વિશ્લેષણ કમિટી ૧૫ દિવસમાં તેનો પ્રથમ રીપોર્ટ આપશે
ગુડઝ એન્ડ સર્વિસ ટેકસને બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે ત્યારે સરકાર દ્વારા જીએસટી અંગે સૌથી મોટુ રીવ્યુ એટલે કે વિશ્લેષણ હાથ ધરવામાં આવી રહ્યું છે જે માટે કેન્દ્ર સરકારે ૧૨ સભ્યોની કમિટી રચી આવનારા ૧૫ દિવસમાં તેનો પ્રથમ રીપોર્ટ રજુ કરવા માટે સરકાર રાહ જોઈ રહી છે. કહેવાય છે કે, આ રીવ્યુ બેઠકમાં નાણામંત્રાલય દ્વારા અનેકવિધ સુચનો પણ મંગાવવામાં આવ્યા છે. જેમાં ટેકસ સ્લેબમાં ઘટાડો કે પછી વધારો, લેવાયેલા નિર્ણયમાં ફેરબદલ કે કેમ ? આ તમામ મુદાઓને આવરી લઈ સરકાર દ્વારા ખુબ જ મોટાપાયે જીએસટીનું વિશ્લેષણ કરવામાં આવશે જે માટે કમિટી સજજ થઈ હોવાનું પણ સામે આવે છે.
જીએસટી કાઉન્સીલની ગત બેઠકમાં ફાયનાન્સ કમિશનનાં ચેરમેન એન.કે.સિંઘે જણાવતા કહ્યું હતું કે, જીએસટી લાગુ થયા સમયે જે જીએસટીનો ટેકસ સ્લેબ ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા રહ્યો હતો તેનું વિશ્લેષણ થવું જોઈએ. તેમનાં દ્વારા આઈડિયા પણ આપવામાં આવ્યો હતો કે, ૧૨ ટકા અને ૧૮ ટકાનાં સ્લેબને મર્જ કરી દેવામાં આવવું જોઈએ. જીએસટી દરમાં ફેરબદલ વગર જીએસટીની રેવન્યુ કલેકશનમાં અનેકગણો ફેર પડયો છે અને ઘટ પણ જોવા મળી છે તે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, નાણા મંત્રાલય દ્વારા આ તમામ મુદાઓને મુખ્યત્વે ધ્યાને લઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
રાજયમાં ઘટતા જીએસટી કલેકશનની તપાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારે કમિટીને અનેકવિધ ઉપાયો અંગે વિચારણા કરવાનું પણ કહેવામાં આવ્યું છે. કયાંકને કયાંક માનવામાં આવે છે કે, આ વિશ્લેષણ કમિટી દ્વારા જીએસટી લાગુ થયા બાદ મહેસુલમાં અનેકગણો વધારો થશે જેનાથી કેન્દ્ર સરકારને જે નાણાકીય ખાદ્યનો સામનો કરવો પડી રહ્યો છે તે આગામી દિવસોમાં નહીં કરવો પડે. મહેસુલમાં ઘટાડાની તપાસ સાથે ઉધોગોને સ્વૈચ્છાએ જીએસટીની પ્રણાલી સાથે જોડવા અને યોગ્ય વહિવટી સંકલન અંગેનો રીપોર્ટ આપવા પણ જણાવવામાં આવ્યું છે. જીએસટી કાઉન્સીલનાં સચિવાલય તરફથી જાહેર કરાયેલા એક અધિકૃત નિવેદનમાં જણાવવામાં આવી રહ્યું છે કે, સરકાર દ્વારા જે ૧૨ સભ્યોની કમિટી રચવામાં આવી છે તેમાં મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ તથા મહારાષ્ટ્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા રાજયોનાં કમિશનરો આ અંગે મંત્રણા કરી જીએસટીનું વિશ્લેષણ પણ કરશે. વિગતવાર વાત કરવામાં આવે તો અન્ય રાજયોમાંથી પણ કમિશનરોની પસંદગી કરવામાં આવી છે કે જે આ કાર્યમાં સહભાગી બની જીએસટી અંગે તેમનું વિશ્લેષણ પુરુ પાડશે. કેન્દ્ર અને રાજયોનાં અધિકારીઓની સંયુકત ટીમનાં કારણે પરિસ્થિતિમાં સકારાત્મક ફેરફાર લાવવાનો ઉપાય બતાવવાની અપેક્ષા પણ કરવામાં આવી છે. સમિતિ દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે, જીએસટીનો જે રીતે દુરઉપયોગ થઈ રહ્યો છે તેને અટકાવવા માટે વ્યવસ્થિત ફેરફાર અને ફેરબદલ કરવા જરૂરી છે જેમાં ટેકસ વધારવા, યોગ્ય મોનીટરીંગ અને કરચોરી અટકાવવાનાં ઉપાયો પણ જણાવાશે. આ માટે ઉપલબ્ધ અને રજુ થયેલા ડેટાનું પરીક્ષણ પણ કરવામાં આવશે જેથી વ્યાપક સુચનોનું લીસ્ટ સામે આવી શકે.