- ગુજરાતમાં દિવ્યાંગજનોના અધિકાર અધિનિયમ 2016ના ઉતકૃષ્ઠ અમલીકરણ માટે અપાયો એવોર્ડ
- દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરી દિવ્યાંગોના અધિકારોના અમલીકરણ માટે કાર્યરત
રાજ્યના તમામ નાગરીકોની જેમ જ દિવ્યાંગજનોને પણ તમામ અધિકારો આપવા ગુજરાત સરકાર સતત કાર્યરત છે. દિવ્યાંગજનો અધિકારોના અમલીકરણ માટે દિવ્યાંગજનોના અધિકાર અધિનિયમ 2016 અમલી છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરી દ્વારા ગુજરાતમાં આ અધિનિયમના ઉતકૃષ્ઠ અમલીકરણ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્તે નવી દિલ્હી ખાતેથી સર્વશ્રેષ્ઠ ‘રાજ્ય દિવ્યાંગજન આયુક્ત‘નો વર્ષ 2024નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
દિવ્યાંગજનો માટેની શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ મેળવવા બદલ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુ બાબરીયાએ કમિશનર વી. જે. રાજપૂત તથા કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરી દિવ્યાંગ વ્યક્તિઓ માટે ‘ડિમ્ડ સિવિલ કોર્ટ’ તરીકે કામ કરે છે. જેમાં દિવ્યાંગજનોને લગતી પ્રવેશ, ભરતી, બદલી, અનામત,પેન્શન, જમીન ફાળવણી, રોજગાર, અભ્યાસ અને દિવ્યાંજનોના અધિકારોનો ભંગ થાય તેવા દરેક કિસ્સામાં અન્યાય સંબંધિત અરજદારની ફરિયાદો તેમજ આ કોર્ટ દ્વારા જાતે સુઓ મોટો કેસ દાખલ કરી તેનું ઝડપી નિરાકરણ આપવાની સત્તા ધરાવે છે.
દિવ્યાંગ વ્યક્તિઓની સુવિધા માટેની આ કોર્ટ દ્વારા ઓફલાઈન તેમજ ઓનલાઇન એમ બંને રીતે કેસની સુનાવણી હાથ ધરવામાં આવે છે. આ કચેરી દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં કુલ 1096 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. સરકાર તમારે દ્વારેના અભિગમ સાથે દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરી દ્વારા રાજ્યના નવ જિલ્લા મથકોમાં મોબાઇલ કોર્ટનું પણ આયોજન કરવામાં આવે છે.
દિવ્યાંગજનોને તેમના પ્રશ્નોનું નિરાકરણ તેમના ઘરથી નજીક અને સરળતાથી મળી શકે તે હેતુથી મોબાઇલ કોર્ટ યોજવામાં આવે છે. આ કોર્ટના નિર્ણયને ડિસ્ટ્રીક કોર્ટ સમકક્ષ ગણવામાં આવે છે જેને હાઈ કોર્ટમાં જ પડકારી શકાય છે.
ગુજરાતમાં વલસાડ, ગોધરા, હિંમતનગર– સાબરકાંઠા, પાલનપુર– બનાસકાંઠા, રાજકોટ, સુરત, ભાવનગર, મહેસાણા તથા ભુજ– કચ્છ જિલ્લાઓમાં મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવે છે. મોબાઇલ કોર્ટની સાથે દિવ્યાંગ સર્ટિફિકેટ માટે મેડિકલ કેમ્પ, સ્વરોજગાર અને લોન સહાયની જાણકારી પણ આપવામાં આવે છે.