ધર્મસ્થાનના ઉદધાટન પ્રસંગે ઉત્સાહી બન્યા છે સૌરાષ્ટ્રના ભાવિકો
આત્મગુણોનાં શ્રેષ્ઠ સ્થાન પર બિરાજમાન થઈને અનેક અનેક પામર જીવોને શ્રેષ્ઠતાના માર્ગ તરફ દોરી જઈ રહેલાં રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ રાજકોટનાં શ્રી જંકશન પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘમાં પધારતા સમગ્ર સંઘે અંતરના ઉમળકા અને અત્યંત ભક્તિભાવે એમનું સ્વાગત કર્યું હતું.રાષ્ટ્રસંતપૂજ્યના આગમનને વધાવવા સંઘનાં બહેનોએ મસ્તકે કલશ ધારણ કરીને જયકાર ગજાવતાં સ્વાગત સામૈયુ કર્યુ હતું.
લાંબા સમય પછી સંઘમાં રાષ્ટ્રસંતપૂજ્યના આગમન સાથે પાંચ વર્ષ પછી સૌરાષ્ટ્ર-રાજકોટમાં પધારેલાંપૂજ્ય સુમતિબાઈ મ. આદિ થાણા ૫ નો પાવન યોગ સર્જાતાં સંઘમાં આનંદ પ્રસરાયો હતો. એ સાથે જ, દીર્ઘ કાલિન દીક્ષા પર્યાયી પૂજ્ય ધીરજમુની મ.સા.ના આજ્ઞાનુવર્તીપૂજ્ય જ્યોત્સનાબાઈ મ. પણ આ અવસરે વિશેષ ભાવો સાથે ઉપસ્થિત રહ્યાંહતાં.
આ અવસરે અત્યંત હૃદયસ્પર્શી શૈલીમાં રાષ્ટ્રસંતપૂજ્યએ ઉપસ્થિત ભાવિકોને બોધ આપતાં સમજાવ્યું હતું કે, વિસ્તાર ચાહે કોઈ પણ હોય, સ્થાન ચાહે કોઈ પણ હોય પરંતુ ધર્મ પ્રત્યેનો હૃદયનો ઉત્સાહ ભાવ તે કર્મ નિર્જરા અને ધર્મ આરાધનાની શ્રેષ્ઠતાનું કારણ બનતું હોય છે.
મોટા ભાગના લોકો માત્ર બાહ્ય શરીરથી જ ધર્મ આરાધનામાં જોડાતાં હોય છે પરંતુ પરમાત્માએ બહારના દેખાતાં શરીરની સાથે ને સાથે જોડાએલાં કાર્મણ શરીર અને તેજસ શરીરની પણ વાત કરી છે. આજ સુધી આપણે માત્ર સ્થૂલ દ્રષ્ટિથી અને બાહ્ય શરીરથી જ પ્રભુને જાણતાં અને માણતાં રહ્યાં છીએ પરંતુ પ્રભુની એનર્જીક બોડીની પારાવાર ક્ષમતા વિશે જાણવાનો આપણે ક્યારેય પ્રયત્ન જ નથી કર્યો. પરમાત્મા કહે છે, જેમ જેમ એનર્જીકબોડી પ્યોર થતું જાય છે તેમ તેમ આત્માની સહનશીલતાનો અને ક્ષમતાનો વિકાસ થતો જતો હોય છે.
પ્રભુ અને પ્રભુ ધર્મને માનનારાઓની સહનશીલતાનો દિવસે ને દિવસે વિકાસ થવો જોઈએ જયારે કે, આજે ઘર-ઘરમાં સહનશીલતા દિવસે ને દિવસે ઓછી થઇ રહી છે કેમકે, આજ સુધી આપણે પ્રભુ અને ધર્મના માત્ર બાહ્ય સ્વરૂપને નિહાળતાં રહ્યાં છીએ પરંતુ ક્યારેય ધર્મના અંતરગ રહસ્યોને જાણવાનો પ્રયત્ન જ નથી કર્યો. પ્રભુ કહે છે દરેક વસ્તુંનું, દરેક પરિસ્થિતિનું જયારે ચિંતન કરવામાં આવે છે ત્યારે જ એક વિઝનની પ્રાપ્તિ અને ક્ષમતા-સામર્થ્યનું પ્રાગટ્ય થતું હોય છે.
પોતાની એનર્જીકબોડીને પ્યોરકરનારી જગતની કોઇપણ વ્યક્તિ પોતાની શ્રેષ્ઠતાનું પ્રાગટ્ય કરી શકતી હોય છે. શ્રેષ્ઠતા કોઇ એક વ્યક્તિની મોનોપોલી ક્યારેય પણ નથી હોતી માટે જ પોતાની સેલ્ફનેકદી નાની ન સમજીને એનર્જીકબોડીને પ્યોર કરીને શ્રેષ્ઠતાનું પ્રાગટ્ય કરવામાટે સહુએ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
આ અવસરે ડો. પૂજ્ય અમીતાબાઈ મહાસતીજીએ સુંદર ભાવોને અભિવ્યક્ત કરીને પ્રવચન આપ્યું હતું. આ અવસરે મુંબઈ ઘાટકોપર સંઘનાં મુકેશભાઈ કામદાર, રોયલ પાર્ક સંઘનાં પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠ, સદર સંઘનાં મધુભાઈ શાહ, ગોંડલ રોડ વેસ્ટ સંઘનાં કિરીટભાઈ શેઠ, મહાવીર નગર સંઘનાં પ્રતાપભાઈ વોરા, ઉવસગ્ગહરં સાધના ભવનનાં સુશીલભાઈ ગોડા, સુજીતભાઈ ઉદાણી, મુંબઈ પરસધામના જીગરભાઈ શેઠ સહીત વિશાળ સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમનું સુંદર સંચાલન મનોજભાઈ ડેલીવાળાએ કર્યું. રાજકોટ મોટા સંઘ સંચાલિત જંકશન પ્લોટના યુવક મંડળ, મહિલા મંડળ તથા સંઘનાં અગ્રણીઓ વસંતભાઈ કામદાર, ભીખુભાઈ ભરવાડા, રાજુભાઈ મોદી, રૂષભભાઈ વખારીયા અને અનેક કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહેનત કરેલ. નવકારશીની વ્યવસ્થા સંઘ દ્વારા રાખવામાં આવી હતી.