જાહેરનામા ભંગના ગુનામાં મુદામાલ કબ્જે કરવાની જોગવાઇ નથી તેમ છતાં પોલીસે તમાકુ, ગુટખા અને સોપારીનો જથ્થો કબ્જે કર્યો!
મુદામાલ પાવતી બનાવ્યા વિના જ કબ્જે કરાયેલો તમાકુ અને ગુટખાનો જથ્થો પંચનામું કરી વેપારીને પરત સોંપાયાનો પોલીસનો બચાવ
‘અમે તમાકુ, ગુટકા અને સોપારી કબ્જે કર્યા જ નથી’તમામ પીઆઇનો એક જ સુર
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોક ડાઉનના જાહેરનામામાં પાન, ફાકી અને ગુટખાના વેચાણ પર પ્રતિબંધ લાધવામાં આવ્યો છે. આમ છતાં કેટલાક વેપારીઓ છાને ખૂણે તમાકુ, સોપારી અને ગુટખાનું વેચાણ કરી જાહેરનામાનો ભંગ કરતા પકડાયા છે. પોલીસે વેપારી પાસેથી તમાકુ, સોપારીનો મોટો જથ્થો કબ્જે કરે છે. પરંતુ ખરેખર તે કાયદાની જોગવાય મુજબ કાર્યવાહીથી કબ્જે થયુ ન હોવાનું બહાર આવતા ‘અબતક’ દ્વારા શહેરના તમામ પોલીસ મથકના પી.આઇ.નો આ અંગે સપર્ંક કરી તમાકુ અને સોપારી કંઇ જોગવાય મુજબ કબ્જે કર્યા તે અંગે પૂછવામાં આવતા તેઓએ તમાકુ કે ગુટખા કબ્જે ન કર્યાનું જણાવ્યું છે.
તમાકુ કે ગુટખા ખાવા સામે પોલીસનું પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ હોવા અંગેની ખોટી અફવા ઉભી કરી અનેકને ગેર માર્ગે દોરવામાં આવી રહ્યા છે. ત્યારે જાહેરનામા ભંગના કેસમાં શહેર પોલીસે દ્વારા તમાકુ, ગુટખા અને સોપારી કબ્જે કર્યા છે તે કાયદાની જોગવાય મુજબ ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. જાહેરનામા ભંગમાં ૧૮૮, ૧૩૫ અથવા ૨૬૯ મુજબ ગુના નોંધવામાં આવે છે અને તેઓનું વાહન કબ્જે કરવામાં આવે છે તેનો મેમો આપવામાં આવે છે પરંતુ તમાકુ, ગટુકા કે સોપારી કબ્જે કરવાની કાયદામાં જોગવાય નથી તેમ છતાં કબ્જે કરવામાં આવતું હોવાથી તેની મુદામાલ પાવતી બનાવવામાં આવતી ન હોવાનું એક જાણીતા ધારાશાસ્ત્રીએ જણાવ્યું છે.
વાહન પણ એમવીએકટ મુજબ ડીટેઇન કરવામાં આવે છે અને જાહેરનામા ભંગ હેઠળ કોઇ મુદામાલ કબ્જે કરવાનો ન હોવા છતાં પોલીસ તૈયાર ફાકી, સોપારી અને તમાકુનો જથ્થો કબ્જે કરે છે તે કાયદાની જોગવાય મુજબ ન હોવાનું ગણાવ્યું છે. તમાકુ કે સોપારી કબ્જે કરે તો તેની મુદામાલ પાવતી બનાવવી પડે અને કોર્ટના આદેશ મુજબ તે પરત કરવાની જોગવાય હોય છે. પોલીસ દ્વારા તમાકુ કે સોપારી કબ્જે કરવામાં આવે છે પરંતુ કાયદાની જોગવાયનું પાલન ન થતું હોવાથી મુદામાલ કયાં ગયો તેવો પણ સવાલ થઇ રહ્યો છે.
બીજી તરફ જાહેરનામા ભંગમાં તમાકુ કે સોપારી કબ્જે કર્યા હોય અને તપાસનીશ અધિકારીને મુદામાલ કોર્ટમાં રજુ કરવાનો ન હોય તેવા કેસમાં પંચનામું કરી જે તે વેપારીને પરત સોપી દેવાનો હોય છે આ રીતે પણ પોલીસ દ્વારા તમાકુ કે સોપારી પરત આપવામાં આવતા ન હોય તેવું જાણકારો કહી રહ્યા છે.
આ અંગે શહેરના તમામ પોલીસ મથકના પી.આઇ.ને તમાકુ કે સોપારી કબ્જે કર્યા ‘અબતક’ દ્વારા ટેલિફોનિક વિગતો મેળવવા પ્રયાસ કરાયો ત્યારે તમામ પોલીસ મથકના ઇન્સ્પેકટર દ્વારા તમાકુ કે ગુટકા કબ્જે કર્યાનો ઇન્કાર કયો છે પરંતુ કોઇ કેસમાં કબ્જે કરાયા હોય ત્યારે પંચનામું કરી વેપારીને પરત સોપી દેવામાં આવ્યાનું કહ્યં હતું. તાજેતરમાં જ શહેરના સામાકાંઠા વિસ્તારના વેપારી અને એસ્ટ્રોન સિનેમા પાસેથી વેપારી પાસેથી તમાકુ અને સિગારેટનો મોટ જથ્થો પકડી વેપારીને પોલીસ મથકે લઇ જવાયા બાદ ગમે તે કારણોસર ભીનું સંકેલી લેવામાં આવ્યાનું સામે આવ્યું છે.
કોર્પોરેશનની ટીમ દ્વારા તમાકુ અને સિગારેટના વેચાણ કરતા વેપારીઓને ભીસમાં લઇ કાયદો બતવી પોતાની મનમાની કરાવતા હતા તેવા સમયે લોક ડાઉનના જાહેરનામાનો કાયદો બતાવી પોલીસ દ્વારા તમાકુ અને સિગારેટ કબ્જે કરવાના બહાને વેપારઓને એન કેન પ્રકારે ભીસમાં લેવાનો પ્રયાસ કરતા બે તંત્ર વચ્ચે ચાલતી હરિફાઇમાં તમાકુ અને સિગારેટના વેપારીઓ વિના કારણે લાખોનો મુદામાલ ગુમાવ્યો છે.
રાજકોટ રૂરલના બે પોલીસ મથકમાં કાયદાની અલગ અલગ જોગવાઇ?
લોક ડાઉનના જાહેરનામાનો અમલ કરાવવાના ઓઢા તળે પોલીસ દ્વારા તમાકુ અને સિગારેટના વેપારીઓને બરોબર ભીસમાં લીધા છે. રાજકોટ રૂરલ પોલીસ મથકના પડધરી અને શાપર પોલીસ મથકમાં જાહેરનામાનું કાયદાની અલગ અલગ જોગવાય જોવા મળી છે. શાપર પોલીસે જીઆરડીના જવાને સોપારીના બે કોથળા સાથે જાહેરનામા ભંગ હેઠળ ધરપકડ કરી આઇ-૨૦ કાર કબ્જે કરી હતી. કારમાં મોબાઇલ અને સોપારી હોવાનો ઉલેખ કરવામાં આવ્યો છે. અને કાયદાનું પુરેપુરૂ પાલન કરાવવામાં આવ્યું છે. જ્યારે પડધરી પોલીસે તમાકુ અને સોપારીના જથ્થા અંગે બે સ્થળે દરોડા પાડયા છે. જેમાં એક કેસમાં તમાકુ અને સોપારીનો અડધો જથ્થો વેપારીને પરત સોપી દીધો છે. અને બીજા એક કેસમાં મોટો જથ્થો ક્બ્જે કર્યો પણ તેની અમુક રકમ વેપારીને કેસ ન કર્યાનું અહેસાન કર્યાનું જણાવી જવા દીધા હતા.
ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાન-માવાને કેન્દ્રની છુટ: રાજ્ય સરકાર હવે નક્કી કરશે
દેશના ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાન-માવાની દુકાનો ખોલવા કેન્દ્રએ છુટ જાહેર કરી દીધી છે. જો કે, કેન્દ્રએ આપેલી આ છુટનો કેટલો લાભ લેવો તે રાજ્ય સરકાર પોતાની રીતે નકકી કરી શકે છે. આ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા આજે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવનાર છે. જેમાં રાજયના રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં કેટલી છુટછાટ આપવી તે અંગેનો સચ્ચોટપૂર્વક નિર્ણય લેવામાં આવશે. બાદમાં આવતીકાલ સુધીમાં તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ગઈકાલે જાહેરનામુ પ્રસિધ્ધ કરીને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાઓમાં શું-શું ખુલ્લુ રાખી શકાશે અને શું-શું બંધ રાખવાનું છે તે અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ જાહેરાતથી હજુ ઘણી અસમંજસની સ્થિતિ ફેલાઈ રહી છે. આ અંગે પીએમઓ સચિવ અશ્ર્વિનીકુમારે પણ જણાવ્યું છે કે, રાજ્યમાં ત્રણેય ઝોનમાં શું-શું ચાલુ રાખવું અને બંધ રાખવું તેની આજે સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે જેમાં નિર્ણય લીધા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
જાહેરનામામાં શું જોગવાઇ છે?
લોક ડાઉનનો અમલ કરાવવા માટે પોલીસ દ્વારા જાહેરનામા ભંગનો કેસ કરવામાં આવે છે જેમા કલમ ૧૮૮, ૧૩૫ અને આઇપીસી ૨૬૯ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. ૧૮૮ની જોગવાયમાં રાજય સેવક કાયદેસર રીતે, જાહેર કરેલા હુકમની અવગણા, જો એવી અવગણા કાયદેસર રીતે કામ કરનાર વ્યક્તિને અડચણ, ત્રાસ કે ઇજા પહોચાડે તો લાગુ પડે છે. તેની શિક્ષા એક માસ સુધીની સાદી કેદ અથવા રૂા૨૦૦નો દંડ અથવા બંને થઇ શકે છે. આ રીતે જ ૧૩૫માં પણ જોગવાય કરવામાં આવી છે. જ્યારે આઇપીસી કલમ ૨૬૯માં જીવનને જોખમ કારક રોગનો ચેપ જેનાથી ફેલાવવા સંભવ હોય તેવું કૃત્ય બેદરકારીથી કરે ત્યારે લાગુ પડે છે. જેની શિક્ષા છ માસ સુધીની કેદ અથવા દંડ કે બંને થઇ શકે છે.