જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ૪૦૦ અને તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ૨૫૦ લોકો હાજર રહી શકશે: ૫૬ મિનિટમાં કાર્યક્રમ પૂર્ણ કરવાનો રહેશે
રાજ્ય કક્ષાની ઉજવણી દાહોદમાં થશે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપશે હાજરી : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ખેડા જિલ્લામાં કરશે ધ્વજવંદન
વર્તમાન સમયમાં કોરોનાની ગાઈડલાઈન અમલમાં છે. ત્યારે આગામી ૨૬મીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની હોય જેમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે પ્રજાસત્તાક પર્વની ઉજવણીની એસઓપી જાહેર કરી છે. જેમાં રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના કાર્યક્રમમાં લોકોને એકત્ર થવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
કોરોના કાળમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને રાજ્ય સરકારે એસઓપી જાહેર કરી છે. જે અંતર્ગત રાજયકક્ષાના કાર્યક્રમમાં એક હજાર લોકો હાજર રહી શકશે. જિલ્લા કક્ષાએ ૪૦૦ લોકો, તાલુકા કક્ષાએ ૨૫૦ લોકો હાજર રહી શકશે. તેવો સરકારે પરિપત્ર પહાર પાડ્યો છે. પ્રજસત્તાક દિનનો કાર્યક્રમ ૫૬ મિનિટમાં પૂર્ણ કરવાનો રહેશે, માસ્ક અને સોશિયલ ડિસ્ટનસના નિયમોના ફરજીયાત પાલનની પણ સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તમામ જિલ્લા મથકોએ રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વે એસઓપીની ચુસ્ત અમલવારી કરવાની સૂચના આપી દેવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ પણ આ સૂચના આપી દેવામાં આવી છે. માટે આ વખતે પ્રજાસત્તાક પર્વે દર વર્ષની જેમ મોટા પાયે ઉજવણી નહિ થાય. માત્ર થોડા લોકોની હાજરીમાં જ આ ઉજવણી થવાની છે.
વધુમાં આ વખતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી દાહોદમાં થવાનો છે. જેમા મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરશે. તો વળી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વડોદરા અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ખેડા જિલ્લામાં ધ્વજવંદન કરશે. આર સી ફળદુ સુરેન્દ્રનગરમાં, ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટમાં, સૌરભ પટેલ અમદાવાદમાં, કૌશિક પટેલ ગાંધીનગરમાં, ગણપત વસાવા સુરતમાં, જયેશ રાદડીયા કચ્છમાં, ઈશ્વર પરમાર નવસારીમાં, કુંવરજી બાવળીયા ભાવનગરમાં અને જવાહર ચાવડા ગીરસોમનાથ ખાતે ધ્વજવંદન કરશે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિત વચ્ચે થતી હતી. પણ આ વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને કોરોનાનું ગ્રહણ લાગી જતા હવે સાદાયથી ઉજવણી કરવી પડશે. આ વખતે દાહોદ ખાતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમની ઉજવણી થવાની છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરવાના છે. બીજી તરફ મોટાભાગના જિલ્લાઓમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કઈ જગ્યાએ યોજાશે તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. હવે બેથી ત્રણ દિવસોમાં તમામ જિલ્લાઓ જિલ્લા કક્ષાની ઉજવણી માટેનું સ્થળ પસંદ કરીને ત્યાં તૈયારીઓ શરૂ કરી દેશે. આ તમામ ઉજવણી માટે રાજ્ય સરકારે જે એસઓપી જાહેર કરી છે. તેની ચુસ્તપણે અમલવારી પણ કરવામાં આવશે.
વધુમાં આ વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કમાં જોવા મળશે. તમામ જિલ્લા મથકો ઉપર કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેની વિશેષ જવાબદારી રહેશે. વધુમાં આ વર્ષે પરેડ સહિતના કાર્યક્રમોનું આયોજન કઈ રીતે યોજવા તેના ઉપર પણ પ્રશ્નાર્થ સર્જાય તેમ છે. આ માટે તમામ જિલ્લા અને મહાનગરોમાં પોલીસ વિભાગ દ્વારા કઈ રીતે આયોજન ઘડવામાં આવે છે તે જોવું રહ્યું.