200 જેટલા વિદ્યાર્થીઓ અને પ્રોફેસર સેમિનારમાં જોડાયા
“દર્શન યુનિવર્સિટી” ઈ-એફ.આઈ.આર.અંગેનાં સેમીનારનું એસીપી એસ.આર.ટંડેલની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવેલ. જેમાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનાં પીઆઈ બી.એમ.ઝણકાટ, પી.એસ.આઈ. એમ. જે. રાઠોડ , હે.કો. હિતેશભાઈ ગઢવી તથા હે.કો. અરવિંદભાઈ મકવાણા વગેરે હાજર રહ્યા હતાં.
સેમીનારમાં દર્શન યુનિવર્સિટ ીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સાથે ઈ-એફ.આઈ.આર. અંગે પ્રેઝન્ટેશન સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એસીપી એસ.આર.ટંડેલ સાહેબે કોલેજનાં વિદ્યાર્થીઓને ઈ-એફ.આઈ.આર. અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સેમીનારમાં પીઆઈ બી.એમ. ઝણકાટે વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન દ્વારા ઈ-એફ.આઈ.આર.નો હેતુ, ફરિયાદોનાં પ્રકાર, વાહન ચોરી તથા મોબાઇલ ચોરીની ફરિયાદ માટેની હાલની પ્રોસીજર, ઈ-એફ.આઈઆર. એપ્લિકેશનની પ્રોસીજર, સીટીઝન પોર્ટલ એપ્લિકેશન વિશે માહિતી, કઈ રીતે ઈ-એફ.આઈ.આર. દાખલ કરવી જેવાં મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવેલ.ઈ-એફ.આઈ.આર.અંગે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ કયુઆર કોર્ડ મારફતે ’સીટીઝન ફર્સ્ટ’ એપ ડાઉનલોડ પણ કરી હતી.
સીટીઝન ફર્સ્ટ એપનાં અન્ય ફાયદા વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સેમીનારની અંદર કુલ 200 કરતાં વધુ કોલેજનાં વિદ્યાર્થીઓ તથા કોલેજનાં પ્રોફેસરો હાજર રહ્યા હતા. ગુજરાતની જનતાએ વાહનચોરી અને મોબાઈલચોરીની ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશન સુધી ધક્કો ન ખાવો પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા નવી પદ્ધતિ શરૂ કરવામાં આવી છે.
ઇ એફઆઇઆર અંતર્ગત કોઈપણ વ્યક્તિ મોબાઇલ પર વાહન ચોરી અંગેની ફરિયાદ નોંધાવી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા તાજેતરમાં આ યોજનાનું લોન્ચિંગ કરાયા બાદ રાજ્યભરમાં નાગરિક આ નવી પ્રણાલીનો અમલ કરતા થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ શહેરોમાં માર્ગદર્શક સેમીનાર યોજવામાં આવી રહ્યા છે.શાળા કોલેજોમાં પણ છાત્રને આ અંગે પૂરતો માર્ગદર્શન પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહ્યું છે.લોન્ચિંગ બાદ ઇ-એફઆઇઆર ખૂબ જ લોકપ્રિય બની છે.હજારોની સંખ્યામાં કેસ નોંધાયા હોવાનું જાણવા મળે રહ્યું છે.