ગાંધી જયંતિથી તમામ કંપનીઓ દ્વારા એક સમાન બેગમાં કરાશે ખાતરનું વિતરણ
રાજ્યના ખેડૂતોને પૂરતી માત્રામાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાતને 47,000 મેટ્રિક ટન આયાતી યુરિયા ખાતરનું આખું વેસલ ફાળવવામાં આવ્યું છે.પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના હેઠળ ગાંધી જયંતિ-બીજી ઓક્ટોબર-2022થી તમામ રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓ દ્વારા એક જ સમાન પ્રકારની બેગમાં ખાતરોનું વેચાણ શરુ કરાશે.
આ અંગે વધુ માહિતી આપતા રાજય સરકસારના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં સારા વરસાદના પરિણામે 82 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે અને હજુ આગામી સમયમાં વધુ 5 લાખ હેક્ટરમાં દિવેલા-ઘાસચારાના પાકોનું વાવેતર થનાર છે. ખરીફ પાકોમાં યુરિયાની જરૂરિયાતને ધ્યાને લઈ તેમજ રાજ્યના ખેડૂતોને સમયસર -પૂરતું ખાતર મળી રહે તે અમારી સરકારની પ્રાથમિકતા છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં કૃષિ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને કરાયેલી રજૂઆતના ફળ સ્વરૂપે ઇફકો કંપની દ્વારા આયાતી યુરિયા ખાતરનું 47,000 મેટ્રિક્ ટનનું આખેઆખું વેસલ ગુજરાતના ખેડૂતોના હિતમાં ફાળવી આપવામાં આવ્યું છે. જેના પગલે આગામી સમયમાં પૂરતી માત્રામાં યુરિયા ખાતર રાજ્યમાં ઉપલબ્ધ થશે.
હાલ રાજ્યમાં યુરિયા ખાતરનો 2.50 લાખ મેટ્રિક ટન કરતાં વધુ જથ્થા સહિત અન્ય ખાતરો પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. આગામી રવિ અને ઉનાળુ ઋતુમાં પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર ઉપલબ્ધ થઈ શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 12.50 લાખ મેટ્રિક ટન યુરિયા,2.50 લાખ મેટ્રિક ટન ડીએપી,2.85 લાખ મેટ્રિક ટન એનપીકે, 0.60 લાખ મેટ્રિક ટન એમઓપી અને 1.50 લાખ મેટ્રિક ટન એસએસપીનો જથ્થો મંજૂર કરવામાં આવ્યો છે.
કૃષિ મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, હાલ દેશમાં તમામ રાસાયણિક ખાતર કંપનીઓ દ્વારા ઉત્પાદિત ખાતરોનું જુદી જુદી ડિઝાઇન વાળી બેગોમાં ખાતરનું વેચાણ કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા રાસાયણિક ખાતર પર મોટા પ્રમાણમાં સબસીડી પણ આપવામાં આવે છે જેથી ભારત સરકારના નામે જ રાસાયણિક ખાતરોનું વેચાણ થાય તે જરુરી હતું. કેન્દ્ર સરકાર દ્વારા આગામી ગાંધી જયંતિ એટલે કે તા. 02 ઓક્ટોબર- 2022થી તમામ રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓને પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના હેઠળ એક જ સમાન પ્રકારની બેગમાં રાસાયણિક ખાતરો વેચવાનું ફરજિયાત કરાયું છે.
જેમાં હવે સમગ્ર દેશમાં ભારત યુરિયા, ભારત ડીએપી, ભારત એમઓપી અને ભારત એનપીકે તરીકે એક જ સમાન પ્રકારની બેગમાં ખાતરો વિતરણ શરુ કરવામાં આવશે. આ પ્રકારની કામગીરીથી રાસાયણિક ખાતરના ભાવોમાં કે તેની વેચાણ પદ્ધતિમાં કોઈ ફેરફાર થનાર નથી. માત્ર એક સમાન પ્રકારની બેગમાં જ રાસાયણિક ખાતરો વેચાય તે હેતુસર આ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. રાજ્યના ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવા બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય કેમિકલ અને ફર્ટીલાઈઝર મંત્રી ડો. મનસુખ ભાઈ માંડવિયાનો અભાર માન્યો હતો.