મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બીજીવાર શાસન ધુરા સંભાળ્યાને 100 દિવસ પૂર્ણ કર્યા સાથે જી-20ની બેઠકો યોજી: ગુજરાત સફળતાના માર્ગે અગ્રેસર
ગુજરાતની ખાણી-પીણી અને પરોણાગત વિશ્વ પ્રસિદ્ધ છે. ગુજરાતમાં પ્રવાસીઓથી ઉભરાતા પ્રવાસનધામો તેનો પુરાવો પૂરો પાડે છે. સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે આદિવાસી પટ્ટીના પ્રદેશ કે પછી ગીચ વનરાજી ધરાવતું દક્ષિણ ગુજરાત, તમામ દિશામાં ગુજરાત પ્રવાસન વૈવિધ્યથી સમૃદ્ધ છે. ગુજરાતમાં હવાફેર કરવાના સ્થળો ઉપરાંત ધાર્મીક સ્થાનો તથા પુરાતત્ત્વીય મહત્તા ધરાવતા એવા સ્થળો છે, જેનો જોટો જડે એમ નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિકાસના માર્ગને વધુ પ્રશસ્ત કરતાં બીજી વખત શાસનધુરા સંભાળનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે. બીજીવાર ગુજરાતનું શાસન સંભાળ્યાને 100 દિવસ પૂર્ણ થવા સાથે જી-20ની બેઠકો યોજી ગુજરાત સફળતાના માર્ગે અગ્રેસર થયું છે.
‘એશિયા બિગેસ્ટ ટૂરિઝમ એવોર્ડ 2022’ ઍવોર્ડ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રવાસન વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાની ઝાંખી કરાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં ટૂરિઝમનો ગ્રોથ બે દાયકા પહેલાં 1.25 ટકા હતો, તે હાલ 18% પહોંચી ગયો છે. આ સર્વાંગી વિકાસમાં પ્રવાસનનો સિંહફાળો છે. ગુજરાતના વર્ષ 2023-24ના અંદાજપત્રમાં પ્રવાસન ક્ષેત્રને 346%ના નોંધપાત્ર વધારા સાથે વિશાળ અને વિકાસશીલ બજેટની ભેટ રાજ્ય સરકારે આપી છે. રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે બેજટમાં ગત વર્ષની સરખામણીમાં સાડા ત્રણ ગણો વધારો કરીને રૂ.2,077 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે “અતિથિ દેવો ભવ:” પંરપરાની સ્વભાવગત લાગણીને કેન્દ્રસ્થાને રાખી ‘આતિથ્યમ પોર્ટલ’ દ્વારા પ્રવાસીઓના પૃથ્થકરણના પ્રયાસો ઉપરાંત પ્રવાસન સ્થળોના વિકાસ માટે રૂ.1000 કરોડની જોગવાઇ કરી છે. જે પૈકી રૂ.606 કરોડની જોગવાઇ મહત્ત્વના પ્રવાસન સ્થળોના વિકાસ માટે છે. મોઢેરા અને વડનગર યુનેસ્કોની સૂચિત યાદીમાં સ્થાન પામ્યા છે ત્યારે રાજ્ય સરકારની હેરિટેજ પોલિસીથી અંદાજિત રૂ.300 કરોડનું રોકાણ આવવાની સંભાવના છે. 2700 વર્ષથી એક જ સ્થળે અવિરત વિકસતું રહેલું પ્રાચીન શહેર વડનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ છે. આ પૌરાણિક ધરોહરને વિકસાવી ગુજરાત સરકારે વિશ્વ સમસ્ત સમક્ષ મૂકી છે. તેવી જ રીતે સૂર્યમંદીરથી વિખ્યાત મોઢેરાને સોલાર ગ્રામ બનાવીને પ્રવાસનને એક નવો જ દ્રષ્ટિકોણ ગુજરાત સરકારે આપ્યો છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાના તેમજ ગિરિમથકો એવા ડોન હિલ, વિલ્સન હિલ, કોલવેરા હિલ સ્ટેશન(વલસાડ)ના વિકાસ કરવાનું આયોજન છે. સાપુતારામાં પણ વિવિધ આકર્ષણો ઉમેરાયાં છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વને આકર્ષી રહ્યું છે. તો ગાંધી સર્કિટ સાથે સંકળાયેલા પ્રવાસન સ્થળોમાં દુનિયાભરના લોકોને રસ પડ્યો છે. જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લાના સંરક્ષણ અને પુન:સ્થાપનનો પ્રથમ તબક્કો પૂર્ણ તેમજ સાસણમાં દેવળિયા પાર્ક અને ભાલછેલ હિલમાં વિકાસકાર્યો સંપન્ન થયાં છે. નડાબેટના સીમાદર્શન કાર્યક્રમ એને માધવપુરના મેળા જેવા આયોજનોએ વૈશ્વિક પ્રવાસીઓના મન મોહી લીધા છે. ગુજરાતમાં વસતા વિવિધ રાજ્યોના લોકોને પ્રવાસનમાં સંકલિત કરવાનો ધ્યેય રાજ્ય સરકારે સેવ્યો છે. જેનું તાજુ ઉદાહરણ તમિલ સૌરાષ્ટ્ર સંગમ છે. વડાપ્રધાનની સીધી દેખરેખ હેઠળ તમિલ સૌરાષ્ટ્ર સંગમ યોજાઈ રહ્યું છે.
પ્રવાસનના પ્રોત્સાહન હેતુ રૂ. 3,100 કરોડના ખર્ચે રાજ્યમાં 6 હાઇસ્પીડ કોરિડોર બનાવાશે. સીમાવર્તી વિસ્તારને માટે પરિક્ર્મા પથનું નિર્માણ થતાં તેનો લાભ પ્રવાસીઓ ઉપરાંત આસપાસના પ્રદેશને મળશે. શિવરાજપુરના બીચનો વિકાસ કરી તેને એક આકર્ષક પ્રવાસી સ્થળ બનાવવાની કામગીરી ચાલુ છે. યાત્રાધામોના વિકાસ માટે પણ ગુજરાતે આયોજન કર્યું છે. દેવભૂમિ દ્વારકા કોરિડોરમાં શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, શ્રીમદ ભગવદ ગીતા એક્સપીરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકા નગરીની વ્યુઈંગ ગેલેરી માટે રૂ.10 કરોડની જોગવાઇ કરાઇ છે. ગત વર્ષોમાં ગુજરાતના ડાયનેમિક વિકાસમાં બાલાસિનોર પાસે ડાયનોસોર થીમ પાર્ક તેમજ પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરનાં નવનિર્માણે અગત્યની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ ચૈત્ર નવરાત્રિમાં વિક્રમસર્જન દર્શનાર્થીઓએ મહાકાળી માતાજીના દર્શન કર્યાં હતા.
ગુજરાત સરકારે “સ્વામી વિવેકાનંદ સર્કીટ” પ્રથમ ચરણમાં ભુજ, વડોદરા, લીંબડી, સોમનાથ, દ્વારકા, નારાયણ સરોવર, જુનાગઢ, અમદાવાદનો સમાવેશ કરાયો છે. બરડો ડુંગર સર્કિટ રૂ.12 કરોડના ખર્ચે વિકસાવાશે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા સુણ સરોવર, ઇડરનું રાણી તળાવ, તાપીનું નંદેશ્વર મહાદેવ તળાવ, જમજીર વોટરફોલ તેમજ રાજ્યમાં અન્ય જગ્યા એ પ્રવાસી સુવિધા વિકસાવવા માટે રૂ.30 કરોડની જોગવાઈ છે. ધરોઈ-અંબાજી બંધ ક્ષેત્ર માટે રૂ.300 કરોડ ફાળવાયા છે. કચ્છને ગુજરાતે વિશેષ મહત્ત્વ આપ્યું છે. રણોત્સવમાં લાઈટ એન્ડ સાઉન્ડ-શો સાથે ધોરડોમાં સફેદ રણના વિહંગાવલોકન માટે હેલિકોપ્ટર રાઈડ શરૂ કરાઇ છે. ભૂકંપમાં જીવ ગુમાવનારાઓની સ્મૃતિમાં ભારતનું સૌથી મોટું સ્મારક અને મ્યુઝિયમ સ્મૃતિવનની 2.80 લાખથી વધુ સહેલાણીઓએ મુલાકાત લીધી છે. આમ કચ્છના પ્રવાસનધામો પ્રવાસીઓને અવિતર આકર્ષી રહ્યાં છે. પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા રાજ્યના યાત્રાધામોમાં રૂ.334 કરોડના 64 પ્રોજેક્ટ મંજૂર કરાયા છે. રાજ્યના 358 જેટલા સરકાર હસ્તકના દેવસ્થાનકોના વિકાસનો રોડમેપ તૈયાર કરાયો છે.
માત્ર પ્રવાસનનો જ નહીં પરંતુ તેની સાથે સાથે આ ક્ષેત્રે રોજગારી મળે તે માટે પ્રવાસન ક્ષેત્રે અંદાજિત 10,000 લાભાર્થીઓને તાલીમનું આયોજન કર્યું છે. “પ્રવાસન નીતિ”ના કારણે મેડિકલ ટૂરિઝમ, વેલનેસ ટૂરિઝમ, ધાર્મિક અને આધ્યાત્મિક ટૂરિઝમની સાથે પ્રવાસીઓમાં વધારો થયો છે. ગુજરાતે સિનેમા શુટીંગને પ્રોત્સાહિત કરવા “સિનેમેટીક ટૂરીઝમ પોલિસી” ઘડી છે. રાજ્યમાં ઉજવાતા પતંગોત્સવ તથા રણોત્સવથી વિશ્વના સહેલાણીઓ માટે ગુજરાત મનપસંદ ડેસ્ટિનેશન બન્યું છે. તાજેતરમાં યોજાયેલ જી-20ની પ્રવાસન કાર્ય જુથની બેઠકમાં આપણો પ્રાચીન “વસુધૈવ કુટુંબકમ” મંત્ર સાકારીત થયો છે. આમ, ગુજરાતની કલા, સંસ્કૃતિ અને ઈતિહાસની સાથે સ્વાદિષ્ટ ભોજન અને ઉત્સવો- મેળા વચ્ચે સહેલાણીઓ પણ અદકેરા ગુજ્જુ બની જાય છે.