બીલમાં પાછળથી ક્રેડિટ અને માલ પરત આપવાને લઈ વિવાદ નાથવા નવો નિયમ કારગર નિવડશે
જીએસટીની અમલવારી બાદ લોકોને અનુકુળ રહે તે માટે સમયાંતરે કેટલાંક સુધારા કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા ત્રિમાસીક રિટર્ન ફાઈલીંગ અને મંથલી કર ચૂકવણી માટેનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ લોકોની અનુકુળતા માટે વધુ એક નિર્ણય લેવાયો છે. જે મુજબ જીએસટીમાં હવે બીલની વિગતો ત્રિમાસીકના અંતમાં બતાવવાની છુટ મળી છે. જીએસટીમાં રિફંડ સહિતની અસમંજસતાના કારણે ઘણીવાર ટેકસ પેયર પરેશાન થઈ જાય છે.
અત્યાર સુધી એવું બનતું હતું કે, મહિનામાં ઈનવોઈશમાં પાછળથી ક્રેડીટ અથવા માલ પરત થયાની ક્વેરી નીકળતી હતી. જેના પરિણામે જીએસટી મામલે લોકો અસમંજસમાં મુકાતા હતા. હવે ત્રિમાસીકના અંતે બીલની વિગતો બતાવવાની છુટ મળવાથી લોકોને પાછળથી ક્રેડીટ અને માલ પરતના પ્રશ્ર્નો નડશે નહીં. વિગતો મુજબ ત્રિમાસીક રીટર્ન ફોર્મ જીએસટીઆર-1માં ઈનવોઈશ દર્શાવી શકાશે. એકંદરે દરેક ત્રિમાસીક ગાળાના છેલ્લા મહિનામાં ફાઈલ કરવામાં આવતા ત્રિમાસીક રિટર્ન ફોર્મ જીએસટીઆર-1માં માલ અને સેવાઓની અવર-જવરને લગતા ઈનવોઈશ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવશે.
જીએસટીએન દ્વારા તાજેતરમાં એક એડવાઈઝરી જાહેર કરાય હતી. જે મુજબ કવાર્ટરના પ્રથમ બે મહિનામાં સબમીટ કરેલા ઈનવોઈશ ફર્નીશ ફેસેલીટી સેવ ન થયું હોવું જોઈએ. આ ઉપરાંત આઈએફએફના સેવ થયેલા ફોર્મેટમાં જીએસટીઆર-1 માટે ડિલીટ થયેલો રેકોર્ડ બતાવવો પડશે. એકંદરે ત્રિમાસીકના પ્રથમ બે મહિનામાં માલ પરત આવ્યો હોય અથવા તો બીલમાં પાછળથી ક્રેડીટ કરવાની હોય તેવા કિસ્સામાં ફેરફાર થઈ શકશે. જો કે તે શરતોને આધીન છે. નોંધનીય છે કે, આઈએફએફમાં ટેક્ષ પેયરે છેલ્લી તારીખ ન નાખી હોય તો તેમાં સુધારો કરવો સંભવ નહી રહે. જીએસટીમાં રિફંડ સહિતના અનેક પ્રશ્ર્ને અસમંજસતા જોવા મળે છે. માટે તંત્ર દ્વારા તબક્કાવાર કેટલાંક સુધારા કરવામાં આવ્યા છે.
જીએસટીને લઈ ગિફ્ટ વાઉચર અને ગિફ્ટનો ભેદ ઉકેલાયો!!!
ગીફ્ટ વાઉચર આપતી વખતે અને ગિફ્ટ કાર્ડ વાપરતી વખતે જીએસટી લાગશે
ગિફટ વાઉચર અને ગિફટ કાર્ડ અંગે ઘણા સમયથી અસમંજસતા સેવાઈ રહી હતી. જેને સરકારે સ્પષ્ટ કરી નાખી છે. ગિફટ વાઉચર અને ગિફટ કાર્ડ પર જીએસટી લેવો કે કેમ ? અથવા કઈ રીતે લેવો ? તે અંગે ભેદ ઉકેલાયો છે. જે મુજબ ગિફટ કાર્ડમાં વાપરતી વખતે જ્યારે ગિફટ વાઉચરની ખરીદી વખતે જીએસટી ઉઘરાવામાં આવશે. એકંદરે ગિફટ વાઉચર લેતી વખતે જ જીએસટી ચૂકવી દેવું પડશે. આ ઉપરાંત ગિફટ કાર્ડમાં જેમ જેમ ખરીદી થતી હોય તેમ તેમ જીએસટી વસુલવામાં આવશે. જીએસટીમાં આ મામલો ખુબ સંગીન હતો. જેનો ઉકેલ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, જીએસટીમાં ગ્રાહક ફાઈનલ પ્રોડકટ ઉપર પુરેપુરુ જીએસટી ચૂકવી છે. ગત તા.30 માર્ચે અપીલેટ ઓથોરીટી ફોર એડવાન્સ રૂલીંગ દ્વારા ગિફટ વાઉચર અને ગિફટ કાર્ડને લઈ નિર્ણય લેવાયો હતો. જેમાં બન્નેમાં જીએસટી કંઈ રીતે લેવું તેનો ભેદ ઉકેલાઈ ગયો છે.