સર્વિસ સેકટર, આયર્ન એન્ડ સ્ટીલ, કોટન ઈન્ડસ્ટ્રીઝ, શીપીંગ સર્વિસ, કેમિકલ ક્ષેત્ર સહિતના વેપારીઓ ઉપર જીએસટી વિભાગની તવાઈ
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ એટલે જીએસટી કાયદાની જોગવાઈ અન્વયે વેપારીઓએ ખરીદ અને વેંચાણના પત્રકો તથા વેરો નિયત કરેલા સમય મર્યાદામાં પોતાનો વેરો ભરવાનો હોતો હોય છે. જેના આધારે વેરાકીય જવાબદારી નિભાવવી સમય મર્યાદામાં વેરાની ચૂકવણી કરવામાં આવતી હોય છે પરંતુ છેલ્લા ત્રણ થી ચાર માસ દરમિયાન અનેકવિધ વેપારીઓએ તેમના પત્રકો જેવા કે, જીએસટીઆર–૩બી તથા જીએસટીઆર–૧ નિયમીત સમયમાં રજૂ કરેલા ન હોવાથી તેવા તમામ કિસ્સામાં જીએસટી વિભાગ દ્વારા વેપારીઓના ધંધાના સ્થળે જઈ વેરાકીય ચકાસણી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જીએસટી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન જામનગર ખાતે ૧ તથા ગાંધીધામ ખાતે ૮ વેપારીઓ એમ કુલ ૯ વેપારીઓ ઉપર જીએસટી વિભાગ દ્વારા તવાઈ કરવામાં આવી હતી. જે વેપારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે તે વેપારીઓ મુખ્યત્વે સર્વિસ સેકટર, આયર્ન એન્ડ સ્ટીલ, કોટન ઈન્ડસ્ટ્રીઝ, શીપીંગ સર્વિસ તથા કેમિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ જીએસટીની નજરે ચડયા છે.