૧૦૦ એકર જમીન ફાળવાઇ: બે વર્ષમાં યુનિવર્સિટી ખસેડાશે
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની સ્થાપનાના ૧૦ વર્ષ પછી આખરે સરકાર દ્વારા યુનિવર્સિટીને પુરતી અને જરૂરી જમીન ફાળવી આપવામાં આવી છે. તાજેતરમાં સરકારે ગાંધીનગરના લેકાવાડા પાસે એકસાથે ૧૦૦ એકર જમીન આપવાની ઓફર કરવામાં આવી હતી. જેને યુનિવર્સિટીએ સ્વીકારી લીધી છે. આગામી દિવસોમાં આ જમીન યુનિવર્સિટીને સુપ્રત કરી દેવામાં આવશે. આમ, છેલ્લા ૧૦ વર્ષથી ચાલતી યુનિવર્સિટીની માંગણીનો આખરે અંત આવ્યો છે.
રાજયની એકમાત્ર ટેકનોલોજીકલ યુનિવર્સિટીની રચના કર્યા બાદ જરૂરયાત પુરતી એટલે કે ૧૩૦ એકર જેટલી જમીન ન મળવાના કારણે છેલ્લા કેટલાય સમયથી ભારે મુશ્કેલીઓ ઉભી થઇ રહી હતી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન (યુજીસી)ની ગ્રાન્ટ મળવાથી લઇને અધ્યાપકોને સ્કોલરશીપ અથવા તો જુદા જુદા પ્રોજેક્ટો માટે મળતી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતી નહોતી. યુનિવર્સિટીની માન્યતા માટે ૧૨-બી સર્ટિફિકેટ જ ન હોવાના કારણે યુનિવર્સિટીની અનેક પ્રકારની કાર્યપદ્ધતિને પણ માન્યતા મળતી નહોતી. યુનિવર્સિટીની સ્થાપના ના ૧૦ વર્ષ પછી પણ પુરતી જમીન ન હોવાના કારણે અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થયા હતા. નવા કુલપતિ તરીકે ડો.નવીનચંદ્ર શેઠે ચાર્જ સંભાળ્યા બાદ જમીનના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. જેના કારણે થોડા સમય પહેલા જ ચાંદખેડાની વિશ્વકર્મા કોલેજનું કેમ્પસ યુનિવર્સિટી સાથે જોડીને કુલ ૫૧ એકર જમીન આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત ચાર ઝોનમાં ૨૫-૨૫ એકર જમીન આપીને કુલ ૧૫૦ એકર જમીન પુરી કરવાની પણ દરખાસ્ત સરકાર દ્વારા કરવામાં આવી હતી. સરકારની આ દરખાસ્તને જીટીયુ દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી. પરંતુ જો અેક જ સાથે જમીન મળે તે માટેની માંગણી પણ ચાલુ રાખવામાં આવી હતી. જેના અનુસંધાનમાં ગાંધીનગરના લેકાવાડા વિસ્તારમાં ૧૦૦ એકર જમીન એકસાથે આપવાની તૈયારી સરકારે દર્શાવી હતી. જેને યુનિવર્સિટીના કુલપતિએ સ્વીકારી લીધી હતી. હાલ યુનિવર્સિટીએ જમીન સ્વીકારી લેવાની મંજૂરી આપી દીધી છે. આગામી દિવસોમાં આ જમીન અંગેના કાયદાદીય દસ્તાવેજો જીટીયુને સોંપી દેવામાં આવશે. ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા આ જમીન બાંધકામ શરૂ કરવામાં આવશે. અંદાજે દોઢથી બે વર્ષમાં યુનિવર્સિટીનું નવું બિલ્ડિંગ લેકાવાડામાં ઊભું કરવામાં આવશે.
લેકાવાડામાં ૧૦૦ એકર જમીનમાં યુનિવર્સિટીનું સત્તાવાર બિલ્ડિંગ ઊભું થયા બાદ સમગ્ર યુનિવર્સિટી લેકાવાડામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો કે, રાજ્યભરના વિદ્યાર્થીઓ જીટીયુમાં આવતાં હોવાથી તેમને મુશ્કેલી ન પડે તે માટે તમામ વહીવટી ઓફિસ હાલના ચાંદખેડા કેમ્પસમાં યથાવત રાખવામાં આવશે. માત્ર યુનિવર્સિટી દ્વારા ચાલુ કરવામાં આવનારા નવા કોર્સના બિલ્ડિંગ નવા કેમ્પસમાં શરૂ કરાશે.