સરકારી શાળાઓમાં આધુનિક કમ્પ્યુટર લેબ, જ્ઞાનકુંજ પ્રોજેકટ, ઈ-કલાસ રૂમો, સાયન્સ સેન્ટર સહિતની સુવિધાઓ
સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી શાળાઓમાં જ્ઞાનની સરીતાનો પ્રવાહ હવે પલટાયો છે. સમગ્ર દેશના લોકો પોતાના સંતાનોના ઉજવળ ભવિષ્યના નિર્માણ માટે મોંઘીદાટ ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ તરફ દોટ મુકી રહયા છે, તેવા સમયે ઝાલાવાડની સરકારી શાળાઓમાં જુદુ ચિત્ર જોવા મળી રહયું છે. આજે ઝાલાવાડવાસીઓ તેમના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે જિલ્લાની ખાનગી શાળામાંથી તેમના બાળકોનું નામ કઢાવીને તેને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહયા છે.
રાજયમાં શિક્ષણને નવા આયામ સુધી પહોંચાડવા માટે આ સરકારે શિક્ષણમાં ગુણવત્તા સુધારણાની સાથે શ્રેષ્ઠ શિક્ષણ મેળવી ઉચ્ચકક્ષાની પરિક્ષાઓ પાસ કરેલ શિક્ષકોની ભરતી કરી છે. સાથો-સાથ વિદ્યામંદિરો રૂપી સરકારી શાળાઓમાં તમામ પ્રકારની ભૌતિક – શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. જેના ખૂબ જ સારા પરિણામો સમગ્ર રાજયની સાથે ઝાલાવાડની સરકારી શાળાઓમાં જોવા મળ્યા છે.
આજના વાલીઓ પોતાના સંતાનોને શાળામાં પ્રવેશ અપાવતા પહેલા ઘણા બધા પાસાઓ જેવા કે, કાર્યદક્ષ અનુભવી શિક્ષકો, શાળાનું વાતારવરણ, શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, શાળામાં અપાતા શિક્ષણની ગુણવત્તા વગેરેની ચકાસણી કરી ત્યારબાદ જ તેમના સંતાનોના ભવિષ્યનો નિર્ણય લેતા હોય છે, તેવા સમયે ઝાલાવાડવાસીઓની આવી તમામ અપેક્ષાઓ પુરી થાય તેવા વાતાવરણનું સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી શાળાઓમાં નિર્માણ થયું છે.
રાજય સરકારના ૧૦૦ ટકા સાક્ષરતાના ધ્યેયને હાંસલ કરવા અને પ્રત્યેક બાળક ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે માટેના યથાર્થ પ્રયાસોની ફળશ્રુતિ અહિની શાળાઓમાં જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ચૌધરીના જણાવ્યા પ્રમાણે સરકારની શિક્ષણને ધબકતું બનાવી પ્રત્યેક સરકારી શાળાઓમાં વધુ સારૂ શિક્ષણ ઉપલબ્ધ બને તે માટેની કટીબધ્ધતાના પરિણામે આજે શાળાઓમાં આધુનિક કોમ્પ્યુટર લેબ, જ્ઞાનકુંજ પ્રોજેકટ, ટેટ અથવા ટાટ પરીક્ષા પાસ થયેલા તજજ્ઞ શિક્ષકો ટેકનોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઈન્ટરનેટ કનેકટીવીટી ધરાવતા ઈ-કલાસ રૂમો, સાયન્સ સેન્ટરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થતાં શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે. જેના કારણે આ જિલ્લાના વાલીઓ ખાનગી શાળાના બદલે તેમના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહયાં છે.
સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો જિલ્લાની વિવિધ ખાનગી શાળાઓમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં ૧૫૦૮ બાળકોને તેમના વાલીઓએ સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે. જેમાં વઢવાણ તાલુકાની શાળામાં ૪૬૩, લીંબડી તાલુકાની શાળામાં ૧૧૭, ચુડા તાલુકાની શાળામાં ૧૦૩, ચોટીલા તાલુકાની શાળામાં ૭૪, થાનગઢ તાલુકાની શાળામાં ૨૦, સાયલા તાલુકાની શાળામાં ૧૪૪, મુળી તાલુકાની શાળામાં ૧૯૬, લખતર તાલુકાની શાળામાં ૧૦, ધ્રાંગધ્રા તાલુકાની શાળામાં ૨૭૬ અને પાટડી (દસાડા) તાલુકાની શાળામાં ૧૦૫ બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.