ખેડા જિલ્લામાંથી ટામેટાની પુષ્કળ આવકથી પ્રતિ કિલોનાં રૂ.15: ગુવાર-ભીંડાની લોકલ આવક શરૂ થતા ભાવો ઘટશે; જયારે લીંબુનો વપરાશ વધુ હોવાથી ભાવો વધ્યા
ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે.ત્યારે રાજકોટ શાકભાજી યાર્ડમાં ગુવાર-ભીંડો-લીંબુ, કોથમીર સહિતના શાકભાજીનાં ભાવો ઉંચકાયા છે. જયારે ટમેટાની બહારથી પુષ્કળ આવક થઈ રહી હોય જેથી ભાવો નીચા જોવા મળી રહ્યા છે.
રાજકોટ શાકભાજી યાર્ડ ખાતેથી મળેલી વિગતો મુજબ ઉનાળાના પ્રારંભે, અમુક શાકભાજીનાં ભાવો વધારે તો અમુકનાં ભાવો નીચા જોવા મળી રહ્યા છે.જેમાં ગુવાર-ભીંડો, લીંબુ વગેરેનાં ભાવો વધ્યા છે. આ શાકભાજી ખૂલ્લા બજારમાં રૂ.70 થી 80માં પ્રતિકિલો લેખે મળી રહ્યું છે. આ ઉપરાંત કોબીજ, રીંગણા, દુધી વગેરેની સીઝન ચાલુ હોય તેના ભાવો ઓછા છે. શિયાળુ શાકભાજીમાં વાલ-વટાણાની આવક હજુ થઈ રહી છે. વાલ-વટાણા વગેરે બહારનાં રાજયોમાંથી રાજકોટ શાકભાજી યાર્ડમાં ઠલવાઈ રહ્યા છે. ભુવાર, ભીંડો વગેરે બહારથી આવતું હોય જેથી મોંઘુ છે. જો કે ટુંક સમયમાંલોકલ આવક શરૂ થતાં ભાવો ઘટે તેવી શકયતા છે.
ટમેટાની વાત કરીએ તો હાલ ખેડા જિલ્લામાંથી ટમેટા પુષ્પળ આવી રહ્યા છે. અને રાજકોટ યાર્ડમાંથી નાના-મોટા શહેરો, ગામડામાં પહોચી રહ્યા છે. ટમેટાની રોજ અંદાજે 5000 કેરેટની આવક થઈ રહી છે. જોકે ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવો મળવાની સાથે ગૃહિણીઓને પણ રૂ.10 થી 15 પ્રતિકિલો લેખે ટમેટા મળી રહ્યા છે. આમ આગામી માસમાં મોટાભાગનાં શાકભાજીનાં ભાવો વધે તેવી શકયતા છે.
પાણીની અછતથી વાવેતર ઘટતા શાકભાજીની આવક ઓછી: ડી.કે. સખીયા
રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ઉનાળાનાં હિસાબે પાણીની અછતથી શાકભાજીનાં વાવેતર ઘટયા છે. જેથી પ્રમાણમાં આવક ઓછી જોવા મળી રહી છે. ગુવાર-ભીંડો-લીંબુ વગેરેના ભાવો વધુ છે. જયારે ટમેટા બહારથી પુષ્કળ આવી રહ્યા હોય જેથી ભાવો નીચા છે. વટાણાની પણ હજુ બહારથી આવક ચાલુ છે. દર વર્ષ મુજબ લીંબુના ભાવો આ સમયગાળામાં ઉંચકાય છે. ત્યારે હાલ લીંબુ ભાવો વધ્યા છે. આગામી ભરપૂર ઉનાળામાં મોટાભાગના શાકભાજીના ભાવો ઉંચકાય તેવી શકયતા છે.
ટમેટાની હજુ બે મહિના સીઝન ચાલશે: ખેડુત
‘અબતક’ સાથેની વાતચીતમાં ખેડુત કાંતીભાઈએ જણાવ્યું હતુ કે હાલ ખેડા જિલ્લામાંથી ટમેટાની પુષ્કળ આવક થઈ રહી છે. ખેડુતોને સારા ભાવ મળવાની સાથે બજારમાં રૂ.15 લેખે પ્રતિકિલો મળી રહ્યા છે. ચાલુ વર્ષે શિયાળુ શાકભાજીની આવક મોડી શરૂ થતા હજુ ટમેટા આવી રહ્યા છે અને હજુ આગામી બે મહિના ટમેટાની સીઝન શરૂ થશે. રાજકોટ યાર્ડમાં આસપાસ નાના-મોટા શહેરો ગામડાઓમાં પણ ટમેટા મોકલાઈ રહ્યા છે.