સુરતના હીરા વેપારીનું અપહરણ, ખંડણી અને ખુનના ગુનામાં સંડોવાયેલા મનોજ ગૌડની એટીએસે ધરપકડ કરી
ગુજરાત એટીએસને ગુરુવારે મોડીરાત્રે છોટા રાજન ગેંગના એક સાગરિતને ઝડપી લીધો છે. મનોજ ગૌડ નામનો આ વ્યકિત બન્ટી પાંડેની ગેંગ સાથે કામ કરતો હતો અને પાંડે છોટા રાજન સાથે કામ કરતો હતો. જોકે છોટા રાજનને અગાઉ જ ઈન્ડોનેશિયાના બાલીમાંથી એરેસ્ટ કરી લેવામાં આવ્યો છે.
એટીએસના સુત્રોના જણાવ્યા પ્રમાણે મનોજ ગૌડ અપહરણ અને ખુનના કેસમાં સંડોવાયેલો હતો. ૨૦૦૪માં એક એનઆરઆઈનું અપહરણ અને ખુન કરી તે ફરાર થઈ ગયો હતો. જોકે પાંડે પણ પોલીસના સકંજામાંથી ફરાર થઈ ગયો હતો. મુળ હલદવાની ઉતરાંચલની રહેવાસી પાંડેની આ ગેંગે એક ટેસ્ટ ક્રિકેટરના સંબંધીનું અપહરણ કર્યું હતું. પાંડેની ખબર આપનારને એક લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
ગુજરાત પોલીસે સુરતમાંથી પાંડેની ગેંગના સાગરિતોને ઝડપી લીધા છે. જેઓ ભારતીય ટેસ્ટ ક્રિકેટરના બે સંબંધીઓનું અપહરણ કરી ગયા હતા. ગુજરાત એટીએસના સુત્રોના જણાવ્યા પ્રમાણે પાંડેની ગેંગે મુળ સુરતના હીરાના વેપારી રાજન ભટ્ટનું અપહરણ કર્યું હતું અને તેમણે તાજેતરમાં કરેલી એક મોટી ડીલના પગલે ખંડણી માંગી હતી. જોકે આ ગેંગે ભટ્ટનો વિડીયો તેના પરીવારને મોકલ્યો હતો અને માંગ પુરી ન થતા તેનું ખુન કરી તેની લાશ નડીયાદ પાસે ઘા નાખી દીધી હતી.
આ કેસમાં મનોજ ગૌડ સહિત સંજયસિંહ કનોજ, રાજનકુમાર સિંહ અને નોઈડામાં રહેતા લાલજી વિરુઘ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગૌડ મુળ આઝમગઢ યુપીનો રહેવાસી છે અને તેને એટીએસે ઝડપી સુરત પોલીસને હવાલે કર્યો છે.