જીટીયુ દરેક ક્ષેત્રમાં સમાજ ઉપયોગી કાર્યો કરવામાં અગ્રેસર રહ્યું છે: રાષ્ટ્રપતિના હસ્તે જીટીયુ એનએસએસની સ્વયંસેવક વિદ્યાર્થીનીને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ આપીને સન્માનવામાં આવ્યા છે જે સમગ્ર જીટીયુ પરિવાર માટે ગૌરવની વાત છે: પ્રો. ડો. નવીન શેઠ

રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ટેક્નોલોજીકલ શિક્ષણની સાથે-સાથે રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) અંતર્ગત પણ સમાજ ઉત્થાનના તમામ પ્રકારના કાર્યો કરવામાં  આવે છે. મીનીસ્ટ્રીઝ ઑફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા દર વર્ષે 24 સપ્ટેમ્બરના રોજ એનએસએસ દિવસની ઉજવણી પ્રસંગે ઉચ્ચતમ રાષ્ટ્રીય એનએસએસ પુરસ્કાર જાહેર કરવામાં આવે છે. વર્ષ 2019-20 માટે જીટીયુની સ્વયંસેવક વિદ્યાર્થીની ઝંખના જોષીએ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉચ્ચતમ રાષ્ટ્રીય એનએસએસ પુરસ્કાર મેળવ્યો છે.

શ્રેષ્ઠ એનએસએસ સ્વયંસેવકની કેટેગરીમાં રાષ્ટ્રીય પુરસ્કર મેળવનાર જીટીયુ ગુજરાતની એક માત્ર યુનિવર્સિટી છે, 11000થી પણ વધુ એનએસએસ સ્વયંસેવકો ધરાવતી જીટીયુ નીતનવા સમાજ ઉપયોગી કાર્યો કરીને દેશસેવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન પૂરું પાડે છે. જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે આ સંદર્ભે જણાવ્યું હતું કે, જીટીયુ દરેક ક્ષેત્રમાં સમાજ ઉપયોગી કાર્યો કરવામાં અગ્રેસર રહી છે. રાષ્ટ્રપતિના હસ્તે જીટીયુ એનએસએસની સ્વયંસેવક વિદ્યાર્થીનીને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ આપીને સન્માનવામાં આવ્યા છે. જે સમગ્ર જીટીયુ પરિવાર માટે ગૌરવની વાત છે.

જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેરે એવોર્ડ વિજેતા ઝંખના જોષી, જીટીયુ એનએસએસ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડો. અલ્પેશ દાફડા અને મિથિલા પટેલને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં. જીટીયુ સંલગ્ન વિશ્વકર્મા એન્જિનિયરીંગ કોલેજની વિદ્યાર્થીની ઝંખના જોષી દ્વારા વણવપરાંતા કપડાં, રમકડાં અને પુસ્તકો એકત્ર કરીને જરૂરીયાતમંદ સુધી પહોંચાડીને સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત ધિસ સમર ફોર બર્ડ પ્રોગ્રામ અંતર્ગત ઉનાળાના સમયમાં પક્ષીઓ માટે ઝાડ પર માળા અને પીવાના પાણી માટેના કુંડા બહોળી સંખ્યામાં ઝાડ પર લગાવાનું અભિયાન હાથ ધર્યું  હતું.

પર્યાવરણ અંતર્ગત પ્લાસ્ટીક ફ્રી માટે કાપડની થેલીનું વિતરણ, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ટોયલેટ નિર્માણ,  જળ સિંચાઈ અને ભૂગર્ભ જળને ઉપર લાવવા માટે પણ અનેક પ્રકારે ઝંખના જોષી દ્વારા જન જાગૃતિ માટેના સેમીનાર્સ યોજીને સમાજ ઉત્થાન માટેના કાર્યો કરવામાં આવ્યા છે. મીનીસ્ટ્રીઝ ઑફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા તેમના આ યોગદાનને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પુરસ્કાર આપીને સન્માનવામાં આવ્યા છે. જે બદલ સમગ્ર જીટીયુ પરિવાર આનંદની લાગણી અનુભવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.