મોરબીના સિરામીક ઉદ્યોગમાં ખુશીનો માહોલ: જીએસટી ઘટતા સાઉથના રાજ્યોમાં મોરબીનો વેપાર વધશે: ચાઇનને પડશે મોટો ફટકો
જીએસટી કાઉન્સીલની ગઇકાલે શરૂ થયેલી બેઠક આજે પુરી થતા જ મોરબીના સીરામીક ઉદ્યોગને બહુ મોટી રાહત મળી છે અને અત્યાર સુધી લેવાતો ૨૮% જીએસટી ઘટીને ૧૮ ટકા કરવા સરકારે જાહેરાત કરી છે.
આજે જીએસટી કાઉન્સિલ દ્વારા અનેક વસ્તુઓ પર ટેકસમાં ઘટાડાની જાહેરાત કરી છે ર૮ ટકા ટેકસ સ્લેબમાં સામેલ દૈનિક ઉપયોગી વસ્તુઓ, પ્લાસ્ટીકની પ્રોડકટ અને હાથેથી બનેલા ફર્નીચર પર ગ્રાહકોને રાહત મળવાની સાથે લોકોની મહત્વની જરૂરિયાત એવી સીરામીક પ્રોડક્ટ પર ૨૮ ટકાને બદલે ૧૮ ટકા ટેક્સ સ્લેબ અમલી બનાવવા જાહેરાત કરવામાં આવી છે.
સરકારે સીરામીક પ્રોડક્ટ ઉપરનો જીએસટી ઘટાડતા મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ કે.જી.કુંડારીયાએ સરકારના આ પગલાંને આવકારતા જણાવ્યું હતું કે જીએસટી ઘટાડો થતા મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝને જીવતદાન મળ્યું છે કારણ કે ૨૮ ટકા જીએસટી બાદ સાઉથના પાંચ રાજ્યોમાં મોરબીની ટાઇલ્સ કરતા ચાઇનની ટાઇલ્સ સસ્તી મળતી હોવાથી ત્યાંનો ઠપ્પ થયેલો વેપાર પુન: ધમધમતો થશે.
આ ઉપરાંત સીરામીક ઉદ્યોગકારોને ૨૮ ટકા ટેક્સ ચૂકવ્યા બાદ ચાર-ચાર મહિને પંક્તિ ઉઘરાણીમાં ટેક્સની રકમનું રોકાણ થતું હતું એ રોકાણનું પ્રમાણ ઘટી જશે.
દરમિયાન જીએસટી ઘટવાથી ટેક્સ ચોરીનું દુષણ સદંતર પણે બંધ ૫હવાનો આશાવાદ વ્યક્ત કરતા કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું કે ઉંચા ટેક્સને કારણે કોઈપણ વેપારી કે ઉદ્યોગકારને ટેક્સ ચોરી કરવાની લાલચ જાગે પરંતુ ઓછો ટેક્સ હોયતો કોઈપણ ઉદ્યોગકાર ટેક્સ ચોરી બાબતે વિચારે ઓન નહીં તેમ જણાવી જીએસટી ઘટતા સરકારને ટેક્સની આવક વધશે તેમ જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે જીએસટી ઘટવાથી મોરબીના સીરામીક ઉદ્યોગને સૌથી મોટો ફાયદો ચાઇના સામેની લડાઈમાં મળ્યો છે હવે ભારતીય સીરામીક પ્રોડક્ટ ચાઇનાથી સસ્તી મળશે અને ખાસ કરીને મોરબીના વેચાણ વેપાર વધવાની આશા વ્યક્ત કરી હતી.
વધુમાં ર૮ ટકાના સ્લેબમાં અત્યારે રર૭ વસ્તુઓ હતી જેમાંથી ૧૧૮ ચીજ વસ્તુઓને ૧૮ ટકાના સ્લેબમાં લેવામાં આવતા દેશનું અર્થતંત્ર પુન: ધબકતું થવાના એંધાણ મળી રહ્યા છે.