આધારકાર્ડની માહિતી આપતા ત્રણ જ દિવસમાં જીએસટી નંબર મેળવી શકાશે
કેન્દ્ર સરકાર દ્વારા ડાયરેકટ અને ઈનડાયરેકટ ટેકસમાં અનેકવિધ પ્રકારનાં ફેરબદલો અને સુધારાઓ કરી રહ્યું છે ત્યારે હવે જીએસટી નંબર મેળવવા માટે આધાર ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. આધારકાર્ડની માહિતી અને તેનું વેરીફીકેશન કરતાની સાથે જ માત્રને માત્ર ૩ દિવસમાં જીએસટી નંબર મળી શકશે. જયારે બીજી તરફ જે કોઈ વ્યકિત આધારકાર્ડની માહિતી નહીં આપે તો તેઓનું જીએસટી માન્ય નહીં ગણાય. ૨૧ ઓગસ્ટથી જ સરકારે જીએસટી નંબર માટે આધારનું વેરીફીકેશન ફરજીયાત કરી આપ્યું છે. હાલ જીએસટી નંબર મેળવવા માટે અરજદારોએ અનેકવિધ દસ્તાવેજી પુરાવાઓ આપવા પડે છે અને ૨૧ દિવસ બાદ તેઓને તેમનો જીએસટી નંબર મળતો હોય છે પરંતુ સરકારે બોગસ લોકોને જીએસટી નંબર લેતા અટકાવવા આધારને ફરજીયાત કરી આપ્યું છે અને પ્રક્રિયામાં પણ સરળ કરી દીધેલી છે.
સરકારનું માનવું છે કે, જે કોઈ આધારકાર્ડ સાથે લીંકઅપ કરાવશે તે ખરા વેપારીઓને જીએસટી નંબર મેળવવા માટે સહેજ પણ તકલીફનો સામનો નહીં કરવો પડે. આધારકાર્ડના ઉપયોગથી જ વ્યવસાય અને ઉધોગોને સરળતા પહોંચશે. કોરોનાના પગલે જીએસટી રજીસ્ટ્રેશન માટે સંલગ્ન અધિકારી અન્ય દસ્તાવેજો માટે અરજદારોને માહિતગાર કરતા હતા ત્યારે હવે જીએસટી નંબર મેળવવાની પ્રક્રિયાને સરકારે ખુબ જ સરળ કરી દીધેલ છે. નવી પ્રક્રિયા માત્રને માત્ર ભારતીય વેપારીઓ માટે જ અમલી બનાવવામાં આવશે. આ પઘ્ધતિમાં કર વસુલાત કરનાર અધિકારી, ટેકસ ડીડકટરનો સમાવેશ કરવામાં નહીં આવે. સરકાર દ્વારા હાલ જે વિકાસલક્ષી પગલાઓ લેવામાં આવી રહ્યા છે તેના પગલે જે સાચા કરદાતાઓ છે તેને પ્રોત્સાહિત કરવામાં આવશે અને અન્ય કે જે બોગસ વ્યવહારો કરતા હોય તેઓને દંડિત પણ કરાશે. જીએસટી નંબર મેળવવા માટે વેપારીઓએ ઘણા લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી. આ પગલાને ધ્યાને લઈ સરકાર દ્વારા તેની કાર્ય પઘ્ધતિને વધુ સરળ કરી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારનાં નાણા મંત્રાલય દ્વારા આવક વેરા વિભાગ અને જીએસટી વિભાગમાં ધરખમ ફેરફારો કરી રહ્યું છે. હાલ કોવિડની પરિસ્થિતિમાં અને તે પહેલાની દેશની આર્થિક સ્થિતિ ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો દેશની આર્થિક પરિસ્થિતિ અત્યંત ડામાડોળ જોવા મળતી હતી પરંતુ સરકાર માટે મુખ્ય આવકનો સ્ત્રોત જીએસટી વિભાગ છે જેથી જીએસટી નંબર લેવા માટે જે લોકોને અથવા તો વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડતો હતો તેમાંથી તેઓને હવે મુકિત આપવામાં આવી છે. માત્રને માત્ર આધારકાર્ડ વેરીફીકેશન દ્વારા જ માત્ર ૩ દિવસમાં જ તમામ પ્રક્રિયાઓ પુરી કરવામાં આવશે અને વ્યાપારીઓને તેમનો જીએસટી નંબર મળી શકશે.