હાઉસિંગ બોર્ડ, સફાઇ કામદાર વિકાસ બોર્ડ, ગ્રંથ નિર્માણ બોર્ડ અને એગ્રો ઇન્ડસ્ટ્રીઝ સહિતના બોર્ડ નિગમોમાં હોદ્દેદારોની વરણી કરાશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે પ્રદેશ ભાજપમાં કેટલાક આવશ્યક ફેરફારોના સંકેતો મળ્યા છે. આ જ રીતે બાર્ડ-નિગમોમાં ડિરેક્ટર, ચેરમેન, વાઇસ ચેરમેન પદે કેટલાક મહત્વના કાર્યકરોને જવાબદારી સોંપાય તેવી શક્યતા છે. ગયા વર્ષે આનંદીબહેન પટેલના રાજીનામા બાદ સરકારમાં આવશ્યક ફેરફારો કરી દેવાયા હતા, હવે સંગઠનમાં કેટલાક ફેરફારો કરવામાં આવશે.
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઔતિહાસિક વિક્રમજનક જનમત મળ્યા પછી હવે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આવી રહેલી ચૂંટણીનો મામલો હાથ પર લેવાનું નક્કી કર્યું છે, તેમ કહી સૂત્રો કહે છે કે, પક્ષ માટે ગુજરાત સૌથી મહત્વનું રાજ્ય છે અને એટલે જ ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રચાર પ્રવાસનો થાક ઉતરે એ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતમાં આવીને આ પ્રક્રિયાને ગતિ આપવાનું કામ કર્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષે પ્રદેશના આગેવાનો સાથે બે તબક્કામાં અલગ અલગ બેઠક યોજી હતી. જ્યારે વડાપ્રધાને ગયા મહિને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલને તાબડતોબ દિલ્હી બોલાવીને કેટલીક ઔપચારિક ચર્ચાઓ કરી હતી. આ ચર્ચાઓના અનુસંધાનમાં વડાપ્રધાને ફરીથી બે દિવસના ગુજરાતના પ્રવાસ દરમિયાન આગળ વધારી હતી. આમ, પક્ષના બે મહત્વના રણનીતિકારો સાથે પ્રદેશ આગેવાનોની પ્રથમ ચરણની બેઠકો સંપન્ન થઇ છે.
સૂત્રો કહે છે કે, વડાપ્રધાન સાથે બેઠકમાં સરકારને લગતી કેટલીક બાબતોની ચર્ચા થઇ હતી અને તેમાં પડતર ઇસ્યુનો ઉકેલ લાવી દેવાયો છે તો રાષ્ટ્રીય અધ્યક્ષ સાથેના પરામર્શમાં પ્રદેશ સંગઠનના માળખામાં કેટલાક ફેરફારોની આવશ્યક્તા રજૂ કરવામાં આવી હતી.
અમિતભાઇએ મોટાભાગે તેને મંજૂરી આપી દીધી છે. સંભવત: પ્રમુખ જીતુ વાઘાણી તહેવારો બાદ આ ફેરફારોની જાહેરાત કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, આ ફેરફારોમાં સિનિયરોની ભૂમિકાને વ્યૂહાત્મક રીતે જાળવી રાખવા સાથે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે પરામર્શમાં રહી જવાબદારી આગળ વધારશે, તેની સાથોસાથ યુવા નેતૃત્વ વાઘાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ જવાબદારીઓનું વહન કરશે. આથી હાલ સિનિયર અને યુવા નેતૃત્વ વચ્ચે ખુટતી કડીરૂપે ખુદ અમિતભાઇ રહે એવી વ્યવસ્થા ગોઠવવાની વિચારણા ચાલી રહી છે. આ જ રીતે અમિતભાઇએ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સાથે સરકારની આગળની રણનીતિ અંગે પણ અલગથી ચર્ચા કરી છે જેથી વર્તમાન બજેટમાં જાહેર કરેલી લોકહિતની, સમાજના તમામ વર્ગને આવરી લેતી, યુવા, શિક્ષણ, આરોગ્ય અને મહિલાઓ, ગરીબો, એસ.સી., એસ.ટી., ઓબીસી માટેની યોજનાઓને ફાસ્ટ ટ્રેક પર મુકી દેવામાં આવશે. આની સાથોસાથ બોર્ડ નિગમોમાં ખાલી પડેલી જગાઓ પર પણ નિમણૂકો કરવામાં આવશે. એક માહિતી મુજબ આનંદીબહેન પટેલ સરકાર વેળાએ ગુજરાત હાઉસિંગ બોર્ડ, સફાઇ કામદાર વિકાસ બોર્ડ, ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ સહિતના કેટલાક બોર્ડ નિગમોમાંથી ૩૦ જેટલા પદાધિકારીઓની મુદત પૂરી થઇ ચૂકી છે. આ પદો પર નિમણૂકો તબક્કાવાર રીતે થાય તેવા સંકેતો મળ્યા છે.