પુન: અપ્રાપ્ત ખનીજ સ્ત્રોતોનો વપરાશ મહદઅંશે થાય, આગામી ભાવિ પેઢી માટે સૌર ઉર્જા અને વૈકલ્પિક ઉર્જાનો વપરાશ વધારવા માટે આ પ્રકારના ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ખૂબ જ ઉપયોગી નિવડશે: પ્રો. ડો. નવીન શેઠ
ર યુનિટ લાઇટ બિલના ખર્ચમાં ૮૦ કિ.મી. સુધીની મુસાફરી કરી શકાય છે, જે ૦.૨૫ પૈસા-કિ.મી. ની એવરેજ આપે છે
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદના વિઘાર્થીઓએ પોતાની આગવી સુઝબુઝ અને આવડતથી એક નવીનતમ રચનાત્મક કાર્ય કર્યુ છે. પેટ્રોલ બાઇકના ક્ધવર્ઝન કિટનો ઉપયોગ કરીને ઇલેકટ્રીક બાઇકમાં તબદીલ કરીને અનેરી સિઘ્ધિ હાંસલ કરી છે
સમગ્ર વિશ્વમાં પુન:અપ્રાપ્ય ખનીજ સ્ત્રોતોના વપરાશમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. જેના કારણે આગામી પેઢી માટે પુન: અપ્રાપ્ય ખનીજ સ્ત્રોતના વપરાશનો વૈકલ્પીક સ્ત્રોત મેળવવો ખૂબ જ આવશ્યક છે. સૌરઉર્જા જેવા પુન:પ્રાપ્ય અને અન્ય વૈકલ્પિક સ્ત્રોતનો વપરાશ સમગ્ર માનવસૃષ્ટીના જીવનચક્ર માટે પણ ફાયદાકારક છે. આ હેતુસર , ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જીએસએમએસ) ખાતે ઈનોવેશન એન્ટરપ્રિન્યોરશિપમાં અભ્યાસ કરતાં અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયા નામના વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઈકમાં ક્ધવર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કર્યું છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, પુન:અપ્રાપ્ય ખનીજ સ્ત્રોતોનો વપરાશ મહદઅંશે થાય. આગામી ભાવી પેઢી માટે સૌરઉર્જા અને વૈકલ્પિક ઉર્જાનો વપરાશ વધારવા માટે આ પ્રકારના ઈનોવેશન અને સ્ટાર્ટઅપ ખૂબ જ ઉપયોગી નિવડશે. જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેર અને જીએસએમએસના ડાયરેક્ટર ડો. પંકજરાય પટેલે વિદ્યાર્થીઓને સંશોધન બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
એર્કી મોટર્સના સ્ટાર્ટઅપકર્તા અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયાએ જણાવ્યું હતું કે, જનસામન્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને અમે પેટ્રોલ બાઈકમાં ક્ધવર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કર્યું છે. છેલ્લા ૬ વર્ષથી અમારા દ્વારા રીસર્ચ કરવામાં આવી રહ્યું હતું, જે આટલાં વર્ષો બાદ સફળ થયું છે. દરેક વ્યક્તિને આર્થિક રીતે પરવડી શકે અને પ્રદૂષણ રહીત આ ઈલેક્ટ્રીક બાઈકનું રૂપાંતરણ કોઈ પણ પેટ્રોલ બાઈકમાંથી ૩ કે ૪ દિવસના સમયમાં ૧૫ થી ૨૦ હજારના ખર્ચમાં કરાવી શકાય છે. જેમાં ૪ લેડએસિડ અને લિથિયમની ૨ કુલ મળીને ૬ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૯૦ મીનીટના સમયગાળામાં ફૂલ ચાર્જીંગ કરેલ બેટરીથી ૦.૨૫ પૈસા / કિમીની એવરેઝથી ૮૦ કિમી સુધીની મુસાફરી કરી શકાય છે. જેનો ખર્ચ માત્ર ૨ યુનિટ લાઈટ બિલના ૧૨ થી ૨૦ રૂપિયા જેટલો થાય છે. આ બેટરી ૨૦૦૦ વખત ચાર્જીંગ કરી શકાય છે. વધુમાં જણાવતાં તેઓએ કહ્યું હતું કે, પેટ્રોલથી સંચાલિત બાઈકમાં પ્રતિ કિમી ૫૦૦ ગ્રામ કાર્બન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડનું ઉત્સર્જન થતું હોય છે. જ્યારે ૧૦ થી ૧૨ ડેસીબલની માત્રામાં ધ્વની પ્રદૂષણ ફેલાય છે. જ્યારે ઈલેક્ટ્રીક ક્ધવર્ઝન બાઈકમાં હવાનું પ્રદૂષણ થતું નથી , માત્ર ૩ થી ૬ ડેસીબલની માત્રામાં જ અવાજ થતો હોવાથી ૭૦% થી પણ ઓછી માત્રામાં ધ્વની પ્રદૂષણ થતું જોવા મળે છે. કેટલાક ઉપકરણોનો વપરાશ ના હોવાને કારણે બાઈકમાંથી તેને દૂર કરવામાં આવે છે. પરતું બાઈકનું બેલેન્સ પણ જળવાઈ રહે તે હેતુસર , તેનું વજન અન્ય બાઈકની સમકક્ષ જ ૧૦૦ થી ૧૫૦ કિલોગ્રામ રાખવામાં આવે છે. ગેરલેસ ઈલેક્ટ્રીક બાઈક ૬૦ થી ૧૨૦ કિમી / કલાકની ઝડપ ધરાવે છે. આગામી સમયમાં ટ્રેક્ટર , રીક્ષા , ઈલેક્ટ્રીક સાઈકલ અને કાર પણ વિકસાવવા માટેના રીસર્ચ ચાલુ છે. હાલની તારીખમાં દરેક ઓટોમોબાઈલ્સ કંપનીની તમામ પ્રકારની બાઈકની ક્ધવર્ઝન ડિઝાઈન તૈયાર કરવામાં આવેલ છે.