સૌરાષ્ટ્રના પાંચ સહિત રાજયના 1ર શહેરોમાં મહત્તમ તાપમાન 41 થી 44.8 ડીગ્રી સેલ્સીયસ આજે પણ સૂર્યનારાયણ કાળઝાળ રહેશે: અમદાવાદમાં આજે પારો 45 ડિગ્રીએ પહોંચે તેવી સંભાવના
ગુજરાત ફરી એકવાર અગન ભઠ્ઠીમાં ફેરવાય ગયું છે. સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાનનો પારો 44 ડીગ્રીએ પહોંચી જતા જનજીવન આકુળ વ્યાકુળ થઇ ગયું છે. સૌરાષ્ટ્રના પાંચ સહિત રાજયના 1ર શહેરોમાં તાપમાન 41.4 ડીગ્રીથી લઇ 44.8 ડીગ્રી સુધી નોંધાયું છે. આજે પણ સૂર્યનારાયણ કાળકાળ રહેશે. દરમિયાન આવતા સપ્તાહથી પ્રિ-મોનસુન એકિટવીટી શરુ થતાં ગરમીમાં રાહત મળશે અને બફારાનો અહેસાસ થશે.
ગુજરાતમાં આ વર્ષ માર્ચ માસથી ગરમીની શરુઆત થઇ ગઇ છે છેલ્લા બે માસથી પણ વધુ સમયથી સમગ્ર રાજય આકરા તડકામાં રિતસર રોકાય રહ્યું છે. છેલ્લા એક માસથી તો હિટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રેકોર્ડ બ્રેક તાપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
દરમિયાન સોમવારે રાજયના 1ર શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડીગ્રીથી વધુ નોંધાયું હતું. કંડલા એરપોર્ટ પર તો તાપમાનનો પારો 4પ ડીગ્રીને લગોલગ પહોંચી જવા પામ્યો હતો. દરમિયાન સુરેન્દ્રનગર 44 ડીગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહેવા પામ્યું હતું. આજે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની આગાહી આપવામાં આવી છે અહીં પારો 44 થી 45 ડીગ્રીને પાર થઇ જાય તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.સોમવારે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અગન ભઠ્ઠીમાં ફેરવાય ગયું હતું.
અમદાવાદનું મહત્તમ તાપમાન 43.1 ડીગ્રી, ડિસાનું તાપમાન 42.2 ડીગ્રી, ગાંધીનગરનું તાપમાન 42.8 ડીગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 41.6 ડીગ્રી, વડોદરાનું તાપમાન 42.8 ડીગ્રી, ભુજનું તાપમાન 41.4 ડીગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 44.8 ડીગ્રી, સૌરાષ્ટ્રમાં અમરેલીનું તાપમાન 42.8 ડીગ્રી, ભાવનગરનું તાપમાન 41.8 ડીગ્રી, દ્વારકાનું તાપમાન 32.6 ડીગ્રી, ઓખાનું તાપમાન 33.2 ડીગ્રી, પોરબંદરનું તાપમાન 35 ડીગ્રી, રાજકોટનું તાપમાન 42.7 ડીગ્રી, વેરાવળનું તાપમાન 31.8 ડીગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 44 ડીગ્રી, મહુવાનું તાપમાન 37.8 ડીગ્રી, કેશોદનું તાપમાન 38.7 ડીગ્રી નોંધાયું હતું.
આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવનો પ્રકોપ યથાવત રહેશે સુરેન્દ્રનગર અને કચ્છ જીલ્લામાં તાપમાનનો પારો 44 થી 45 ડીગ્રી સુધી પહોંચી જશે આગામી ચારેક દિવસ હજી ગરમીથી મુકિત મળશે નહી. દરમિયાન 1પમી મે થી પ્રિ-મોનસુન એકિટવીટીનો આરંભ થશે. જેના કારણે ગરમીનું જોર ઘટશે પરંતુ બફારાનું પ્રમાણ વધશે એક મહિનો આવુ વાતાવરણ રહેશે.