અત્યાર સુધીમાં ધારાશાસ્ત્રીઓના પરિવારને રૂ. પ૦ કરોડ ચુકવાયા
ગુજરાત બાર કાઉન્સિલના રોલ પર નોંધાયેલા ૯૨,૦૦૦ ધારાશાસ્ત્રીઓ છે. તે પૈકી ૪૨,૦૦૦ જેટલાં ધારાશાસ્ત્રીઓ વેલ્ફર ફંડના સભ્ય બન્યા હતા. ૨૦૦૮થી ૨૦૧૩ની વેલ્ફર ફંડની પાંચ વર્ષના ગાળા માટેની રિન્યુઅલ ફી ન ભરતા. ૧૩,૦૭૦ જેટલાં ધારાશાસ્ત્રીઓને શો-કોઝ નોટીસ આપવામાં આવી હતી.જેમાંથી ૮૨૦૬ જેટલાં ધારાશાસ્ત્રીઓએ ફી ભરી હતી. તેમ છતાં બાકીના ૪૮૬૪ જેટલાં ધારાશાસ્ત્રીઓએ વેલ્ફર ફંડની રીન્યુઅલ ફી ન ભરતાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા જાહેર નોટીસ આપીને ૩૦ દિવસમાં યોગ્ય કારણોસર ગુજરાત બાર કાઉન્સિલના સેક્રેટરીને મળીને વેલ્ફર ફંડની રિન્યુઅલ ફીની રકમ જમા કરાવવા આદેશ કર્યો છે. પરંતુ માત્ર ૧૦૯ જેટલા સભ્ય ધારાશાસ્ત્રીઓએ રિન્યુઅલ ફી ભરી હતી. અને બાકીની રિન્યુઅલ ફી ભરેલી નહીં. જેથી વેલ્ફર ફંડની રીન્યુઅલ ફી નહીં ભરેલી ૪૭૫૫ ધારાશાસ્ત્રીઓને ગુજરાત એડવોકેટ વેલ્ફર ફંડના સભ્યપદેથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો.વકીલાતના વ્યવસાયમાં પ્રેકટીસ કરતાં તેમજ એડવોકેટ વેલ્ફર ફંડના સભ્ય બનનારા ધારાશાસ્ત્રીઓના વારસદારોને તેમના મૃત્યુ બાદ સહાય ચુકવવામાં આવે છે. શરૂઆતમાં મુત્યુ સહાય હેઠળ મરજિયાત યોજના રાખવામાં આવી હતી જે તે સમયે માત્ર ૧૫ હજાર જેટલી મૃત્યુ સહાય આપવામાં આવતી હતી. અને માત્ર વેલ્ફર ફંડની રૂપિયા ૪ની ટિકીટ દ્વારા વેલ્ફર ફંડ ભેગું કરવામાં આવતું હતું. ૧/૯/૨૦૦૩થી ગુજરાત એડવોકેટ વેલ્ફર ફંડ એક્ટમાં એમેન્ડમેન્ટ કરીને તેમાં મેમ્બરશીપ ફી તેમ જ રિન્યુઅલ ફી નક્કી કરવામાં આવી હતી. તેમ જ ગુજરાતમાં તાલુકા, જિલ્લાની અદાલતો, તેમ જ ટ્રિબ્યુનલો અને હાઇકોર્ટ સહિતની અદાલતોમાં વકીલાતનામા પર વેલ્ફર ટિકીટ લગાડવાનું ફરજિયાત બનાવ્યું હતું. સને ૨૦૦૩થી રૂપિયા ૨૫૦ મેમ્બર ફી તેમ જ પાંચ વર્ષના ગાળા માટે રૂ. ૨૫૦ રિન્યુઅલ ફી રાખવામાં આવી હતી.તેમ જ સને ૨૦૧૩થી ૨૫૦૦ રૂપિયા મેમ્બરશીપ ફી અને પાંચ વર્ષના ગાળા માટે રૂપિયા ૧૦૦૦ રિન્યુઅલ ફી રાખવામાં આવી હતી. સને ૨૦૧૮થી પાંચ વર્ષ સુધીની પ્રેકટીસ કરતા ધારાશાસ્ત્રીઓને રૂપિયા ૫૦૦ વાર્ષિક તેમ જ પાંચ વર્ષ ઉપરાંતની પ્રેકટીસ કરતાં ધારાશાસ્ત્રીઓ જે વેલ્ફર ફંડના સભ્ય હોય તેઓને વાર્ષિક રૂ. ૧૫૦૦ રીન્યુઅલ ફી ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું
નિયમિત ફી ભરનારા સભ્ય-ધારાશાસ્ત્રીને તેમના મૃત્યુ બાદ રૂપિયા સાડા ત્રણ લાખ મૃત્યુ સહાય ચુકવવામાં આવે છે. અને ૪૫ વર્ષની વય પછી વકીલાતના વ્યવસાયમાં પ્રવેશ કરનારા ધારાશાસ્ત્રીને મર્યાદિત મૃત્યુ સહાયની રકમ આપવામાં આવે છે.
ગુજરાત બાર કાઉન્સીલ ઓફ વાર્ષિક આશરે ૨૫૦થી ૩૦૦ જેટલાં ધારાશાસ્ત્રીઓ અવસાન પામે છે. અને વાર્ષિક આશરે રૂપિયા આઠ કરોડ જેટલી રકમ તેમના વારસદારોને ચુકવવામાં આવે છે. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા અત્યારસુધીમાં ૫૦ કરોડ ઉપરાંતની રકમ ધારાશાસ્ત્રીઓના વારસદારોને ચુકવવામાં આવ્યા છે.