ટેકનોલોજી તેમજ એન્જિનીયરીંગ ક્ષેત્રે જોડાયેલા રાજયભરના વિદ્યાર્થીઓ એક જ મંચ પર: ૫૦થી વધુ સ્પર્ધાઓમાં કરશે કૌશલ્ય પ્રદર્શન
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના જીટીયુ ઝોનલ ટેક ફેસ્ટ-૨૦૧૯ માટે વીવીપી ઈજનેરી કોલેજની પસંદગી કરવામાં આવી છે. આજ અને કાલ એમ બે દિવસ ચાલનારા ટેક ફેસ્ટમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની સંલગ્ન કોલેજ તેમજ અન્ય યુનિવર્સિટીના તેમજ રાજયકક્ષાના વિદ્યાર્થીઓ એક જ મંચ પર એકત્રીત થઈ પોતાના કૌશલ્યને ખીલવી રહ્યાં છે. ટેક ફેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને તકનીકી ક્ષમતા બહાર આવે તેવા હેતુથી ૫૦થી પણ વધુ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોબોટીકસ તેમજ વોલ કલાઈમ્બીંગ, ઈલેકટ્રોનીક ઉપકરણો જેવા મુખ્ય આકર્ષણો રાખવામાં આવ્યા છે.
જીટીયુના કુલપતિ નવીનભાઈ શેઠે જણાવ્યું હતું કે, ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી નવા વિચારો અને ક્રિએટીવીટીને પ્રોત્સાહન આપતી ઈવેન્ટો કરવામાં આગવુ સ્થાન ધરાવે છે. હાલ જે ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પાંચ ઝોનમાં વિસ્તૃત કરવામાં આવ્યું છે. જયાં વિદ્યાર્થીઓને પોતાની આવડત માટે તમામ માધ્યમો માટે પ્લેટફોર્મ મળી રહે માટે પોતાના વિચારો રજૂ કરવાનું મંચ પ્રદાન થશે.
આચાર્ય જયેશ દેશકરે જણાવ્યું હતું કે, વીવીપી ઈજનેરી કોલેજમાં સૌરાષ્ટ્ર ઝોનની ડિગ્રી એન્જીનીયરીંગ કોલેજ અને એમ.બી.એ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જેમાં ૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ બે દિવસીય આયોજનમાં પોતાની બુદ્ધિમતા અને ટેકનો ક્ષેત્રે આવડતનું પ્રદર્શન કરનાર છે.
ઈલેકટ્રોનીકસ અને કોમ્યુનિકેશન વિભાગમાં અભ્યાસ કરતા ઉદીત સોમૈયાએ જણાવ્યું હતું કે, તેમણે પોતાના પ્રોજેકટમાં કંડકટર લુપ તૈયાર કર્યો છે. જેમાં એક સળીની અંદર પાસ કરીને લુપ ટચ કરે તો બીજા પાર્ટીસીપેટને ઝટકો લાગે છે. જેમાં ત્રણ રાઉન્ડ રાખવામાં આવ્યા છે. આ પ્રોજેકટ બનાવવામાં સાત દિવસ લાગ્યા. વીવીપીની છાત્રા નકુલ ઉપાસનીએ જણાવ્યું કે, તેમણે સર્કીટ રીસ્ક બનાવી છે.
જેમાં વીવીધ રાઉન્ડ રાખવામાં આવે છે તે મુજબ એમસીકયુ, બીજા રાઉન્ડમાં પ્રશ્નો અને ત્રીજા રાઉન્ડમાં ડાયગ્રામ બનાવવાનો હોય છે. એક ઈલેકટ્રોનીક અને બીજુ કોમ્યુનિકેશન આ બન્નેના ઉપયોગથી સમગ્ર પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે જે ભવિષ્યમાં ડિફેન્સ તેમજ ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે ઉપયોગી બને.