લઘુમતી કે મહિલા ઇન્સ્ટીટ્યુટ હોય તો તેની પાસેથી 5 લાખ, આ સિવાયની સંસ્થાઓ પાસેથી 10 લાખ રૂપિયા લેવામાં આવશે
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એક જ કેમ્પસમાં ચાલતી અલગ-અલગ કોલેજો પાસેથી પણ હવે સિક્યુરિટી ડિપોઝીટ લેવાની જાહેરાત કરી છે. અગાઉ ડિઝાઇનીંગ કોલેજો પાસેથી સિક્યુરિટી ડિપોઝીટ લેવામાં આવતી ન હતી. હવે આવી તમામ કોલેજો પાસેથી પણ આ રકમ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જીટીયુ દ્વારા ડિગ્રી ડિપ્લોમા ઇજનેરી સહિતની કોલેજો પાસેથી એફીલેશન ફી અને એલઆઇસી ઇન્સ્પેક્શન માટે 1 લાખ રૂપિયા ફી લેવામાં આવે છે. આ ઉપરાંત નવી આવનારી કોલેજો પાસેથી 25 હજાર રૂપિયા એફીલેશન ફી લેવામાં આવે છે. હવે યુનિવર્સિટી દ્વારા નવો પરિપત્ર કરીને એક જ કેમ્પસમાં એક કોલેજમાં એક પ્રોગ્રામ ચાલતો હોય અને બીજો પ્રોગ્રામ શરૂ કરે તો અલગથી 25 હજાર રૂપિયા ફી લેવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત યુનિવર્સિટીએ નિર્ધારિત કરેલા સમયમાં અરજી કરવામાં ન આવે તો અલગથી રૂ.25 હજાર દંડ લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ડિઝાઇન કોલેજો પાસેથી સિક્યુરિટી ડિપોઝીટ લેવામાં આવતી ન હતી. હવે આ કોલેજો પાસેથી પણ ડિપોઝીટ લેવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.
યુજી-પીજી ઉપરાંત ડિપ્લોમા અને ડિઝાઇનીંગ એમએસસી આઇટીની કોલેજો પાસેથી પણ રૂ.5 થી 10 લાખ ડિપોઝીટ લેવામાં આવશે. લઘુમતી કે મહિલા ઇન્સ્ટીટ્યુટ હોય તો તેની પાસેથી 5 લાખ અને આ સિવાયની સંસ્થાઓ પાસેથી રૂ.10 લાખ લેવામાં આવશે. છેલ્લા બે વર્ષથી જુદીજુદી યુનિવર્સિટી અને સંસ્થાઓ દ્વારા નવા-નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ નવા કોર્સને ધ્યાને રાખીને યુનિવર્સિટી દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ હવેથી કોલેજોએ અલગથી ડિપોઝીટ આપવાની રહેશે.