નેનો યુરિયા, મોટો ફાયદો: 50% નાઇટ્રોજનની બચત સાથે ઉત્પાદનમાં પણ વધારો: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
ગાંધીનગરના કલોલ સ્થિત ઇફ્ફકો દ્વારા વિશ્વનો પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટ સ્થપાયો
અબતક, રાજકોટઃ ખેડૂતોની આવક બે ગણી કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે સરકાર કમર કસી છે. કેવી રીતે વધુને વધુ ઉત્પાદન થાય તો સાથે ઓછામાં ઓછા નુકસાન સાથે કઈ રીતે ખેડૂતોની આવક વધારી શકાય..?? તે માટે સરકારે વિભિન્ન પ્રયાસો હાથ ધર્યા છે. જે અંતર્ગત હવે ખેત ઉત્પાદન માટે નેનો યુરિયા પર ભાર મુકાઈ રહ્યો છે. જેના ભાગરૂપે દેશની વિવિધ સંશોધન સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓમાં ડાંગર, ઘઉં, સરસવ, મકાઈ, ટમેટા સહિતના અનેક પાક પર નેનો યુરિયાના પ્રાયોગિક પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે.
આ અંગે સંસદમાં પણ ચર્ચા થઈ છે. તાજેતરમાં રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય આરોગ્ય તેમજ કેન્દ્રીય ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે નેનો યુરિયાના વપરાશ પર સંશોધનો વેગવંતા બન્યા છે. નેનો યુરિયાના ઉપયોગથી નાઈટ્રોજનની 50 ટકા સુધી બચત થઈ શકે છે. તો ઉપજમાં પણ વધારો થશે. આ સાથે જમીનની ગુણવત્તા વધુ સુધરશે તેમજ પર્યાવરણને થતું નુકસાન એટલે કે પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે નેનો-યુરિયા તેમના આગવા ગુણધર્મોને કારણે છોડના પોષણમાં વધારો કરવાની મોટી સંભાવના ધરાવે છે. નેનો-યુરિયા છોડમાં પોષક તત્વોને નિયંત્રિત રીતે છોડે છે. આ માટે સાત આઈસીએઆર સંશોધન સંસ્થાઓ અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓમાં રાષ્ટ્રીય કૃષિ સંશોધન પ્રણાલી દ્વારા 2019-20 દરમિયાન ડાંગર, ઘઉં, સરસવ, મકાઈ, ટમેટા જેવા વિવિધ પાકો વિકસાવવામાં આવ્યા છે. નેનો યુરિયાનું ટ્રાયલ પાંદડા, કોબી, કાકડી, કેપ્સિકમ, ડુંગળી વગેરે પર કરવામાં આવ્યું હતું. જે કૃષિ વૈજ્ઞાનિકોના દૃષ્ટિકોણથી યોગ્ય જણાયું છે.
ઉલ્લેખનીય છે કે નેનો યુરિયાનો વિશ્વનો પ્રથમ પ્લાન્ટ ગાંધીનગરના કલોલ ખાતે સ્થિત ઈફફકો દ્વારા સ્થાપવામાં આવ્યો છે. આમ લિક્વિડ નેનો યુરિયાનું પાયોનીયર હવે ગુજરાત બનતું જઈ રહ્યું છે. ટેકનોલોજી ટ્રાન્સફર માટે નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ અને રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડે ઇફફકો સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. અને પ્રવાહી નેનો યુરિયાની નિકાસ માટે તાજેતરમાં સરકાર પાસેથી પરવાનગી માંગી છે.