1 કલાક બાદ વિધાર્થી પેપર આપી જઈ શકશે: એક કલાક બાદ વિદ્યાર્થીઓને જવું હોય તો પ્રશ્નપત્ર વગર જવા દેવામાં
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે પરીક્ષા શરૂ થયાના એક કલાક બાદ વિદ્યાર્થી ઈચ્છે તો ક્લાસરૂમ અને સેન્ટરની બહાર નીકળી શકશે. કોલેજોની અનેકવાર રજૂઆત બાદ નિયમોમાં ફેરફાર કરાયો છે. મહત્વનું છે કે અગાઉ પેપર પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે અઢી કલાક સુધી બેસવું પડતું હતું.
ગુજરાતની ટેકનિકલ કોલેજોના આધ્યાપકોના મંડળે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને રજૂઆત કરી હતી કે એમસીક્યુ અને થીયરી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી વારંવાર વહેલા જવા દેવા માટે તકરાર કરતા હોય છે. જેથી પરીક્ષા શરૂ થયાના એક કલાક બાદ વિદ્યાર્થીઓને જવું હોય તો પ્રશ્નપત્ર વગર જવા દેવામાં આવે.
કોલેજોના આધ્યાપકોના મંડળની રજૂઆતને જીટીયુ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને લઈને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જીટીયુ દ્વારા આ મામલે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
ચાલુ વર્ષથી જ લાગુ થશે આ નિયમ
આ નિયમો યુનિવર્સિટી દ્વારા દર વર્ષે લેવાતી થીયરીકલ પરીક્ષા અને એમસીક્યુ પરીક્ષાઓમાં લાગુ પડશે. સાથે જ આ નિયમ વર્તમાન વર્ષની હાલની સેમેસ્ટર પરીક્ષાઓથી જ લાગુ પડી જશે.