મારૂ વનરાવન છે રૂડું… વૈંકુઠ નહીં રે આવું…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતા સપ્તાહ ફરી ગુજરાતના મહેમાન બનશે: રાજકોટમાં પણ પધારે તેવી પ્રબળ સંભાવના
દેશભરમાં ભાજપનો સૂર્ય મધ્યાહને તપી રહ્યો છે. એક માત્ર નરેન્દ્રભાઈ મોદીનાં કારણે ભાજપને સફળતા મળી રહી છે. હવે માત્ર ભારતના જ નહી પરંતુ એક વૈશ્ર્વિક નેતા બની ગયેલા નરેન્દ્રભાઈના નામ માત્રથી ભાજપ એકપછી એક ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવી રહ્યું છે. વિશ્ર્વભરમાં પોતાના નામનો સિકકો ચાલતો હોવા છતાં નરેન્દ્રભાઈ ગુજરાતને જ ‘વનરાવન’માની રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પીએમનાં આંટાફેરા હોમ સ્ટેટમાં વધ્યા છે. દરમિયાન આવતા સપ્તાહે ફરી તેઓ ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. વૈશ્ર્વિક નેતા બની ગયા હોવા છતાં તેઓ ગુજરાતની જનતાને એ વાતની ખાતરી કરાવી દેવા માંગે છે કે હું ગુજરાતનો છું અને ગુજરાત મારૂ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ નરેન્દ્રભાઈ મોદીના આંટાફેરા સતત વધી રહ્યા છે.ચૂંટણી પહેલા તેઓ રાજયનાં તમામ જિલ્લાઓની એકવાર મૂલાકાત લઈ લેવા ઈચ્છી રહ્યા છે.ગુજરાતમાં ભાજપને નુકશાન થાય તે ખૂદ નરેન્દ્રભાઈને પાલવે તેમ નથી એટલે હવે તેઓએ ગુજરાતનો હવાલો પોતે જ સંભાળી લીધો છે. રાજયને અબજો રૂપીયાના વિકાસ કામોની ભેટ આપવામાં આવી રહી છે. રાજયની એક પણ માંગણીકેદરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવતી નથી. ગુજરાતની જનતા કોઈ સામાન્ય પ્રસંગમાં હાજરી આપવાનું આમંત્રણ આપે તો નરેન્દ્રભાઈ તેનો સહર્ષ સ્વીકાર કરી લે છે. રૂબરૂ હાજરી આપી ન શકે તો વર્ચ્યુઅલી હાજરી આપે છે.
આ વાત જ પ્રસ્થાપિત કરે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે નરેન્દ્રભાઈ કેટલા ગંભીર છે. સંભવત: આગામી 15મી જૂલાઈના રોજ વડાપ્રધાન ફરી એકવાર માદરે વતન ગુજરાતના મહેમાન બનશે તેઓનાં ગાંધીનગરમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફટ)ના મુખ્ય મથકનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિવિધ પ્રોજેકટનું રાજકોટથી લોકોર્પણ કે ખાતમૂહૂર્ત કરે તેવી શકયતા રહેલી છે. તેઓની ગુજરાત મૂલાકાતની તારીખમાં ફેરફાર થવાની પણ સંભાવના છે.
નરેન્દ્રભાઈની ગુજરાતની સતત મૂલાકાતથી એ વાત પ્રસ્થાપિત થઈ ગઈ છે કે તેઓ ગુજરાતને કોઈના ભરોસે છોડવા માંગતા નથી. એકલા હાથે રેકોર્ડ બ્રેક જીત અપાવવા માંગે છે.
હવે દર અઠવાડિયે નરેન્દ્રભાઈ ગુજરાતની મુલાકાતે આવશે?
વિધાનસભાની ચૂંટણીના આડે હવે ચારથી પાંચ મહિનાનો સમય ગાળો બાકી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આંટાફેરા હોમ સ્ટેટ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. હાલ દર મહિને ત્રણેક વાર પીએમ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી દિવસોમાં હવે દર સપ્તાહે એકવાર ગુજરાત મુલાકાતે આવશે તેઓ વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજયના તમામ 33 જિલ્લાઓની મુલાકાત લઈ લેશે અને મોટાભાગના જિલ્લાઓમાં જાહેરસભા પણ સંબોધશે.
મોદીએ માહોલ જાણી લીધો કે શું?
ગુજરાતમાં ગત સપ્ટેમ્બર માસમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું છે. વિજયભાઈ રૂપાણીના સ્થાને ગુજરાતનું નેતૃત્વ ભૂપેન્દ્રભાઈ પટેલને સોંપવામાં આવ્યું છે. આખા મંત્રી મંડળને ઘરે બેસાડી દેવામાં આવ્યું છે. અને તમામ નવા ચહેરાને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. દશ માસ થવા છતાં નવી સરકાર જનતામાં બરાબર ઉપડતી નથી. રાજયમાં ભાજપ માટે મોટું કે પરાજયનું કોઈ જોખમ નથી પરંતુ રેકોર્ડ બ્રેક જીતવા માટે આ વખતેની વિધાનસભાની ચૂંટણી જ સર્વશ્રેષ્ઠ સમયકાળ છે. ગુજરાતની જનતાના મનમાં ચાલતી વાત અને રાજયનો રાજકીય માહોલ નરેન્દ્રભાઈએ બરાબર પારખી લીધો છે. તેઓ એકલા હાથે પ્રચારની કમાન સંભાળી લીધી છે. અને ભાજપને પોતાના હોમ સ્ટેટમાં રેકોર્ડબ્રેક જીત અપાવવા કમર કસી છે.
નરેન્દ્રભાઈ ગુજરાતને કોઈના ભરોસે છોડવા નથી માંગતા?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 140થી વધુ બેઠકો જીતાડવાનું લક્ષ્યાંક પોતાના બળેજ હાંસલ કરશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજકીય કારકીર્દીથી ગુજરાતનું ખૂબજ મહત્વ રહ્યું છે. ગુજરાતનાં મુખ્યમંત્રી પદે વર્ષ 2002માં સત્તારૂઢ થયા બાદ નરેન્દ્રભાઈએ કયારેય પાછુ વાળીને જોયું નથી. ગુજરાતની જનતા પણ તેઓ પર અપાર પ્રેમ વરસાવી રહી છે. સતત ત્રણ ટર્મ સુધી રાજયની જનતાએ તોતીંગ બહુમતી આપી તેઓને મુખ્યમંત્રી બનાવ્યા અને 2014થી તેઓ ભારતના વડાપ્રધાન તરીકે સત્તારૂઢ છે. લોકસભાની છેલ્લી બે ચૂંટણીથી રાજયની જનતા નરેન્દ્રભાઈની ઝોળીમાં તમામ 26 બેઠકો ભેટ સ્વરૂપે આપી રહી છે. ગુજરાતમાં ભાજપને રતિભાર પણ નુકશાની જાય તો નરેન્દ્રભાઈની છબી ખરડાય અને દેશભરમાં વિપક્ષને આ નવો મૂદો મળે. ગુજરાત વિધાનસભા આગામી ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક બેઠકો જીતાડી મોદી એવું
પ્રસ્તાપિત કરવા માંગે છે કે તેમના હોમ સ્ટેટમાં ભાજપને હરાવવું મુશ્કેલ જ નહી નામૂમકીન છે. ગુજરાતને નરેન્દ્રભાઈ કોઈના ભરોસે છોડવા માંગતા નથી. અમિત શાહના ભરોસે પણ નહીં વિધાનસભાની ચૂંટણી જેમજેમ નજીક આવીરહી છે. તેમ તેમ ગુજરાતમાં તેઓના આંટા ફેરા વધી રહ્યા છે. હાલ મહિનામાં ત્રણ ચાર વખત ગુજરાત આવતા નરેન્દ્રભાઈ આગામી દિવસોમાં પોતાના આંટાફેરા વધારશે.