રવિવાર સાંજ સુધીમાં રાજયમાં વેકિસનેશનનો આંકડો 7.71 કરોડને પાર, જે ભારતમાં માથાદીઠ દ્રષ્ટિએ સૌથી વધુ
21 ઓકટોબરથી 21 નવેમ્બર સુધીમાં
બીજા ડોઝ લેનારાઓની સંખ્યા 16% વધી
કોરોનામાંથી સંપૂર્ણપણે છુટકારો મેળવવા રસીકરણ અને નિયમ પાલન અમોઘ સમાન છે ત્યારે હાલ વિશ્વના સૌથી મોટા એવા ભારતના રસીકરણ અભિયાનમાં ગુજરાતે હરણફાળ ભરી છે. રસીકરણ ઝુંબેશમાં પણ ગુજરાત આગળ છે. ગઈકાલ એટલે કે રવિવાર સાંજ સુધીમાં રાજ્યમાં કોવિડ રસીકરણનો આંકડો 7.71 કરોડ ડોઝને પાર થયો છે. જે ભારતમાં માથાદીઠ દ્રષ્ટિએ સૌથી વધુ છે. કુલ 7.71 કરોડ ડોઝમાંથી 4.54 કરોડ પ્રથમ ડોઝ અને 3.17 કરોડ બીજો ડોઝ છે. આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે જે લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે તેમાંથી 70% લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે. આમ ગુજરાતમાં 64% વસ્તીને બંને ડોઝ મળી ચુક્યા છે.
કોવિનના આંકડા અનુસાર, છેલ્લા 30 દિવસમાં બીજો ડોઝ લેનારાઓની સંખ્યા લગભગ 1:8 થઈછે. 11 લાખ લોકોએ પહેલો અને 79 લાખ બીજો ડોઝ લીધો છે. તો 21 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધીમાં પ્રથમ ડોઝ કવરેજની ટકાવારીમાં 2%નો વધારો થયો છે, તો આ જ સમયગાળામાં બીજા ડોઝ કવરેજમાં અધધ… 16%નો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે સરકારી આંકડા અનુસાર રાજ્યના પાંચ શહેરો- સુરત, રાજકોટ, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગર – 100% પ્રથમ-ડોઝ રસીકરણ કવરેજ ધરાવે છે, જ્યારે 33 માંથી ચાર જિલ્લા – અમદાવાદ, જૂનાગઢ, તાપી અને મહિસાગર – આ સિદ્ધિ હાંસલ કરવામાં નજીક છે. જિલ્લાઓની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં બીજા ડોઝનું સૌથી વધુ 92% કવરેજ છે. 34% સાથે, ડાંગમાં સૌથી ઓછો સેક્ધડ-ડોઝ કવરેજ છે. આકડાઓના પરીપેક્ષમાં જોઈએ તો સરેરાશ રીતે ગુજરાતમાં બીજા ડોઝનું 64% કવરેજ છે.
છેલ્લા 30 દિવસની રસીકરણની ટકાવારી જોઈએ તો જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ ડોઝ અપાયા છે. જેનું પ્રમાણ 36% છે.જૂનાગઢ બાદ બીજા ક્રમે 30 ટકા સાથે અમદાવાદ જિલ્લો, ત્રીજા ક્રમે 25 ટકા સાથે દાહોદ જિલ્લો જ્યારે 24 ટકા સાથે બનાસકાંઠા જિલ્લો અને ત્યારબાદ પાંચમા ક્રમે 21% સુરેન્દ્રનગર જિલ્લો આવે છે.
અરે વાહ… રાજકોટના નવા માત્રાવડના 100 ટકા ગ્રામજનોએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા
હાલમાં કોરોનાથી બચવા માટે રસીકરણ એજ શ્રેષ્ઠ ઉપાય છે.” તેથી કોરોના સંક્રમણથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારના 7 અર્બન હેલ્થ સેન્ટર અને 12 સામૂહિક આરોગ્ય કેન્દ્રો, તથા 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મફત વેક્સિન આપવામાં આવી રહી છે.
અશક્ત/વૃધ્ધ કે દિવ્યાંગ લોકોને ઘરે જઈને રસી આપવામાં આવી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતાં કામદારોને એક પણ દિવસની રજા રાખવી ન પડે તે માટે મોબાઈલ ટીમ બનાવી તેઓની અનુકુળતા મુજબ રસીકરણની કામગીરી કરવામાં આવી રહેલ છે. શહેરી વિસ્તારમાં રાત્રિના સમયે પણ રસીકરણ કામગીરી કરવામાં આવી રહેલ છે. જેના કારણે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને વેક્સિન કવરેજમાં પણ વધારો નોંધાયો છે.
ચિત્રાવડના નવા માત્રાવડ ગામમાં 214 લોકોને કોરોના રસીનો બીજો ડોઝ પુર્ણ થતા, બંન્ને ડોઝ પૂર્ણ કરી 100 ટકા કામગીરી કરી આ પ્રથમ ગામ રસીકરણ યુકત બન્યું છે.
આ રસીકરણ કરાવનાર જાગૃત નાગરિકોએ પોતાની જાતને તો સુરક્ષિત કરી પોતાના કુટુંબને પણ સંક્રમણથી બચાવ્યું છે. તે બદલ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર તેમને અભિનંદન પાઠવે છે. આ રસી અંગેની ખોટી માન્યતાઓ કે અફવાથી ભરમાસો નહીં. આ રસીની આડઅસર નહિવત છે. તેથી તમામ લોકોને આ રસીકરણનો લાભ લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર ખાસ ભાર પૂર્વક અપીલ કરે છે.