જળ પ્રલય,આગજની, ધરતીકંપ જેવી આફતોમાં બચાવ કામગીરીનું નિદર્શન
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા શાળા કોલેજોમાં એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા જળ પ્રલય, ધરતીકંપ, આગજની સહીત વિવિધ આફત સમયે લોકોનો બચાવ કેવી રીતે કરી શકાય તે બાબતે જન – જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.જે અંતર્ગત રાજકોટની રાજકુમાર કોલેજ ખાતે એન.સી.સીના કેડેટ્સને એન.ડી.આર.એફ. રાજકોટ ટીમ દ્વારા નિદર્શન તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં છાત્રોએ ભાગ લીધો હતો.
વી. વી. પ્રસન્ના સિક્સ બટાલિયન કમાન્ડમેન્ટના નિદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં 2 અઠવાડિયા સુધી જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એન.ડી.આર.એફ. ના ઇન્સ્પેકટર શ્રી ભરતકુમાર મૌર્ય તેમજ ટીમ દ્વારા છાત્રોને વિવિધ સાધન સરંજામ સાથે ફ્લડ, ધરતીકંપ, સી.પી.આર. પ્રાથમિક સારવાર સહિતની બચાવની કામગીરી તેમજ આગજની બનાવમાં ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ સહીતનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ટીમ દ્વારા કોરોના મહામારી અનુસંધાને કોરોનાથી બચવા અને તેનો ફેલાવો અટકાવવા પણ માર્ગદર્શન પૂરું પાડયું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટ નાયબ મામલતદાર ધર્મેન્દ્રસિંહ ઝાલા, કોલેજ કો-ઓર્ડીનેટર કુ. કેવરી ગોહિલ, એન.સી.સી. અધિકારી સંદીપ દેશમુખ તેમજ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.