• મુંબઈના ઘાટકોપરથી કરાઈ ધરપકડ : મૌલાનાને સુરક્ષા વચ્ચે જૂનાગઢ લવાશે

જૂનાગઢમાં જાહેરસભામાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત એટીએસ અને મુંબઈ એટીએસએ મુંબઈથી અટકાયત  કરી છે. આ મામલે જૂનગાઢ પોલીસે કાર્યક્રમના બે આયોજકો મલેક અને હબીબની પહેલા જ ધરપકડ કરી હતી અને ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની શોધખોળ ચાલુ હતી, જેની આખરે મુંબઈથી અટકાયત કરવામાં આવી છે.

મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. હવે આ કેસમાં ગુજરાત એટીએસએ સલમાન અઝહરીની મુંબઈથી અટકાયત કરી છે. સલમાન અઝહરી પર પોતાના નિવેદનો દ્વારા નફરત ફેલાવવાનો અને લોકોની ભાવનાઓને ઠેશ પહોંચાડવાનો આરોપ છે. રવિવારે સાંજે ગુજરાત એટીએસએ મુંબઈ પોલીસની મદદથી સલમાન અઝહરીને તેના ઘરેથી અટકાયતમાં લીધો હતો. મળતી માહિતી પ્રમાણે મુંબઈથી એટીએસ અને જૂનાગઢ પોલીસની ટીમ મુફ્તી સલમાન અઝહરીને સવારે અમદાવાદમાં એટીએસ હેડક્વાર્ટર ખાતે લાવી છે. હવે ત્યાંથી ટીમમાં ફેરફાર કરીને તેને તાત્કાલિક જૂનાગઢ લઈ જવાશે.

ગુજરાત એટીએસ ઘણા સમયથી અઝહરીને શોધી રહી હતી. ધરપકડ બાદ મૌલાના અઝહરીના સમર્થકો રસ્તા પર આવી ગયા અને ઘાટકોપર પોલીસ સ્ટેશનને ઘેરી લીધુ હતું. મૌલાનાના સમર્થકોએ તેમની તાત્કાલિક મુક્તિની માંગ શરૂ કરી અને મોડી રાત્રે પોલીસે તેમને હટાવી દીધા હતા. અઝહરીની અટકાયત પર ડીસીપી હેમરાજ સિંહ રાજપૂતે કહ્યું કે, મુંબઈમાં શાંતિ છે. ઘાટકોપર વિસ્તારમાં પણ શાંતિ છે. કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરો. હું મુંબઈના લોકોને કહેવા માંગુ છું કે પોલીસ તેમના માટે રસ્તા પર છે.

ધરપકડ બાદ મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ કહ્યું કે, ન તો હું ગુનેગાર છું અને ન તો મને અહીં ગુનો કરવા માટે લાવવામાં આવ્યો છે. પોલીસ કેટલીક મહત્વપૂર્ણ તપાસ કરી રહી છે અને હું પણ તેમને સહકાર આપી રહ્યો છું. જો હું નસીબદાર છું તો હું કોઈપણ પ્રકારની કાર્યવાહી માટે તૈયાર રહીશ. હું તૈયાર છું.

ધરપકડ મામલે મૌલાનાના વકીલે શું કહ્યું?

મૌલાના મુફ્તી સલમાન અઝહરીના વકીલ વાહિદ શેખે કહ્યું, સવારે મૌલાના મુફ્તી સલમાન અઝહરીના ઘરે સિવિલ ડ્રેસમાં 35-40 પોલીસકર્મીઓ હાજર હતા. અમે તેમને તેમની મુલાકાતનો હેતુ પૂછ્યો. પરંતુ કોઈ માહિતી આપવામાં આવી ન હતી. મૌલાના મુફ્તી સલમાન અઝહરી સાથે વાત કર્યા બાદ તેઓએ (પોલીસે) કહ્યું કે ગુજરાતમાં 153બી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરી તેમની સાથે પોલીસ સ્ટેશન આવ્યા અને સહકાર પણ આપ્યો. પરંતુ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. મૌલાના મુફ્તી સલમાન અઝહરી સહકાર આપવા તૈયાર છે પરંતુ પોલીસ કોઈ જવાબ આપી રહી નથી.

31મી જાન્યુઆરીની રાત્રે મૌલાનાએ જૂનાગઢમાં આપ્યું હતું ભડકાઉ ભાષણ : જૂનાગઢ પોલીસ અધિક્ષક

જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે 31 જાન્યુઆરીની રાત્રે અહીં ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં આ ભાષણ આપવામાં આવ્યું હતું. આ ધર્મ અને વ્યસન મુક્તિના કાર્યક્રમના નામે આ જાહેરસભાની મંજૂરી લેવામાં આવી હતી જેમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.