પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે સલાયા બંદરે ઉતરેલા ૩૦૦ કિલો હેરોઈનની ડિલીવરી સંભાળનાર કાશ્મીરના શખ્સને ગુજરાત એટીએસએ દબોચ્યો: પંજાબના ડ્રગ્સ માફીયાની શોધખોળ
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયાઓએ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા ગુજરાતના દરિયાઈ માર્ગ પસંદ કરી તાજેતરમાં જ સલાયા બંદરે ૩૦૦ કિલો હેરોઈનનો જથ્થો ઘુસાડી ઉત્તર ભારતમાં પહોંચતો કર્યાની ગુજરાત એટીએસની તપાસમાં થયેલા ઘટસ્ફોટ બાદ ગુજરાત એટીએસ કાશ્મીરના ડ્રગ્સ ડિલર નાજીર અહેમદ ઠાકર નામના શખ્સને ઝડપી કરાયેલી પુછપરછમાં ડ્રગ્સ ક્ધસાઈન્મેન્ટ પંજાબના સિમરનજીત મંગાવી દેશના જુદા જુદા રાજયમાં વિતરણ કર્યાની સ્ફોટક વિગતો બહાર આવી છે.
ગુજરાત એટીએસએ એકાદ માસ પહેલા રૂ.૧૪.૮૪ કરોડની કિંમતના ૫ કિલો હેરોઈન સાથે માંડવીના અબ્દુલ અઝીજ ભગાડ સહિત બે શખ્સોને ઝડપી લીધા હતા. બન્ને શખ્સોની પુછપરછ દરમિયાન પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ૩૦૦ કિલો હેરોઈનનો જથ્થો આવ્યો હોવાની અને ૨૯૫ કિલો હેરોઈનનો જથ્થો ઉત્તર ભારતના જુદા જુદા રાજયોમાં સપ્લાય કરવામાં આવ્યો હોવાની કબુલાત આપી હતી.
સલાયાથી ઝડપાયેલા બન્ને શખ્સોની કબુલાતના આધારે ગુજરાત એટીએસની ટીમ તપાસ અર્થે કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહોંચી હતી. કાશ્મીર પોલીસની મદદથી ગુજરાત એટીએસએ અનંતનાગ જિલ્લાના નાઝીર અહેમદ ઠાકર નામના શખ્સની ધરપકડ કરી ગુજરાત લાવવામાં આવ્યો હતો. નાઝીર ઠાકરની પુછપરછ દરમિયાન પોતાને મહેસાણાના ઉંઝા શહેરના રફીક આદમ સુમરાના નામના શખ્સે હેરોઈનનો જથ્થો પહોંચતો કર્યો હોવાની કબુલાત આપી હતી.
ઉંઝાના રફીક આદમ સુમરાએ કાશ્મીર ઉપરાંત હેરોઈનનો મોટો જથ્થો મન્ઝુર અહેમદ મીરની મદદથી પંજાબને સમરતજીતને પહોંચાડયો હોવાનું બહાર આવ્યું છે.
પાકિસ્તાનથી પાંચ મહિના પહેલા સલાયા બંદરે આવેલા ૩૦૦ કિલો હેરોઈનનું ક્ધસાઈન્મેન્ટ પંજાબના સમરતજીતસિંગના માર્ગદર્શન હેઠળ આવ્યું હોવાનું અને તેના કહેવા મુજબ જ ઉત્તર ભારતના રાજયમાં પહોંચતું કરાયાનું એટીએસની તપાસમાં ખુલ્યું છે. ગુજરાત એસટીએસની ટીમે ૩૦૦ કિલો હેરોઈન કયાં કયાં સ્થળોએ વિતરણ થયું છે. અને ડ્રગ્સ રેકેટમાં કોણ-કોણ સંડોવાયું છે તે અંગેના અંકોડા મેળવવા પંજાબના સમરતજીતસિંગની ધરપકડ થયા બાદ જ વિગતો બહાર આવે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
સલાયાથી ૨૯૫ કિલો હેરોઈન સગેવગે કરવામાં ઉંઝાના રફીક આદમ સુમરાની સંડોવણી બહાર આવતા પોલીસે તેની પણ શોધખોળ હાથ ધરી છે. સમરતજીતસિંગ અને રફીક આદમ સુમરા ઝડપાયા બાદ જ ડ્રગ્સ રેકેટના મુળ સુધી પહોંચવા એટીએસ ટીમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.