ધારીના ગીરકાંઠાના ગામોમાં ધોધમાર 2 ઈંચ વરસાદ પડ્યો હતો. ગીરકાંઠાના દલખાણીયા, ચાંચય અને પાણીયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ગીરકાંઠાના વિસ્તારોમાંથી નીકળતી શેત્રુંજી નદીમાં પહેલીવાર પૂર આવે તેવી શક્યતા છે. વરસાદ પડવાથી ખોડિયાર ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે.
બીજી તરફ ગીરસોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં બપોર બાદ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. જમાલપરા, ગુંદાળા, સેમળિયા અને રાયડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. આમ ગીરના કાંઠા વિસ્તારોમાં મેઘમહેર થતાં લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી.
ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડાના પ્રાચી, ટિંબડી અને પાણીકોઠામાં ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ તરફ જૂનાગઢમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે.