ગત વર્ષની સરખામણીમાં ૮ ટકાનો જોવા મળ્યો વધારો ૮૩ લાખ લોકોએ જીએસટીઆર ૩-બીનાં રિટર્ન ફોર્મ ભર્યા
હાલ દેશની આર્થિક સ્થિતિ અત્યંત ડામાડોળ હોવાથી સરકાર દ્વારા અનેકવિધ વિવિધલક્ષી યોજનાઓ બનાવવામાં આવી રહી છે તેમાં પણ હાલ જે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમાં સરકારને જીએસટી અને આવક વેરા વિભાગ દ્વારા ઘણીખરી રાહત મળી રહી છે ત્યારે એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, બજારમાં મંદી છતાં ગત વર્ષની સરખામણીમાં ૮ ટકાનાં ગ્રોથ સાથે જીએસટીની આવક એક લાખ કરોડને પાર પહોંચી છે. સતત ૪ માસથી જીએસટીમાં એક લાખ કરોડથી વધુની આવક સરકારને થતી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે બીજી તરફ દેશનાં ૮૩ લાખ લોકોએ જીએસટીઆર ૩-બીનાં રીટર્ન ફોર્મ ભર્યા છે.
આ તકે નાણામંત્રી નિર્મલા સીતારામનનું કહેવું છે કે, સરકાર અને નાણા મંત્રાલય હાલ જીએસટી પ્રણાલીને વધુ સરળ અને મજબુત બનાવવા માટે કામગીરી કરી રહ્યું છે જેથી જીએસટી ભરનાર કરદાતાઓને વધુને વધુ લાભ મળી રહે તથા ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફરથી જે રીટર્ન કરદાતાઓને મળવાપાત્ર હોય તે પણ તેઓને યોગ્ય રીતે મળે તે હેતુસર નવી પ્રણાલી અમલી બનાવવામાં આવી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના મોરચે કેન્દ્ર સરકારને સતત ચોથા મહિને સફળતા મળી છે. ફેબ્રુઆરીમાં કુલ જીએસટી કલેક્શન રૂા.૧.૦૫ લાખ કરોડ રહ્યું છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ આંકડો ૮ ટકા ઓછો હતો. આ પહેલા નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૯ અને જાન્યુઆરી ૨૦૨૦માં પણ કુલ જીએસટી કલેક્શન રૂા.૧ લાખ કરોડથી વધુ હતું. જોકે, ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન જાન્યુઆરી કરતા ઓછું જ નોંધાયું છે. જાન્યુઆરીમાં સરકારે જીએસટીકલેક્શનનું અનુમાન રૂા.૧.૧૫ લાખ કરોડ કર્યું હતું, પરંતુ જાન્યુઆરીમાં આ કલેક્શન રૂા.૧.૧૦ લાખ કરોડ રહ્યું. આ પહેલા બે મહિના એટલે કે નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૯માં પણ જીએસટી કલેક્શન રૂા.૧ લાખ કરોડથી વધુ હતું. નવેમ્બરમાં જીએસટીની વસૂલાત રૂા.૧,૦૩,૪૯૨ કરોડ હતી, જ્યારે ડિસેમ્બરમાં આ આંકડો રૂા.૧,૦૩,૧૮૪ કરોડ રહ્યું.
નોંધનીય છે કે, જુલાઈ ૨૦૧૭માં જીએસટી લાગુ થયા પછી એપ્રિલ ૨૦૧૯માં જીએસટી કલેક્શન સૌથી વધુ રૂા. ૧,૧૩,૮૬૫ કરોડ રહ્યું હતું. નાણા મંત્રાલયના જણાવ્યાનુસાર, ફેબ્રુઆરી ૨૦૨૦માં રેગ્યુલેટર સેટલમેન્ટ તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે રૂા. ૪૩,૧૫૫ કરોડનો સીજીએસટી રૂા.૪૩,૯૦૧ કરોડનો એસ જીએસટી રહ્યો છે. સ્થાનિક ટ્રાન્ઝેક્શન થકી ફેબ્રુઆરીમાં કુલ જીએસટી રેવન્યૂ ગયા વર્ષના આ જ ગાળાની સરખામણીમાં ૧૨% વધી છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં ઈમ્પોર્ટથી કલેક્ટેડ જીએસટી રેવન્યૂમાં ૮%નો વધારો થયો છે.