાજકોટમાં 1952માં વાલજી નથવાણીના ડેલામાં થઈ હતી
1992માં મહાપાલિકાની ચૂંટણી અનિવાર્ય સંજોગોના કારણે મૂલત્વી રહી હતી. ત્યારે શહેર ભાજપમાં શિવલાલભાઈ વેકરિયા અને ચિમનભાઈ શુકલ એમ બે જુથ હતા ચિમનકાકા સૌરાષ્ટ્ર શાખાના ઈન્ચાર્જ હતા અને વેકરિયા જૂથ તેમને સતત ડિસ્ટર્બ કરતું રહેતું હતુ. આ જૂથવાદના કારણે ચાર વોર્ડમાં ભાજપના સત્તાવાર ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા જેમા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. પોતાની પેનલમાં મન પસંદ ઉમેદવારો ન આપવાના કારણે ચાર વોર્ડના સત્તાવાર ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા. આ પ્રથમ ઘટના હતી જયારે શહેર ભાજપના ઘરમાં પ્રથમ વાર તણખો ઝર્યો હતો.
અભયભાઈ ભારદ્વાજ અને ગોવિંદભાઈ પટેલના બળવો, રાજપાના ઉદય વેળાએ ચિમનભાઈ શૂકલ જૂથનો પક્ષ પલ્ટો: 2014માં કાર્યાલયે તાળાબંધી બાદ ફરી એકવાર ભાજપના એપી સેન્ટરમાં ભેદી ધડાકા
ત્યારબાદ 1995 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓએ પક્ષ સામે બળવો કર્યો હતો. દિવગંત અભયભાઈ ભારદ્વાજે રાજકોટ-2 વિધાનસભા બેઠક અને ગોવિંદભાઈ પટેલે રાજકોટ-1 વિધાનસભા બેઠકપરથી ટિકિટ માંગી હતી પક્ષે આ બંને બેઠકો પર અનુક્રમે વજૂભાઈ વાળા અને ઉમેશ રાજયગુરૂને ટિકિટ આપતા અભયભાઈ તથા ગોવિંદભાઈએ ભાજપ સામે બળવો કરી તારાના પ્રતિક પરથી વિધાનસભાની ચૂંટણી લડયા હતા અને હાર્યા હતા.
ભાજપના એક સમયના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ 1998માં ભાજપમાંથી બળવો કરી રાજપાની સ્થાપના કરી હતી તે સમયે રાજકોટ શહેર ભાજપમાં ચિમનભાઈ શુકલનું આખુ જુથ જેમાં કશ્યપભાઈ શુકલ, નીતીન ભારદ્વાજ, અજય ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, કમલેશ જોશીપૂરા સહિતના નેતાઓએ ભાજપને કેસરીયો ખેસ ફગાવી રાજપામાં ગયા હતા જોકે અમૂક નેતાઓ ત્રણ મહિને તો અમૂક નેતાઓએ છ વર્ષે ઘર વાપસી કરી હતી. તે સમયે મહાપાલિકામાં ભાજપના કુલ 59 નગરસેવકો હતા જે પૈકી 13 નગરસેવકો રાજપામાં ગયા હતા.
ગુજરાતમાં સત્તા પરિવર્તન બાદ રાજકોટમાં જૂનુ જૂથ ફરી તાકાત સાથે સક્રિય થયું:
બન્નેે જૂથ એક બીજાને પાડી દેવાના મૂડમાં: હાઈકમાન્ડે પણ “રામ” બાણ ઈલાજ શોધ્યો
ગુજરાતમાં વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદ રાજયમાં ફરી સત્તા પરિવર્તનનો પવન ફૂંકાયો જેમાં કેશુભાઈ પટેલના સ્થાને નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતનાં મુખ્યમંત્રી બનાવાયા કેશુભાઈ જૂથના ગોરધન ઝડફીયાએ મહાગુજરાત જનતા પાર્ટીના નામે નવો પક્ષ બનાવ્યો જેની અસર રાજકોટમાં જોવા મળી અને તે સમયે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય સિધ્ધાર્ત પરમારે ભાજપ સાથે છેડો ફાડયો અને મજપાની આંગળી પકડી ત્યારબાદ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના વખતે પણ થોડાઘણા તીખારા ચોકકસ ઝર્યા હતા. પરંતુ તેની અસર ખાસ જોવા મળી નહતી. સમયાંતરે શહેર ભાજપમાં સતત કડાકા ભડાકા થતા રહે છે.
વર્ષ 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમા ભાજપ પ્રથમવાર કેન્દ્રમાં પૂર્ણ બહુમતી સાથે સત્તારૂઢ થયો હતો આ સમયે પણ ગુજરાત ભાજપના પાવર હાઉસ ગણાતા રાજકોટમાં અસંતોષની આગે લબકારા માર્યા હતા. મોહનભાઈ કુંડારિયા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઘોષિત કરાયા હતા તે સમયે પ્રદેશમાંથી એવો આદેશ આવ્યો હતો કે અગાઉ ભાજપને છોડી જનાર અને ફરી પક્ષમાં પરત ફરેલાઓને ફોર્મ ભરતી વેળાએ પ્રથમ હરોળમાં રાખવા તેવા આદેશથી કેટલાક નેતાઓનાં પેટમાં તેલ રેડાયું હતુ અને લોકસભાની ચૂંટણી સમયે જ કાર્યાલયે તાળાબંધી કરવાની હિંમત કરી હતી જેની નોંધ માત્ર પ્રદેશ જ નહી રાષ્ટ્રીય લેવલે પણ લેવામાં આવી હતી. રાજયના મુખ્યમંત્રી પદે વિજયભાઈ રૂપાણી સત્તારૂઢ થયા બાદ છેલ્લા પાંચેક વર્ષથી શહેર ભાજપમાં એકંદરે શાંતી હતી. પરંતુ ગત સપ્ટેમ્બર માસમાં રાજયમાં સત્તા પરિવર્તન થયા બાદ શહેર ભાજપનાં જૂનુ જુથ ફરી સંપૂર્ણ તાકાત સાથે સક્રિય થઈ ગયું છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત ભાજપનું પાવર હાઉસ રાજકોટમાં શોર્ટસર્કિટના તીખારા ઝરી રહ્યા છે. પોતે સીનીયર હોય અને તમામ પ્રકારની લાયકાત ધરાવતા હોય છતા પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અરવિંદભાઈ રૈયાણીને મંત્રી બનાવવામાંઆવતા ગોવિંદભાઈ પટેલ ભારોભાર નારાજ છે. અને તેઓ હવે શહેર ભાજપના એક ચોકકસ જૂથને બરાબરના પાઠ ભણાવવા તાકાત સાથે સક્રિય થયા છે. બીજી તરફ અભયભાઈ ભારદ્વાજના નિધન બાદ ખાલી પડેલી રાજયસભાની બેઠક પર જે લોકો એમ માનતા હતા કે તેઓને ટિકિટ મળશે તેના બદલે પક્ષે રામભાઈ મોકરીયાને રાજયસભાના સાંસદ બનાવતા શહેર ભાજપનું એક જૂથ રિતસર સળગી ઉઠ્યું છે.
રાજયસભાના સાંસદનો હોદો હોવા છતાં ભાજપના એકપણ કાર્યક્રમમાં પૂરતુ મહત્વ ન મળતા રામભાઈ મોકરિયા પણ છેલ્લા ઘણા સમયથી નારાજ હતા રાજયમાં સત્તા પરિવર્તન બાદ તેઓને પ્રદેશમાંથી પુરતુ માન સન્માન મળવા લાગ્યું છે. જેના કારણે હવે તેઓ પણ શિંગડા ભરાવવા લાગ્યા છે. વર્ષોથી શહેર ભાજપને ક્ધટ્રોલ કરતા કેટલાક નેતાઓ સામે તેઓએ બાયો ચઢાવી છે. ભાજપમાં અનેક જૂથ હોવાનું નિવેદન પણ તેઓ આપી ચૂકયા છે. પોતાને જ ભાજપ માનતા નેતાઓને તેમની જગ્યા બતાવી દેવા તેઓ અલગ અલગ કાર્યક્રમો યોજી રહ્યા છે. શહેર ભાજપનું ઘર હાલ સળગી રહ્યું છે. હાલ ભલે આગ ધીમી હોય પણ ગમે ત્યારે ભડકો થાય તેવું લાગી રહ્યું છે.