- ભારતી આશ્રમ ખાતે હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા અતિથિ ભવનનું ખાતમુર્હત
- રૂપિયા 4.50 કરોડના ખર્ચે 50 બ્લોકનું થયું નિર્માણ
- અમરેલીના સાંસદ ભરત સુતરીયા સહિતના મહેમાનો રહ્યા ઉપસ્થિત
જુનાગઢ મહાશિવરાત્રીનો મેળો ચાલતો હોય ત્યારે મેળાના ત્રીજા દિવસે ભવનાથ તળેટીમાં આવેલ ભારતી આશ્રમ ખાતે આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા આશ્રમના ભાવિ ભક્તોને વધુ સુવિધા મળે તેને લઈ 50 બ્લોકનું રૂપિયા 4.50 કરોડના ખર્ચે અતિથિ ભવન બનાવવામાં આવ્યું હતું. જેનું સાધુ સંતોના વરદ હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. તેમજ ભારતી આશ્રમ ખાતે આવતા ભાવીભક્તોને શ્રદ્ધાળુઓને રહેવાની તેમજ ભોજનની સુવિધા મળી રહે તેને લઈને અતિથિ ભવન બનાવવાનું નક્કી કર્યું હતું. આ કાર્યક્રમમાં ભવનાથ મંદિરના મહંત હરિગીરીબાપુ ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ મુક્તાનંદ બાપુ, અમરેલીના સાંસદ ભરત સુતરીયા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, જૂનાગઢમાં શિવરાત્રી મેળાના ત્રીજા દિવસે ભારતી આશ્રમ ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.આશ્રમ પરિસરમાં 50 રૂમનું નવું વિશ્વંભર ભારતી અતિથિ ભવન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી બાપુની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આશ્રમના ઉપાધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુએ ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરી હતું. આ નવું અતિથિ ભવન એક વર્ષમાં પૂર્ણ થશે.
ભવનાથ ક્ષેત્રમાં આવતા યાત્રાળુઓ અને ભક્તોને સારી સુવિધા મળી રહે તે હેતુથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી પરિવાર અને સૂર્યપ્રકાશ ભારતી પરિવારના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે. ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું કે ‘અતિથિ દેવો ભવ’ના સિદ્ધાંત અનુસાર, આ અતિથિ ભવન ભાવિકો અને ભક્તોની સેવા માટે સમર્પિત રહેશે. તેમણે ભગવાન શિવ અને ગુરુ દત્તાત્રેય પાસે પ્રાર્થના કરી કે ભારતી પરિવાર હંમેશા સેવાના કાર્યોમાં અગ્રેસર રહે.